સુરત: છેલ્લાં એક મહિનાથી એમટીબી (MTB) આર્ટ્સ કોલેજનો કચરો એનએસએસ (NSS) અને એનસીસી (NCC) ઓફિસ પાસે ફેંકાઇ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓ (Student) હેરાન થઈ રહ્યા હતાં. જેથી તે જગ્યા સાફ રહે તે માટે વિદ્યાર્થીઓ આચાર્યને રજૂઆત કરી રહ્યાં હતાં. પણ આચાર્યને કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતાં અંતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે શુક્રવારે કોલેજમાં હોબાળો મચાવ્યો હતો. એટલું જ નહીં, આચાર્યની ઓફિસમાં કચરો ફેંકી વિરોધ નોંધાવ્યો હતો.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદના સુરત મહાનગરના મંત્રી મલ્હાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, છેલ્લા એક મહિનાથી અઠવા ગેટ સ્થિત સમગ્ર એમટીબી કોલેજનો કચરો કેમ્પસમાં જ આવેલી એનએસસ અને એનસીસી ઓફિસ પાસે ફેંકવામાં આવી રહ્યો હતો. જેને કારણે દુર્ગંધ આવતા અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓને પરેશાની થઈ રહી હતી. જેથી તે જગ્યા પર કચરો નહીં ફેકાય અને સાફ સફાઈ રહે તે માટે વિદ્યાર્થીઓએ આચાર્યને એક વખત નહીં પરંતુ વારંવાર રજૂઆત કરી હતી. પણ આચાર્યએ તે જગ્યા સાફ કરવી ના હતી. જેથી શુક્રવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે આખી કોલેજનો કચરો આચર્યની કેબિનમાં ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો.
પેપરના બંડલ વહેલા તોડવા મુદ્દે યુનિ.એ આચાર્યને સસ્પેન્ડ કરવા આદેશ, ટ્રસ્ટે પાલન નહીં કર્યું!
યુનિવર્સિટીની મુખ્ય જાહેર પરીક્ષામાં એમટીબી આર્ટ્સ કોલેજે પોતાની સગવડતાને જોતા એક દિવસ પહેલા જ પેપરના બંડલ ખોલ્યા હતા. જેથી આચાર્યને સસ્પેન્ડ કરવા માટેની માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે કરી હતી. જે પછી યુનિવર્સિટીએ તાકિદે તપાસ હાથ ધરીને આચાર્યને સસ્પેન્ડ કરવા માટે ટ્રસ્ટને પત્ર લખ્યો હતો. પણ ટ્રસ્ટે તેનું પાલન હજી સુધી કર્યું નથી. જેથી શુક્રવારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ટ્રસ્ટને આવેદન પત્ર આપીને આચાર્યને સસ્પેન્ડ કરવા માટેની પણ માંગ કરી હતી.