વ્યારા: કુકરમુંડા તાલુકાના મોદલા ગામની સીમમાં મહારાષ્ટ્રના (Maharastra) અમલનેરની લોક માન્ય વિદ્યાલયની પાવાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ માટે નીકળેલા ટુરિસ્ટ ટ્રાવેલ્સની બસના (Bus) ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ઇલેક્ટ્રિકના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં (Accident) બસ પલટી મારી જતાં ટ્રાવેલ્સના મેનેજર, શાળાની શિક્ષિકા સહિત ચાર જણા ઘવાયાં હતાં, જેમાં ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. જેમાં બે ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. જો કે, વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાવેલ્સનો ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો હોવાથી પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.
કુકરમુંડાના મોદલા ગામની સીમમાં આવેલ ભામસિંહ ઉત્તમભાઈના ખેતર પાસે તા.૧૫મી ડીસેમ્બરનાં રોજ મળસ્કે પોણા ચાર વાગ્યાનાં અરસામાં ફૂલવાડીથી ઇંટવાઇવાળા રસ્તા પર મહારાષ્ટ્રના અમલનેરની લોકમાન્ય વિદ્યાલયની ધો.૧૦ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોથી ભરેલી વિશ્વકર્મા ટુરિસ્ટ ટ્રાવેલ્સની બસ નં.(RJ-09-PA-3075) પૂરઝડપે હોવાથી ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં રસ્તાની જમણી બાજુમાં આવેલા ઇલેક્ટ્રિક થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં ટ્રાવેલ્સના મેનેજર સહિત ચાર જણા ઘવાયા હતા. બાળકોની ચિચિયારીઓ સાંભળી નજીકથી ગ્રામજનો દોડી આવ્યા હતા. બચાવની કામગીરી સાથે ૧૦૮ને જાણ કરી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અક્સ્માતમાં વિશ્વકર્મા ટુરિસ્ટ ટ્રાવેલ્સના મેનેજર સંજય વિષ્ણુ શર્માને કમરના ભાગે તથા ડાબા ખભા ઉપર ઇજા થઇ હતી. બસમાં બેસેલી મહિલાઓમાં મનિષાબેન અને અનસુયાબેનને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તમામને ૧૦૮માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ઇજાગ્રસ્ત મનીષાબેનને માથામાં આઠ અને અનસુયાબેનને માથામાં છ ટાંકા આવ્યા હતા. જ્યારે અન્ય એક મહિલા સરસ્વતીબેન પણ ઘવાઇ હતી. આ ટ્રાવેલ્સમાં ધો.૧૦ના ૫૧ વિદ્યાર્થી, ૪ શિક્ષક, ૧ પ્યુન અને ૬ રસોઈયા પાવાગઢ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસ માટે ગુજરાત તરફ આવવા નીકળ્યા હતા. અકસ્માતમાં વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થતાં શાળા સંચાલકો અને વાલીઓએ રાહતની લાગણી અનુભવી હતી.