Business

સ્ટ્રગલ કરી સક્સેસ સુધી પહોંચનાર શહેરના YUVA

‘‘પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળું છે.’’ દુનિયાની દરેક વ્યક્તિને જીવનમાં સફળ થવું હોય છે, પણ જીવનમાં સફળતા મેળવવા માટે પ્રત્યેક વ્યક્તિએ પોતાનો એક લક્ષ્ય, એક ઉદેશ્ય નક્કી કરી રાખવો જરૂરી છે. આપણે જીવનમાં શું કરવા ઈચ્છીએ છીએ? શું કરવા માંગીએ છીએ? પછી એ લક્ષ્યને સિદ્ધ કરવા માટે દૃઢ સંકલ્પ સાથે મંડી પડવું જોઈએ. જીંદગીમાં આવતી મુશ્કેલીઓને જે ચેલેન્જ તરીકે સ્વીકારે તે વ્યક્તિ જ સફળ થાય છે. સફળતા નસીબમાં હોય તો પણ મહેનતથી તેને કમાવવી  પડે છે. 12 ઓગસ્ટના રોજ National Youth Day છે ત્યારે ‘ગુજરાતમિત્ર’ સિટીપલ્સે શહેરના એવા પાથબ્રેકર્સ શોધ્યા છે જેમણે ઉપરની કહેવતને સત્ય કરી બતાવી છે. જેમણે સંઘર્ષ કરીને કંઈક હટકે કરી પોતાની જાતને સાબિત કરી બતાવી છે. અનેક પ્રોબ્લેમ્સ આવ્યા હોવા છતાં હાર માનવાની જગ્યાએ તેનો સામી છાતીએ સામનો કરી અલગ મુકામ હાંસિલ કર્યો છે. તો જાણો આ યુવાઓની સંધર્ષથી સફળતા સુધીની વાત…

એન્જીનિયરીંગ બાદ આર્યુવેદ શિખ્યા, કોરોનાકાળમાં બાળકો માટે ઈમ્યુનિટી બુસ્ટર બનાવ્યું : અમૃત નહાર

અમૃતે ગાંઘી એન્જીનિયરીંગ કોલેજમાં એન્જીનિયરીંગ કર્યા બાદ આર્યુવેદનો અભ્યાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે કોરોનાકાળમાં લોકોનું જીવવું મુશ્કેલ બની ગયું હતું ત્યારે મને આ આઈડિયા આવ્યો અને મારા આઈડિયાને મેં ઈનોવેશનમાં ફેરવ્યો. કોરોનાથી બચવા માટે 18 વર્ષથી ઉપરના લોકો માટે તે રસી આવી ગઈ પણ બાળકોનું શું? આ વિચાર કરી મેં ડોક્ટરો સાથે બેસી અને આર્યુર્વેદીક 14 હર્બલ જડીબુટ્ટી વાળી હર્બલ કેન્ડી ડેવલપ કરી. આ માટે મને કોલેજ તરફથી 1 લાખનું ફંડ મળ્યું અને અમે અમારા બિઝનેસને આગળ વધાર્યો. ‘ઈમ્યુનિટી ઈન યોર પોકેટ’ કોનસેપ્ટ સાથે મેં મારા આ આઈડિયાને આગળ વધાર્યો. આ હર્બલ કેન્ડી તમે પોકેટમાં રાખી શકો છે, જે કોરોનાકાળમાં બાળકો માટે ઈમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. હાલ અમે 5 દેશો સાથે કામ કરી રહ્યા છીએ અને અમારું ટર્ન ઓવર પણ લાખ્ખોમાં છે.

