Columns

સ્ટુડન્ટ્સ આટલું ધ્યાનમાં રાખજો

મિ.રાહુલ રસ્તોગી, તમારી ટ્યુશન ફી અને અમેરિકામાં રહેવા – ખાવાનો ખર્ચો કોણ આપે છે?’ મુંબઈથી અબુધાબી થઈને ન્યૂયોર્ક જનાર પ્લેનમાં બોર્ડિંગ કરવા ઈચ્છતા સુરતના સ્ટુડન્ટને અબુધાબી ખાસ આવી પહોંચેલ અમેરિકાના ઈમિગ્રેશન ઓફિસરે સવાલ કર્યો. ‘અફકોર્સ, મારાં પેરેન્ટ્સ.’ ‘એમ? ઈન્ડિયાથી તેઓ તમને પૈસા કેવી રીતે મોકલે છે? બેન્ક ટ્રાન્સફર દ્વારા કે પછી હવાલા મારફતે?’ આ સવાલ સાંભળતા જ રાહુલનું મોઢું પડી ગયું. એના ફાધર ખરેખર હવાલા મારફતે જ એની ફી અને અન્ય ખર્ચાની રકમ મોકલતા હતા.

ન્યૂયોર્કમાં એમની જ્ઞાતિના એક ભાઈ વર્ષોથી રહેતા હતા. તેઓ રાહુલની યુનિવર્સિટીની ફી અને એના અમેરિકામાં રહેવા, ખાવાપીવાના તેમ જ પરચૂરણ ખર્ચાના પૈસા રાહુલને રોકડામાં આપી દેતા હતા. રાહુલ એ પૈસા એના બેન્ક એકાઉન્ટમાં જમા કરતો અને એમાંથી ટ્યુશન ફી અને અન્ય ખર્ચાની રકમ આપતો. ફાધરના એ ફ્રેન્ડની બહેન સુરતમાં રહેતી હતી. રાહુલના ફાધર એ ભાઈ રાહુલને જે ડોલર આપે એના બ્લેકમાર્કેટમાં જે એક્સચેન્જ રેટ હોય એ ગણીને એ મુજબ ઈન્ડિયન રૂપિસમાં રોકડામાં પેમેન્ટ કરી દેતા.

‘તમે અમેરિકામાં ઈલીગલી કામ કરતા હશો એટલે જ તમારા અમેરિકન બેન્ક એકાઉન્ટમાં વારંવાર રોકડા ડોલર્સ જમા થયા છે’ રાહુલનું બેન્ક સ્ટેટમેન્ટ જોતાં ઈમિગ્રેશન ઓફિસરે જણાવ્યું. ‘તમે તમારા સ્ટુડન્ટ સ્ટેટસનું ઉલ્લંઘન કર્યું છે.’ આમ જણાવીને એ ઓફિસરે રાહુલના સ્ટુડન્ટ વિઝા કેન્સલ કર્યા અને એને અબુધાબીથી ન્યૂયોર્ક જતાં પ્લેનમાં ચઢવા ન દીધો પણ મુંબઈ પાછા જવાની ફરજ પાડી.

દોઢ વર્ષથી અમેરિકાની યુનિવર્સિટીમાં ભણી રહેલ રાહુલ માટે એનું ભણતર પૂરું કરવા અને ડિગ્રી પ્રાપ્ત કરવા માટે ફકત 6 મહિના જ બાકી રહ્યા હતા. એ દરમિયાન એ અઠવાડિયું એના ફાધરમધરને મળવા ક્રિસમસ વેકેશનમાં સુરત આવ્યો હતો. પાછા જતા એના ખાતામાં વારંવાર રોકડા ડોલર જમા થયેલા જોઈ અને ઈન્ડિયાથી એક પણ ડોલર ટ્રાન્સફર થયેલો ન હતો એ જાણીને અબુધાબી આવી પહોંચેલ ઈમિગ્રેશન ઓફિસરને એવું લાગ્યું કે રાહુલ અમેરિકામાં નક્કી ઈલીગલી કામ કરતો હશે અને પગાર રોકડામાં લેતો હશે, જે એ એના ખાતામાં જમા કરાવતો હશે. આથી ઓફિસરે અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ઉપર ઈલીગલી કામ કરવા બદલ રાહુલના સ્ટુડન્ટ વિઝા કેન્સલ કરી નાખ્યા. રાહુલનો અભ્યાસ અધૂરો રહી ગયો. એ રખડી પડ્યો.

ગુજરાતમાંથી અમેરિકા ભણવા જતા અનેક સ્ટુડન્ટસનાં માબાપ આ મુજબ જ એમનાં સંતાનોની ટ્યુશન ફી તેમ જ ખર્ચાના પૈસા હવાલા દ્વારા મોકલાવે છે. આ કારણસર એ સ્ટુડન્ટસ અનેક વાર મુશ્કેલીમાં મુકાઈ જાય છે. તેઓ અમેરિકામાં કામ ન કરતા હોય તોય ઈમિગ્રેશન ઓફિસરને એવી શંકા જાય છે કે તેઓ અમેરિકામાં સ્ટુડન્ટ વિઝા ઉપર ગેરકાનૂની રીતે કામ કરી રહ્યા છે.

