સુરત: કેટલા વિદ્યાર્થીઓ (Student) લેવા માંગે છે? એ માહિતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) પીએચ.ડી. (Ph.d) ગાઇડો પાસે માંગી છે. પીએચ.ડી. ગાઇડોએ તે માહિતી આગામી ચાર દિવસમાં એટલે કે 26 ડિસેમ્બર સુધીમાં યુનિવર્સિટીને આપવાની રહેશે.
યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કરતાં તમામ વિદ્યાશાખાના તમામ વિષયોના પીએચ.ડી. ગાઇડોને જણાવ્યું હતું કે, ગત માર્ચ મહિનામાં પીએચ.ડી.ની પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેથી ફાળવવાના થતા વિદ્યાર્થીઓ પૈકી તેઓ કેટલા વિદ્યાર્થીઓ લેવા માંગે છે? એની માહિતી યુનિવર્સિટીને મોકલવાની રહેશે. આ કાર્યવાહી આગામી 26મી ડિસેમ્બર, 2022 સુધીમાં પીએચ.ડી. ગાઇડોએ મોકલવાની રહેશે. ત્યાર બાદ પીએચ.ડી. ગાઇડો માહિતી લેવામાં આવશે નહીં. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ પણ ફાળવવામાં આવશે નહીં. યુનિવર્સિટીએ પીએચ.ડી. ગાઇડો પાસેથી માંગેલી આખી માહિતીનું આખું ફોર્મેટ યુનિવર્સિટીની વેબસાઇટ પર અપલોડ કર્યું છે. જેમાં વિદ્યાશાખા, વિષય, કુલ બેઠક અને કેટગરી વાઇસ બેઠક સહિતની માહિતી યુનિવર્સિટીને પીએચ.ડી. ગાઇડોએ મોકલવાની રહેશે.
પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કમાં પાસ વિદ્યાર્થીઓને 28મી સુધી પીએચ.ડી. ગાઇડોની ફાળવણી
હાલની પીએચ.ડી. પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કની પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને આગામી 28મી ડિસેમ્બર સુધી પીએચ.ડી. ગાઇડોની ફાળવણી કરવામાં આવશે. અહીં યુનિવર્સિટીમાં પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કની પરીક્ષા યોજાઈ હતી, જેમાં 8 ફેકલ્ટીના 27 વિષયના 258માંથી 252 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. જે પરીક્ષાનું પરિણામ ગત મંગળવારે જાહેર થયું હતું. જેમાં ચાર વિદ્યાર્થી નાપાસ થયા છે. આમ, પરિણામ 98% રહ્યું હતું.
વિદેશી વિદ્યાર્થીઓની બેઠક ન હોય તો વધારાની બેઠક અપાશે, બે સિન્ડિકેટ સભ્યોની હાજરીમાં બેઠકોની ફાળવણી થશે
યુનિવર્સિટીમાં પ્રિ-રજિસ્ટ્રેશન કોર્સ વર્કની પરીક્ષામાં 8 ફેકલ્ટીના 27 વિષયના 258માંથી 252 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જેમાં 25 વિદ્યાર્થી વિદેશી હતા. જે પણ પરીક્ષામાં પાસ થયા છે. અંતે પરિણામ 98 % આવ્યું છે. દરમિયાન વિદેશી વિદ્યાર્થીઓના કિસ્સામાં જો માર્ગદર્શક શિક્ષક પાસે બેઠક ઉલબબ્ધ ન હોય તો, સિન્ડિકેટના ઠરાવો અનુસાર એક બેઠક સુપરન્યૂમરી એટલે કે વધારાની બેઠક તરીકે પણ ફાળવી શકાશે. બે સિન્ડિકેટ સભ્યોની હાજરીમાં બેઠકોની ફાળવણી કરવામાં આવશે.