સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) એક કોલેજમાંથી (College) બીજી કોલેજમાં જવા માટે 4,757 વિદ્યાર્થીઓએ (Student) ઓનલાઇન એપ્લિકેશન કરી છે. આ વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ બગડે નહીં તે માટે યુનિવર્સિટીએ કોલેજોને આગામી 10 જાન્યુઆરી સુધીમાં કોલેજ ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ કરવા આદેશ કર્યો છે.
હાલમાં જ યુનિવર્સિટીની અંડર ગ્રેજ્યુએટની કોલેજોમાં સેમેસ્ટર એકની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પરંતુ સેંકડો વિદ્યાર્થીઓને મનપસંદ કોલેજ કે કોર્સમાં પ્રવેશ મળ્યો ન હતો. વિદ્યાર્થીઓએ પોતાના ભાવિને જોતા શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે જ્યાં પ્રવેશ મળતો હતો, ત્યાં પ્રવેશ લઇ લીધો હતો. જેથી યુનિવર્સિટીએ આવા વિદ્યાર્થીઓને એક તક આપી હતી. સેમેસ્ટર બે, ચાર અને છમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ટ્રાન્સફર મેળવવા ઇચ્છતા હોય તો ગત 12થી 13 ડિસેમ્બર, 2022 સુધીમાં પોતાના ડેશબોર્ડમાં જઇ ઓનલાઇન અરજી કરવાની હતી. આવી જ રીતે પોસ્ટ ગ્રેજ્યુએટમાં સેમેસ્ટર બે અને ચારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોલેજ બદલવા ઇચ્છતા હોય તો તેમણે પણ આ રીતે ઓનલાઇન અરજી કરવાની હતી.
દરમિયાન યુનિવર્સિટીને 4757 વિદ્યાર્થીઓએ કોલેજ ટ્રાન્સફર માટે એપ્લિકેશન કરી હતી. જો કે, એપ્લિકેશન કરનારા વિદ્યાર્થીઓને કોલેજ ટ્રાન્સફર પોલીસીનો લાભ મળે અને અભ્યાસક્રમ પણ બગડે નહીં તે માટે યુનિવર્સિટીએ કોલેજોના આચાર્યોની સાથે વિભાગીય વડાને પરિપત્ર કરીને જણાવ્યું હતું કે કોલેજ ટ્રાન્સફરની પ્રક્રિયા આજથી 7 દિવસમાં એટલે કે ત્રણથી દસ જાન્યુઆરી સુધીમાં એપ્લિકેશન કરવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે જે તે કોલેજમાં બેઠક ખાલી હશે તો તેઓને મેરીટ યાદી અનુસાર પ્રવેશ ફાળવી આપશે. ટ્રાન્સફર માટે અરજી કરનારા વિદ્યાર્થીઓએ રોજે રોજ પોતાનું ડેશબોર્ડ ચેક કરવાનું રહેશે. યુનિવર્સિટીએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે એક વખત કોલેજ ટ્રાન્સફર કરાવ્યા બાદ વિદ્યાર્થી મૂળ કોલેજમાં જઇ શકશે નહીં.