સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં આહવામાં આવેલા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ (Student) આજરોજ ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદારને સંબોધીને આવેદનપત્ર આપી જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર કચેરી દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં (Hostel) રહી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને વી.ટી.સીનાં આચાર્ય દ્રારા અદાવત રાખી હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકી આપી હેરાન કરવામાં આવી રહ્યા છે.
- વી.ટી.સીનાં આચાર્યની પત્ની કેતનાબેન પણ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરે છે
- ગામડાઓમાં બસ આવતી નહીં હોવાથી સરકારી હોસ્ટેલમાં 27 વિધાર્થીઓએ પ્રવેશ લીધો
- યોગ્ય સગવડ નહીં હોવાથી અમુક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા માટે મજબુર બન્યા
ડાંગનાં અંતરીયાળ વિસ્તારનાં ગામડાઓમાંથી આવતા વિધાર્થીઓએ વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરમાં વિવિધ ટ્રેડમાં એડમિશન લીધુ છે. ગામડાઓમાં બસ આવતી નહીં હોવાથી સરકારી હોસ્ટેલમાં 27 વિધાર્થીઓએ પ્રવેશ લીધો છે. અગાઉ હોસ્ટેલ શરૂ નહીં થવા બાબતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યુ હતુ. જેની અદાવત વી.ટી.સીનાં આચાર્ય બકુલેશ દાસ વિધાર્થીઓ સાથે અવાર-નવાર તોછડું વર્તન કરે છે. સાથે આ આચાર્ય દ્વારા માર-મારવાની ધમકી આપે છે. તેમજ વિધાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મુકવાની ધમકી આપી શારીરિક અને માનસિક ત્રાસ આપે છે.
વી.ટી.સીનાં આચાર્યની પત્ની કેતનાબેન પણ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર વર્તન કરે છે. જેથી 27 માંથી 15 વિદ્યાર્થીઓએ તો હોસ્ટેલ પણ છોડી દીધી છે. પરંતુ યોગ્ય સગવડ નહીં હોવાથી અમુક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહેવા માટે મજબુર બન્યા છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને હાની કે અન્ય કઈ પણ થાય તો તેની તમામ જવાબદારી આચાર્ય બકુલેશ દાસની રહેશે એવુ પણ જણાવ્યુ છે. વધુમાં તંત્ર દ્વારા જો આચાર્ય બકુલેશ દાસ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ધરણાની પણ ચીમકી ઉચ્ચારી છે.
મેં આચાર્યને સૂચના આપી છે.
આ બાબતે ડાંગ જિલ્લા પ્રાયોજના વહીવટદાર જે.ડી.પટેલે જણાવ્યુ હતુ કે વોકેશન ટ્રેનિંગ સેન્ટરનાં આચાર્ય બકુલેશ દાસ અને હોસ્ટેલનાં વિદ્યાર્થીઓની વાત મારા ધ્યાનમાં આવી છે. અને મે આચાર્યને સૂચના આપી છે.