વડોદરા : વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી નૂતન વિદ્યાલયમાં ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સ્કૂલના આચાર્યાએ ડસ્ટર મારતા ફ્રેકચર થઈ ગયુ હોવાનો આરોપ વિદ્યાર્થીની માતાએ કરતા વાલીઓ મા ખળભળાટ મચી ગયો હતો. શહેરના સુભાનપુરા વિસ્તારમાં જ રહેતા અને નૂતન વિદ્યાલયમાં ધો.8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીની માતાએ કહ્યુ હતુ કે, ગઈકાલે સ્કૂલમાં મારા પુત્રથી બેન્ચ પર વ્હાઈટનર ઢોળાઈ ગયુ હતુ. તે સમયે આચાર્યા હેતલબેન પટેલ રાઉન્ડમાં નિકળ્યા હતા અને તેમને કોઈએ આ વાત કહી હતી.
મારો પુત્ર બેન્ચ પર વ્હાઈટનર સાફ પણ કરી રહ્યો હતો અને તે જ વખતે ક્લાસમાં આવીને મેડમે તેના હાથ પર ઉપરા છાપરી ડસ્ટર માર્યુ હતુ. જેના કારણે તેને હાથ પર ઈજા થઈ હતી. વિદ્યાર્થીની માતાના કહેવા પ્રમાણે તે ગભરાઈને પોતાના મિત્રના ઘરે જતો રહ્યો હતો અને ત્યાં તેણે હાથ પર બરફ પણ લગા્ડયો હતો. તે મોડે સુધી ઘરે નહીં આવતા અમે ગભરાઈને શોધખોળ પણ કરી હતી. જોકે સાંજે તે ઘરે આવ્યો હતો. તેણે અમને ડસ્ટર વડે આચાર્યાએ માર્યો હોવાનુ કહ્યુ હતુ. બાદમાં અમે તેને ગોત્રી હોસ્પિટલ લઈ ગયા હતા.
ડોકટરોએ તેને ફ્રેક્ચર થયુ હોવાનુ કહ્યુ હતુ. મારા પુત્રને હાથ પર પ્લાસ્ટર પણ મારવુ પડ્યુ છે. વિદ્યાર્થીની માતાએ કહ્યુ હતુ કે, હું એકલા હાથે બીજાના ઘરોમાં કચરા પોતા કરીને મારા બે સંતાનોને ભણાવી રહી છું અને મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. હું મેડમની સામે પોલીસ ફરિયાદ કરવા માટે ગોરવા પોલીસ મથકે જઈ રહી છું. જેથી કરીને કાર્યવાહી થાય અને બીજા કોઈ વિદ્યાર્થીને આ રીતે માર ના ખાવો પડે. શહેર ની ઘણી સ્કૂલો મા વિધાર્થીઓ ને વગર કારણે શિક્ષકો દ્વારા માર મારવાની ઘટનાઓ સામે આવે છે. પરંતુ શિક્ષણ વિભાગ તરફ થી અસરકારક પગલાં ભરાતા નથી.