Charchapatra

શિક્ષક અને વિદ્યાર્થી એકબીજાનાં પૂરક છે

શિક્ષક એટલે પોતાના વિદ્યાર્થીઓને સાચી શિક્ષા તથા દીક્ષા આપનાર વ્યક્તિ. શિક્ષક પોતાના વિદ્યાર્થીઓના પથદર્શક અને માર્ગદર્શક બની શકે છે. બાળકોમાં માતા બાદ સંસ્કારનું કોઈ સિંચન કરતું હોય તો તે વ્યક્તિ શિક્ષક છે. બાળકો કે વિદ્યાર્થીઓના જીવનમાં માતા પછી ગુરુ કે શિક્ષકનું દ્વિતીય સ્થાન આવે છે. આપણા ભારત દેશના સૌ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણને પણ એક સમયે એમની કારકિર્દી શિક્ષક તરીકે જ શરૂ કરી હતી અને તેથી જ એમના માનાર્થે પાંચમી સપ્ટેમ્બરને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક ખરા અર્થમાં વિદ્યાર્થીઓના ગુરુ છે,એની જે વિદ્યાર્થીઓના ભાવિનું ઘડતર કરી, વિદ્યાર્થીઓના જીવનને અંધકારમાંથી ઓજસ તરફ લઈ જાય છે. શિક્ષક જ એક એવો મહાનુભાવ છે, જેના માધ્યમ થકી તેના ભણાવેલા વિદ્યાર્થીઓમાંથી કોઈ ડૉકટર, કોઈ એન્જિનિયર, કોઈ વકીલ તો કોઈ વિમાનનો પાયલટ બને છે.

આ બધાં આ સ્થાન કે પદ ઉપર આવ્યા એ સારા શિક્ષકોના શિક્ષણને કારણે છે. શિક્ષકો વિદ્યાર્થીઓના અંધકારમય જીવનમાં જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવે છે. સિક્કાની બીજી બાજુ વિચારીએ તો વિદ્યાર્થી એટલે વિદ્યાનો સાચો અર્થ સમજદાર. જે બાળક વિદ્યાનો કે શિક્ષણનો સાચો અર્થ કાઢી શકે છે અને સમજી શકે છે એ જ આદર્શ વિદ્યાર્થી છે. વિદ્યા હંમેશા વિનય વડે શોભે છે એ ન્યાયે વિદ્યાર્થી નમ્ર, વિનયી, વિવેકી, સુશીલ, મિત અને મૃદુભાષી હોવો જોઈએ. વિદ્યાર્થી તથા શિક્ષક એકબીજાથી અલિપ્ત રહી શકે નહીં. આમ શિક્ષક તથા વિદ્યાર્થી એકમેક સાથે સેતુ સમાન છે અને એકબીજાના પૂરક છે.
હાલોલ- યોગેશભાઈ આર. જોષી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top