સુરતઃ આજે તા. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધો. 10 અને ધો. 12 સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થઈ છે. સુરતમાં પણ વિવિધ પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે. આજે ધો. 10નું પ્રથમ ભાષાનું પેપર હતું. જ્યારે બપોરે 3 કલાકે સામાન્ય પ્રવાહમાં અર્થશાસ્ત્રનું પેપર હતું. જોકે, વિદ્યાર્થીઓ પ્રશ્નપત્ર કરતા વધુ ગરમી, મેટ્રોની કામગીરીના લીધે ઠેરઠેર તૂટેલા રસ્તા, બેરિકેડિંગ અને ટ્રાફિકની સમસ્યાથી હેરાન પરેશાન થયા હતા.
મોટા ભાગની સ્કૂલો મુખ્ય માર્ગો પર હોય જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી હોવાથી વિદ્યાર્થી-વાલીઓ હેરાન થયા હતા. મેટ્રોના રસ્તા પર ડાયવર્ઝન અપાયા હોય, ખાડા ખોદાયા હોય ભારે ગરમીમાં ઘરેથી વહેલા નીકળવાની નોબત આવી પડી હતી. મિનિટો પહેલાં પહોંચી જઈ સ્કૂલની બહાર ગરમીમાં ઉભા રહેવાની સ્થિતિ સર્જાઈ હતી.
ધો. 10ની વિદ્યાર્થીનીને ચક્કર આવતા સારવાર અપાઈ
આજે ધો. 10 ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતની પરીક્ષા હતી. ત્યારે એક વિદ્યાર્થીનીની તબિયત બગડતા તેને સારવાર આપવાની ફરજ પડી હતી. શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલ વાંકલ પરીક્ષા કેન્દ્ર 6817 ખાતે સવારે પરીક્ષા શરૂ થયાની થોડી જ મિનિટોમાં યુનિટ 02, બ્લોક નં. 13 પરીક્ષા બેઠક બી-5181017 ક્રમાંકની વિદ્યાર્થીની ચૌધરી નિયતીકુમારી જગદીશભાઈને ચક્કર આવ્યા હતા. તેનું પ્રેશર લો થઈ ગયું હતું. તાત્કાલિક વાંકલ પીએચસીની ટીમે દોડી જઈ વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર આપી સ્વસ્થ કરી હતી. ત્યાર બાદ પરીક્ષા ખંડમાં જઈ વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી.

દરમિયાન સુરતના ડીઈઓના જણાવ્યા અનુસાર સુરતમાં ધો. 10ની પ્રથમ ભાષાની પરીક્ષામાં આજે એક પણ કોપી કેસ નોંધાયો નથી.
ગુજરાતીનું પેપર સરળ રહેતા હાશકારો
જીવનમાં પહેલીવાર બોર્ડની પરીક્ષા આપી રહેલાં ધો. 10ના વિદ્યાર્થીઓને આજે પહેલાં દિવસ ભારે નર્વસ દેખાતા હતા. જોકે, પ્રથમ ભાષા ગુજરાતીનું આજનું પેપર સરળ રહેતા વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો. પરીક્ષા આપ્યા બાદ બહાર નીકળતા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી દેખાતી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું કે, પ્રશ્નો ખૂબ જ સરળ પૂછાયા હતા. પેપરમાં બહારથી કશું પુછાયું નહોતું. પર્યાવરણ બચાવો, નારી તુ નારાયણી અને માતૃભાષાનું મહત્ત્વ તે વિષય પર નિબંધ પુછાયા હતા.
પોલીસે વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડ્યા
આજ રોજ ટ્રાફિક જવાન રોકડિયા ચાર રસ્તા ફરજ ઉપર હતા તે દરમ્યાન 9.40 વાગ્યા આસપાસ તેમની પાસે એક સ્ટુડન્ટ આવ્યો અને તે પરીક્ષા કેન્દ્ર શોધતો હતો. જેથી ટ્રાફિક જવાન પ્રકાશ ભુદરાજીએ તેની સ્લીપ જોતાં સ્કૂલનું નામ શ્રીકૃષ્ણ રાષ્ટ્રીય હિન્દી યુ.એમ. વિદ્યાલય બમરોલી રોડ સુરતનું હતું અને સ્ટુડન્ટે જણાવ્યું કે ગઇકાલે શરતચુકથી ભળતા નામવાળી શ્રી ક્રિષ્ણરાજ વિદ્યાલય હતું તે સ્કૂલ જોઇ આવ્યા હતા. પરંતું આજે હું ત્યાં જતાં મારૂ પરીક્ષા કેન્દ્ર ત્યાં ન હતું. જેથી ત્યાંના વોચમેનને મેં મારૂ સાચા પરીક્ષા કેન્દ્રવાળી સ્કૂલ પુછતાં તેઓએ જણાવેલા સરનામા મુજબ રોકડિયાથી સમ્રાટ સ્કૂલ અજુબાજુ શોધું છું. પરંતું મળતું નથી તેમ જણાવી નાસીપાસ થઈ ગયો હતો. ત્યાર બાદ ફરજ પરના ટ્રાફિક જવાન પ્રકાશ ભુદરાજીએ અગાઉ સનગ્રેસ સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામમાં મળેલા હિરાભાઇ નામના શિક્ષકનો સંપર્ક કરી સાચી સ્કૂલ પર પહોંચાડ્યા હતા.
બીજી ઘટનામાં RD રીતેષ મફાભાઈ પરવતપાટીયા ખાતે ફરજ પર હાજર હતા ત્યારે આ વિદ્યાર્થીએ ટીઆરબી જવાનને પૂછ્યું કે એમપી લીલીયાવાલા શાળા કયા વિસ્તારમાં આવી છે. જેથી ફરજ પરના LRD રીતેષભાઈ તાત્કાલિક તેમને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી આવ્યા હતા. બીજા બનાવવામાં સહારા દરવાજા પાસે એક વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર બેગમપુરા ખાતે હતું, ત્યારે તે રસ્તામાં અટવાતા હાજર પોલીસ કર્મચારી મેહુલ ખોડાભાઈએ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર મદ્રેસા તાઈબા હાઇસ્કુલ બેગમપુરા અને બીજા વિદ્યાર્થીને પ્રગતિ વિદ્યાલય પ્રાથમિક શાળા સેવાસદન બેગમપુરા ખાતે પહોંચાડ્યો હતો.
