Comments

વર્તમાન કાયદાનો કડક અમલ તો કરો

કલકત્તાના બળાત્કાર અને હત્યાના કેસની ગંભીરતાથી નોંધ લઈ સુપ્રીમ કોર્ટે મંગળવારે સુઓ મોટો સુનાવણી કરી. કોર્ટે એક અગત્યની વાત કરી કે ગુનેગારને ગમે તેટલી સજા આપીશું પણ જો સલામતીનાં ધોરણો જ નીચાં રાખીશું અને એ માટે યોગ્ય પગલાં નહીં લઈએ તો ગુના થતા જ રહેશે. આ સમજવા જેવો મુદ્દો છે. કડકમાં કડક સજાની જોગવાઈ પર જ આશા રાખીને બેસીશું તો પ્રશ્નનો હલ નથી આવવાનો. બળાત્કાર જેવા ગુના રોકવા માટે સમાજની અને શાસકોની પ્રતિબધ્ધતા જોઈશે.

કામના સ્થળે બળાત્કારનો આ કાંઇ પહેલો કિસ્સો તો નથી! દરેક ઘટના પછી રાજકારણ ગરમાય, વિરોધ પક્ષને મસાલો મળે પણ જ્યારે સત્તામાં હોય ત્યારે દરેક પક્ષનું વર્તન સરખું જ હોય છે. શાસક પક્ષોની પ્રતિબધ્ધતાની કસોટી ત્યારે થાય છે જ્યારે એમના પગ તળે રેલો આવે છે. ઉત્તર પ્રદેશના હાથરસમાં જ્યારે દલિત બાળાની બળાત્કાર બાદ હત્યા થઈ ત્યારે ઉ.પ્ર સરકારે ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો હતો. રાતોરાત પીડિતાના મૃતદેહને બાળવામાં આવ્યો હતો. ત્યારે મમતા બેનરજીએ ઘટનાની ઘણી ટીકા કરી હતી.

આજે, જ્યારે કલકત્તામાં બળાત્કાર અને હત્યાની જઘન્ય ઘટના બની છે એટલે પક્ષોની ભૂમિકા અદલબદલ થઈ ગઈ. ભાજપ ન્યાયની માંગણી કરે છે અને મમતા બેનરજીની ટી.એમ.સી. સરકાર વિરોધ પ્રદર્શનોને રોકવાની કોશિશ કરી રહી છે. જ્યાં દુષ્કર્મની ઘટના બની છે તે આર.જી.કાર હોસ્પિટલ પર પ્રદર્શનકારીઓની આડમાં ટોળું આવીને હુમલો કરે, તોડફોડ કરીને જતું રહે, પુરાવાને નુકસાન થવાની શક્યતા ઊભી થાય અને એ સંજોગોમાં હાજર પોલીસે જીવ બચાવી ભાગવું પડે એવી કાયદો અને વ્યવસ્થાની હાલત પ.બંગાળમાં છે!

મહિલાઓ વિરુધ્ધની જાતીય હિંસાનાં મૂળ ઘણાં ઊંડાં છે. રોજના જ્યારે 85 કેસ નોંધાવાની સરેરાશ હોય ત્યારે કોઈ પણ પક્ષની સરકાર પાસે રાતોરાત પ્રશ્નના નિવારણની અપેક્ષા પણ નથી. સરકાર મોજૂદ કાયદાનો અમલ તો કરી જ શકે. પીડિતા જે પણ કોઈ હોય એને નિષ્પક્ષ ન્યાય મળે એની બાંહેધરી આપે. ગુનેગાર ગમે તેટલો શક્તિશાળી હોય એને સજા મળે એની ખાતરી આપે. પણ, અફસોસ એક રાજકીય પક્ષ બતાવો જેમાં એક પણ બળાત્કારી નેતા ના હોય. જે ખોંખારીને કહેતો હોય કે પક્ષમાં બળાત્કારીનું સ્થાન નથી! બ્રિજભૂષણ શરણ સિંઘ, કુલદીપ સેંગાર કે પ્રજ્વલ રેવન્ના જેવા નેતા દરેક પક્ષમાં મોજૂદ છે જેને પક્ષ બચાવતો ફરે છે. કોલકતા કેસમાં પણ આર.જી.કાર કોલેજના પ્રિન્સિપાલ સંદીપ ઘોષની ભૂમિકા શંકાસ્પદ હોવા છતાં એમને બચાવવાના પ્રયત્નો મમતા સરકારે કર્યા એ દેખીતું છે.

