છેલ્લાં કેટલાંક દિવસોથી રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે. લોકો અકળાવનારા તાપથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે એક રાહત આપનારા સમાચાર આવ્યા છે.
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ ચાર દિવસ દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે. અંદાજે 2થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટી શકે છે. રાજકોટમાં તાપમાન 42 ડિગ્રી ઊચું રહેશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે.
હવામાનમાં ફેરફાર દરમિયાન ભારે પવન ફૂંકાશે પરંતુ વરસાદની શક્યતા નહિંવત હોવાની હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. કચ્છ, ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધારે રહેશે. અહીં 20થી 30 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે.
હવામાન વિભાગ અનુસાર આજે દિવસ દરમિયાન અમદાવાદમાં 41 ડિગ્રી આસપાસ, સુરતમાં 35 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, રાજકોટમાં 42 ડિગ્રી, ભાવનગરમાં 39 ડિગ્રી, ભુજમાં 40 ડિગ્રી, નલિયામાં 34 ડિગ્રી, પોરબંદરમાં 33 ડિગ્રી, દ્વારકામાં 32 ડિગ્રી અને ડીસામાં 39 ડિગ્રી તાપમાન રહી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું
હવામાન વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે દરિયાકાંઠા નજીકના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. આગામી 7 દિવસની આગાહી અનુસાર 20થી 21 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન ફૂંકાશે. 22 તારીખ બાદ પવનની ગતિ ઘટશે. 23-24થી ફરી ગરમી માથું ઊંચકશે.