સુરત:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) મંગળવારે નેકની (NAAC) પીયર ટીમે વિદ્યાર્થી (Student) અને વાલીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થી સાથેની આ બેઠકમાં નેકની પિઅર કમિટિએ વાલીઓને પ્રશ્ન કર્યો હતો કે તમારા શહેરમાં આઠ આઠ પ્રાઇવેટ યુનિવર્સિટી છે તો તમે શા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને પસંદ કરી? જે મુદ્દે વાલીઓએ જણાવ્યું હતું કે અહીંયાનું શિક્ષણ ખૂબ જ સારૂ છે અને અમારી દિકરીઓને અહીંયા ખૂબ જ સુરક્ષિત વાતાવરણ મળે છે. જ્યારે વિદ્યાર્થીઓએ આ મુદ્દે જણાવ્યું હતું કે પ્રાઇવેટ યુનિવર્સિટીઓમાં કરતા અમારી યુનિવર્સિટીમાં ફીનું ધોરણ નીચુ છે અને એમાં પણ સ્કોલરશિપનો લાભ મળે છે. ઉપરાંત અમારી યુનિવર્સિટીમાં સિનિયર ફેકલ્ટી છે. અહીંયા સ્કીલ અને પર્સનાલિટી ડેવલોપમેન્ટ સહિતની બાબતો શીખવા મળે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નેકની ટીમે પૂર્વ વિદ્યાર્થીઓ સાથે પણ બેઠક કરી હતી. ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલ સાથે વધુ પાંચ ડિપાર્ટમેન્ટ તેમજ લાઇબ્રેરીની મુલાકાત પણ લીધી હતી.
ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલના રસોડાથી માંડીને ટોઇલેટ સહિતની બાબતો તપાસી
નેકની ટીમે ગર્લ્સ અને બોયઝ હોસ્ટેલના રસોડાથી માંડીને ટોઇલેટ સહિતની બાબતો તપાસ હતી. હોસ્ટેલમાં રહેતા વિદેશી સહિતના વિદ્યાર્થીઓને ભોજન ભાવે છે કે કેમ? ટોઇલેટ અને રૂમમાં સાફ સફાઇ રખાય છે કે કેમ? સહિતના પ્રશ્નો પૂછ્યા હતાં. ઉપરાંત રસોડામાં અનાજ, શાકભાજી, મરી-મસાલા સહિતની બાબતો પણ તપાસી હતી. વોર્ડન અને સિક્યુરિટીની સાથે પણ બેઠક કરી હતી. જેમાં તેઓએ વિદ્યાર્થીઓને કઈ કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે, એવા પ્રશ્ન પુછાયા હતા.
સિન્ડિકેટ પાસે ફયુચર એકેડેમિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાન માંગ્યો
નેકે સિન્ડિકેટ સાથે પણ બેઠક કરી હતી. જેમાં ભવિષ્યમાં એકેડેમિક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મમાલે તમારો શું પ્લાન છે? તેમજ તમારી સિન્ડિકેટ, સેનેટ સહિતની જુદી જુદી બોડીમાં વિદ્યાર્થીઓને કઈ રીતે સ્થાન મળે છે. જેવી બાબતો નેકે જાણી હતી. ઉપરાંત લાઇબ્રેરીની પણ મુલાકાત કરી હતી. જ્યાં તેમણે નવી નવી બુક્સ મૂકાય છે કે નહીં? જેવી બાબતો જાણી હતી.