સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (VNSGU) મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ (Exam Form) ભરવા માટે એબીસી આઇડી ફરજિયાત કર્યું છે. પરંતુ કેન્દ્ર સરકારની આધાર કાર્ડ અપટેડ કરવાની કામગીરી ખૂબ જ ધીમી ચાલતા વિદ્યાર્થીઓ એબીસી આઇડી બનાવી શકતા નથી. એટલું જ નહીં, વિદ્યાર્થીઓ (Student) યુનિવર્સિટીની પરીક્ષાના ફોર્મ પણ ભરી શકતા નથી.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત સહિતની દેશભરની યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એબીસી એટલે કે એકેમિક બેંક ક્રેડિટમાં એકાઉન્ટ બનાવે તે માટે સૂચન કર્યું છે. તેવામાં જ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહીમાં એબીસી આઇડી ફરજિયાત કર્યું છે. જોકે, એબીસી આઇડીમાં નવા અપડેટ આધાર કાર્ડ મંગાયા છે. જેથી સુરત શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓ સેન્ટર પર જઇને પોતાના આધાર કાર્ડ અપડેટ કરાવી રહ્યા છે. પરંતુ કેન્દ્ર સરકાર તરફથી જે પણ આધાર કાર્ડ અપડેટ કરવાની કામગીરી થઈ રહી છે, તે કામગીરી ખૂબ જ ધીમી છે. એક એક મહિના સુધી આધાર કાર્ડ અપડેટ થઈ રહ્યા નથી. આમ, આધાર કાર્ડ અપટેડ નહીં થતા વિદ્યાર્થીઓ એબીસીમાં એકાઉન્ટ બનાવી શકતા નથી અને તેને કારણે પરીક્ષાના ફોર્મ પણ ભરી શકાતા નથી.
વિદ્યાર્થીઓ હેરાન થતા યુનિ.એ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવી, હવે 30મી સુધી ભરી શકાશે
એક એક મહિના સુધી કેન્દ્ર સરકાર આધાર કાર્ડ અપડેટ નહીં કરતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ એબીસી આઈડી બનાવી શકતા નથી તેમજ પરીક્ષા ફોર્મ પણ ભરી શકતા નથી. આમ વિદ્યાર્થીઓની હાલાકી જોતા યુનિવર્સિટીએ તાકિદે મુખ્ય જાહેર પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહીલંબાવી પડી છે. હવે વિદ્યાર્થી 30 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે.
વલસાડની કોલેજોમાં આધાર કાર્ડ સેન્ટર ખોલવા કલેકટરને પત્ર લખાયો
વલસાડની કોલેજોમાં અભ્યાસ કરતા અંકાજે 20 ટકા વિદ્યાર્થીઓને આધાર કાર્ડ અપડેટ કરવામાં તકલીફ પડી રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓનો મોબાઇલ નંબર અપડેટ કરવામાં તકલીફ આવી રહી છે. જેથી વલસાડની કોલેજમાં જ આધારકાર્ડ અપડેટ સેન્ટર ઊભું થાય, એ માટે યુનિવર્સિટીએ કલેકટરને પત્ર પણ લખ્યો છે.