Charchapatra

વિદ્યાર્થીઓના આપઘાત ચિંતા અને ચિંતનનો વિષય

છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ મેળવનારા વિદ્યાર્થીઓના આપઘાતના બનાવોમાં ૩૨ % જેટલો વધારો નોંધાયો છે. ગુજરાત પણ એમાં પાછળ રહ્યું નથી. નાદાનથી માંડી મેચ્યોર ગણી શકાય એવા વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે એ ખરેખર શિક્ષણ જગત, સરકાર અને સમાજ માટે ખૂબ જ ચિંતા અને ચિંતનનો વિષય છે. ક્યારેક કેટલીક વ્યક્તિઓ કે સંસ્થાઓ આને માટે સંવેદનશીલ બની ચળવળ ઉપાડે છે. પણ એનું સાતત્ય અને ટકાઉપણું મર્યાદિત બની જતું હોવાથી આવા બનાવો બનતા રહે છે. કોઈ પણ વ્યક્તિ આપઘાત કરે ત્યારે એની પાછળ ઘણા બધા શારીરિક, માનસિક, આર્થિક, સામાજિક કારણો જવાબદાર હોય છે.

પરંતુ એક વિદ્યાર્થી જ્યારે આપઘાત કરે ત્યારે તેની પાછળના કારણો લગભગ નિવારી શકાય એમ હોય છે. જો એને યોગ્ય સમજ અને જરૂરી માર્ગદર્શન મળી રહે તો. આ કામ મોટેભાગે મા-બાપ, શિક્ષકો અને મનોચિક્ત્સકો ખૂબ સારી રીતે કરી શકે છે. બધા મનોચિક્ત્સકોની પાસે જઈ શકતા નથી. ઉપરાંત વિદ્યાર્થીઓની સૌથી નજીક માતા-પિતા અને શિક્ષકો હોય છે. જો તેઓ સજાગ અને જાગૃત રહે તો આત્મહત્યાનું પગલું ભરવા જનાર વિદ્યાર્થીઓના લક્ષણો ઓળખી તેમને અટકાવી શકે છે. તેથી મા-બાપ અને શિક્ષકોએ આ કામગીરી જવાબદારીપૂર્વક ઉપાડવી જોઈએ. મા-બાપ અને શિક્ષકોને આ અંગેનું જ્ઞાન અને તાલીમ અનિવાર્ય બને છે.

સુરત જિલ્લાના પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી ડો. યુ.એન.રાઠોડ સાહેબે સુરત શહેરના વિદ્વાન મનોચિક્ત્સકોના સહકારથી એક ચળવળ ચલાવી હતી. મા-બાપ અને શિક્ષકોને માર્ગદર્શન મળી રહે તે માટે એક પુસ્તિકા તૈયાર કરાવી હતી. એટલું જ નહીં લગભગ સમગ્ર ગુજરાત રાજ્યની શાળાઓને વિનામુલ્યે પુસ્તક મળે એવી વ્યવસ્થા પણ ગોઠવી હતી. ઉપરાંત શિક્ષકો અને વાલીઓને માર્ગદર્શન મળી રહે તે માટે ઘણા સેમિનારોનું પણ આયોજન કર્યું હતું સાથે જ જિલ્લાની દરેક શાળામાં કાઉન્સેલિંગ સેન્ટર પણ શિક્ષકો દ્વારા શરૂ કરાવ્યા હતા. આ બધી કામગીરીની ફળશ્રુતિ પણ મળી હતી. સમગ્ર રાજયમાં અને દેશમાં જે શાળા અને કોલેજોમાં આ પ્રવૃત્તિઓ બંધ થયેલી હોય તે ફરી કાર્યરત બને એવી અપેક્ષા.
સુરત     – મિતેશ પારેખ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

જાહેર શૌચાલયો ની અસ્વચ્છતા
જેટલાં  પણ જાહેર બાગ – બગીચાઓ છે, અને બીજી પણ જેટલી જાહેર જગ્યાઓ  છે ત્યાં  શૌચાલયો ની ગંદકી  શરમાવે તેવી છે.જયાં  ‘ પે એન્ડ યુઝ’ છે ત્યાં  પાછી સ્વચ્છતા  જળવાય છે. આનાં  પ્રમુખ  કારણોમાં  કયાં તો જે- તે જગ્યાઓ પર  પાણીનો અભાવ  અથવા વ્યકિત ની પોતાની આળસ અને બેદરકારી જવાબદાર છે. બાગ- બગીચાની સફાઈ, પાણી છંટાવવુ, વખતોવખત કાપકૂપ થવી  એ બાબતો પર ધ્યાન જાય છે, પરંતુ શૌચાલયો ની સ્વચ્છતા અને  કચરાપેટી ની  બહાર કચરાં  અંગે  કોઈ નું  ધ્યાન જતું નથી. સુરત કોર્પોરેશન  ગાર્ડન સમિતિ આ બાબત માં શું  કરી શકે તેમ છે? અને  દરેક  નાગરિક પોતે “ મને  જેવું  ચોખ્ખું  ગમે છે  તેવું હું  રાખીશ “ આવું  બેનર લઈને  ફરે તો સહિયારા પ્રયાસોથી  સ્વચ્છતા ને ચાર ચાંદ લાગી શકે!
સુરત     – વૈશાલી શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top