નવસારી : ગુજરાત (Gujarat) રાજ્યમાં નગરપાલિકાઓના કર્મચારીઓ અને રોજમદારો પડતર માંગણીઓને લઈ આગામી શનિવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ (Strike) પર ઉતરવાની તૈયારી કરી રહ્યું છે. જે હડતાળમાં નવસારી-વિજલપોર નગરપાલિકાના એક હજાર કર્મચારીઓ અને રોજમદારો જોડાશે. જેથી દિવાળી ટાણે પાલિકાના કામો તેમજ શહેરના કામો અટકી જશે.
ગુજરાત રાજ્યમાં 157 નગરપાલિકાઓ આવી છે. જે નગરપાલિકાઓમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓ અને રોજમદારો કામ કરી રહ્યા છે. જે કર્મચારીઓ અને રોજમદારો છેલ્લા ઘણા સમયથી તેમની પડતર માંગણીઓને લઈ સરકારમાં રજૂઆત કરી રહ્યા છે. પરંતુ તેમની માંગણીઓ સંતોષવામાં આવી નથી. જેથી પાલિકાના કર્મચારીઓ અને રોજમદારો સરકાર સામે લાલ આંખ કરી છે.
રાજ્યની નગરપાલિકાઓના કર્મચારીઓ અને રોજમદારો પડતર માંગણીઓને લઈ આગામી શનિવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે નવસારી-વિજલપોર નગરપાલિકાના વોટર વર્કસ, ડ્રેનેજ, માઇનોર, સેનેટરી, ઓફિસ સ્ટાફ અને ફાયર વિભાગના 1 હજાર જેટલા કર્મચારીઓ અને રોજમદારો આ અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાશે. દિવાળીના તહેવારને આંગળીના ટેરવે ગણાય એટલા જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે જો નગરપાલિકાના કર્મચારીઓ અને રોજમદારો અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જશે તો નગરપાલિકાના અને શહેરીજનોના કામો અટવાઈ પડશે. દિવાળીના તહેવારમાં શહેરીજનો માટે સમસ્યા ઉભી થશે.
કર્મચારીઓની માંગણીઓ
નગરપાલિકાના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી ગણવામાં આવે, 7 માં પગારપંચનો લાભ આપે, રોજમદારોને સરકારના નોટિફિકેશન મુજબ પગાર ચુકવવામાં આવે અને જૂની પેંશન યોજના ફરી શરૂ કરવા સહિતની માંગણીઓ કરી રહ્યા છે. આ સિવાય ઘણી નગરપાલિકાઓમાં સરકાર દ્વારા મહેકમ મંજુર કરવામાં આવ્યું છે. પરંતુ પાલિકામાં ઘણી ખાલી જગ્યાઓ પડી છે. નવસારી-વિજલપોર નગરપાલિકામાં 499 મહેકમ મંજુર કરવામાં આવ્યું હતું. પરંતુ તેની સામે માત્ર 200 જેટલા જ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હજી આશરે 250 થી 300 જગ્યા ખાલી છે. ઓછા કર્મચારીઓને લીધે નગરપાલિકાના કર્મચારીઓ ઉપર કામનું ભારણ આવે છે. અને કામો મોડા થાય છે. જેથી મંજુર મહેકમની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે માંગણી કરશે.