ઘણા સ્ટુડન્ટસ જ્યારે અમેરિકાની યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરે છે ત્યારે યુનિવર્સિટીને એવું જણાવે છે કે એમનો બધો ખર્ચો એમનાં માબાપ આપશે. એડમિશન મળ્યા બાદ તેઓ બેન્ક લોન મેળવે છે. ફાયનાન્શ્યલ ઈન્સ્ટ્યિૂશનોમાંથી આર્થિક સહાય મેળવે છે. ચેરીટેબલ ટ્રસ્ટમાંથી લોન મેળવે છે. વિઝાની અરજી કરતી વખતે એ દેખાડે છે. આમ બેઉ જગ્યાએ એમના ખર્ચાનાં નાણાં ક્યાંથી આવવાના છે એ તેઓ જુદું જુદું દેખાડે છે. આથી એમના સ્ટુડન્ટ વિઝાની અરજી નકારાય છે.

ઘણા સ્ટુડન્ટસ અમેરિકાની સારી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવે છે અને એ જ યુનિવર્સિટીમાં ભણવું છે એવું જણાવીને સ્ટુડન્ટ વિઝા મેળવે છે. અમેરિકા ગયા બાદ તુરંત જ અથવા તો એક સત્ર બાદ તેઓ એ યુનિવર્સિટી ત્યજી દઈને બીજી હલકા દરજ્જાની અને ખૂબ ઓછી ફી ચાર્જ કરતી, એમના સગાંવહાલાં જ્યાં રહેતા હોય એમની નજીક આવેલ યુનિવર્સિટીમાં ટ્રાન્સફર થઈ જાય છે. આવા સ્ટુડન્ટસ જ્યારે રજામાં ઈન્ડિયા આવે છે, ત્યારે પાછા જતાં એમની આ ચાલાકી પકડાઈ જાય છે અને એમને અમેરિકામાં પ્રવેશવા દેવામાં નથી આવતા. આમ, જેમણે યુનિવર્સિટી બદલી હોય એવા સ્ટુડન્ટસનાં માતાપિતા જ્યારે ‘અમારા સંતાનોને અમારે મળવા જવું છે’ એવું જણાવીને B-1/B-2 વિઝાની અરજી કરતા હોય છે, ત્યારે એમની અરજીઓ નકારાય છે.

અનેક સ્ટુડન્ટસ લેપટોપમાં પોર્નોગ્રાફી, એમાં પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ફિલ્મો જોતા પકડાય છે. અનેકો આવી ફિલ્મો અન્યોને ફોરવર્ડ કરતા ઝડપાય છે. આવા વિદ્યાર્થીઓના ફકત સ્ટુડન્ટ વિઝા કેન્સલ નથી કરવામાં આવતા, એમને ફકત ડિપોર્ટ નથી કરવામાં આવતા પણ એમને 1 વર્ષથી માંડીને 25 વર્ષ સુધીની જેલની સજા કરવામાં આવે છે. ઘણા સ્ટુડન્ટસ ડ્રગ્સનું સેવન કરતા હોય છે. તેઓ પણ જો પકડાય તો તેમની હાલત ભૂંડી થાય છે. ફાઈન, જેલ અને છેવટે દેશનિકાલ આ બધું એમને ભોગવવાનું રહે છે.

સ્ટુડન્ટ વિઝા ઉપર પરદેશી સ્ટુડન્ટને ઓન કેમ્પ્સ અઠવાડિયાના 20 કલાક કામ કરવાની છૂટ હોય છે. તેઓ કેમ્પસની બહાર કામ નથી કરી શકતા. આ પાબંદીની પૂરેપૂરી જાણ હોવા છતાં અનેક સ્ટુડન્ટ્સ શનિ – રવિની રજામાં યુનિવર્સિટીમાં જ્યારે વેકેશન હોય ત્યારે એમના સગાંવહાલાં કે અન્યોની હોટેલ, ફાસ્ટ ફુડ, રેસ્ટોરાં, ગેસ સ્ટેશન, કન્વિનિયન સ્ટોર – આ સર્વેમાં ઈલીગલી કામ કરતા હોય છે. તેઓ જો પકડાય તો એમના સ્ટુડન્ટ સ્ટેટસનો અંત આવે છે.

ભારતીય સ્ટુડન્ટસ તમારાં માતાપિતા ખૂબ જ કષ્ટ વેઠીને, પેટે પાટા બાંધીને, તમને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અમેરિકા ભણવા મોકલે છે. તમારાં માતાપિતા ધનિક હોય તેઓ પણ તમને પરદેશમાં અભ્યાસ કરવા મોકલે ત્યારે ખૂબ મોટો ભોગ આપતા હોય છે. તેઓ એમ ઈચ્છે છે કે તમે અમેરિકામાં પ્રાપ્ત થતું ઉચ્ચ શિક્ષણ મેળવો અને જીવનમાં આગળ આવો. પણ જો તમે આવું કંઈક કાર્ય કરતા પકડાશો કે અમેરિકાના ઈમિગ્રેશન ઓફિસરો યા પોલીસને તમે આવું કંઈક ખોટું કાર્ય કરો છો એવી શંકા પણ જશે તો તમારી કારકિર્દી ધૂળમાં મળી જશે. સ્ટુડન્ટસ આટલું ધ્યાનમાં રાખજો. તમે અમેરિકા ભણવા જાઓ છો, નહીં કે હવાલાકાંડ કરવા, છેતરપિંડી આચરવા, પોર્નોગ્રાફી ફિલ્મો જોવા, ઈલીગલી કામ કરવા, આ બધાથી દૂર જ રહેજો, નહીં તો તમારી જિંદગી બરબાદ થઈ જશે.

Most Popular

To Top