૨૦૧૩માં કામના સ્થળે જાતીય સતામણીના નિવારણ અંગે કાયદો (posh) આવ્યો જેનો અમલ સરકારી તેમજ ખાનગી કંપની માટે અનિવાર્ય છે. સરકારે એના અમલ પર નિયંત્રણ રાખવાનું હોય છે. કાયદાના અમલમાં આવ્યાનાં અગિયાર વર્ષ પછી પણ એના અસરકારક અમલ સામે તો સવાલ જ છે. કાયદાની પહેલી શરત છે કે કામના સ્થળે સલામત વાતાવરણ હોવું જોઈએ, જે પૂરું પાડવાની જવાબદારી નોકરી આપનારની છે. મેડિકલ કોલેજ અને હોસ્પિટલ જેવા સ્થળે જ્યાં કામના કલાક ૨૪ કલાકથી પણ વધુ લંબાતા હોય ત્યાં સ્વાભાવિક રીતે રેસિડન્ટ ડોકટરો અને નર્સને ઘડીભર આરામ મળે એ માટે સ્વચ્છ – સલામત સ્થળની જોગવાઈ હોવી જોઈએ. આર.જી.કાર હોસ્પિટલમાં એવી કોઈ વ્યવસ્થાના અભાવે જ પીડિતા ડૉક્ટરને સેમિનાર રૂમમાં આરામ કરવા જવાની ફરજ પડી. ખેર, આ પરિસ્થિતિ દેશની મોટા ભાગની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોની છે જેની સામે વિરોધ કરી રહેલાં ડોકટરોએ દેશનું ધ્યાન દોર્યું છે. વાત માત્ર મેડિકલ કોલેજો પૂરતી સીમિત નથી. દેશમાં મોટા ભાગનાં કામનાં સ્થળો સ્ત્રીઓ માટે સલામત નથી. બીજું તો છોડો, ઘણી ઓફિસોમાં સ્ત્રીઓ માટે અલગ સલામત વૉશરૂમની પણ વ્યવસ્થા નથી હોતી, જેમાં સરકારી કચેરીનો સમાવેશ પણ થઈ ગયો.

પોશની(posh) જોગવાઈ હેઠળ કામના સ્થળે આવતી દરેક મહિલા કર્મચારી કે વિદ્યાર્થિનીને કાયદાના અમલ માટે સંસ્થાએ કરેલી જોગવાઈની સમજ આપવી પડે. પૂરતી સમજના અભાવમાં એના અસરકારક અમલ અંગે લોકોના મનમાં વિશ્વાસ નથી ઊભો થતો. ૨૦૨૩ માં થયેલ એક સર્વે અનુસાર ૪૦ ટકા મહિલા કર્મચારીઓને ખબર જ ન હતી કે પોશ જેવા કોઈ કાયદા હેઠળ સલામતી પૂરી પાડવાની જવાબદારી એમને નોકરી આપનારની બને છે.

એ તો છોડો, કંપનીઓના માનવ સંસાધન વિભાગના ૫૩ ટકા અધિકારીઓ, કાયદાના અમલની જવાબદારી જેના માથે છે એમને પણ કાયદાની જોગવાઈઓ અંગે યોગ્ય જાણકારી ન હતી! ૨૦૨૩માં જ નેશનલ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટના સહયોગથી શહેરી ઓફિસોમાં બીજો સર્વે થયો. એમાં ભાગ લેનારી ૩૭ ટકા મહિલાઓએ એક યા બીજા પ્રકારની જાતીય સતામણીનો અનુભવ કર્યો હતો અને એમાંની ૧૧ ટકા મહિલાઓએ કહ્યું કે ફરિયાદ કરવા કરતાં તે નોકરી છોડવાનું પસંદ કરશે! જરા વિચારો, ફરિયાદ કરવામાં વધુ અસલામતી અનુભવાય એવી આપણી વ્યવસ્થા છે! જ્યાં સુધી બ્રિજભૂષણ, પ્રજ્વલ કે ઘોષ સત્તાશાળી બની રહેશે ત્યાં સુધી બે-ચાર ફાંસીએ ચડાવેલા ગુનેગારો કોઈ કડક ઉદાહરણ પૂરું નહીં પાડી શકે.
નેહા શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top