  • ગુગલમાં નેવિગેશન સાથે સ્પીડ બ્રેકર અને રસ્તાની સ્થિતિ બતાવી શકે તેવી એપ બનાવી : દિપેન બાબરીયા

દિપેન હેન્ડીકેપ છે. તેણે અને તેના બે મિત્રોએ ગુગલ મેપ જેવી એક બીજી એપ્લિકેશન બનાવી છે. ગુગલ મેપ ફક્ત નેવિગેશન અને ટ્રાફિક બતાવે છે પણ દિપેને બનાવેલી આ એપમાં તમે ટ્રાફીક સાથે જે-તે રુટના રસ્તાની સ્થિતિ અને તે રસ્તા પરના સ્પીડ બ્રેકર વિશે માહિતી મેળવી શકો છો. દિપેને જણાવ્યું હતું કે તેમણે એન્જીનિયરીંગના છેલ્લા વર્ષમાં આ પ્રોજેક્ટ પર કામ શરું કર્યું હતું. સુરત મહાનગરપાલિકાએ પણ તેમને આ પ્રોજેક્ટ પર કામ કરવા માટે અપ્રોચ કર્યો હતો. હાલ તેઓ કર્ણાટક બેઝ્ડ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત ટાટા પ્રાઈવેટ જમશેદપુર સિટીનો ઈન્ફ્રાસ્ટ્રકચર એન્ડ ડેવલપમેન્ટનો પ્રોજેક્ટ પણ તેમની પાસે છે. 

  • સાઉથ ગુજરાતના 20 હજાર વેચાણકારોને સ્વાવલંબી બનાવ્યા : સંદિપ કથિરીયા

સંદિપ કથીરીયા 2012 થી ઈ-કોમર્સના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. તેમણે જણાવ્યું હતું કે હું પહેલા અમેઝોનના પ્લેટફોર્મ પર મારી પ્રોડક્ટ સેલ કરતો હતો, ત્યારબાદ મેં ઈન્ડિયામાં અમેઝોનને બિઝનેસ આપવાનું વિચાર્યું. મેં 20 હજારથી વધારે વેચાણકારો ભેગા કરીને અમેઝોનને આપ્યા અને શહેરમાં 50 હજારથી વધારે QR Code જનરેટ કર્યા. અમારું કામ જોઈને અમેઝોને મારી કંપની સાથે પાર્ટનરશીપ કરી અને વર્લ્ડનું પહેલું ફિઝીકલી અમેઝોન ડિજીટલ કેન્દ્ર દક્ષિણ ગુજરાતમાં શરૂ કર્યું. હવે અમેઝોન અમને પ્લેટફોર્મ તો પરું પાડે જ છે પણ અમે પણ તેમને બિઝનેસ આપી રહ્યાા છીએ.

  • વોચમેનની નોકરી કરી MBA કર્યું, આજે કરોડોનું ટર્ન ઓવર – જયદિપ પરમાર

જયદીપે સુરતમાં જ બીએસસીનો અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાના સંઘર્ષ વિશે વાત કરતા જણાવ્યું હતું કે મારે એમબીએનો અભ્યાસ કરવો હતો, પરંતું મારી પાસે પૈસા નહોતા. મારા પિતાજીની સ્થિતિ એટલી સારી નહોતી કે મને કોલેજ કરાવી શકે. ડિગ્રી વગર કોઈ નોકરી પણ આપતું નથી. અંતે મેં દિવસે મજૂરી કરીને રાત્રે સિક્યોરીટી ગાર્ડની નોકરી કરી. સિક્યોરીટી ગાર્ડની નોકરીમાં મને ફક્ત રાત્રે આરામ મળતો હતો. મારી પાસે થોડા પૈસા ભેગા થયા ત્યારબાદ મેં એમબીએનો અભ્યાસ શરૂ કર્યો. અભ્યાસ દરમિયાન પણ મેં પાર્ટ ટાઈમ જોબ કરીને પૈસા કમાવવાનું નક્કી કર્યું. એમબીએનો અભ્યાસ કરી મેં મારા મિત્ર સાથે પ્લાસ્ટીકની ફેક્ટરીમાં બિઝનેસ શરૂ કર્યો. અમે હાલ ઈન્ટરનેશનલ અને લોકલ લેવલ પર કામ કરી રહ્યા છીએ. અમે હાલ બેટરીવાળી સાયકલ બનાવવાનો બિઝનેસ શરૂ કર્યો છે. અમારી કંપની વર્ષે 15 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરે છે.

Most Popular

To Top