સ્વતંત્ર ભારતના ગાંધીજીના ગુજરાતમાં કાયદાકીય અને શારીરિક દૃષ્ટિએ દારૂ અને કેફી પદાર્થો નુકસાનકારક હોવાથી તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવા છતાં પણ આજકાલ આમ જનતા તેવા કેફી દ્રવ્યોનો ઉપયોગ વધારતા જ જાય છે. તેને પરિણામે આવા લોકોના પરિવારમાં ઝઘડા, આપઘાત અને તિરાડ પડતી જાય છે અને માનસિક અસ્વસ્થતાને પરિણામે અન્યોન્ય સંબંધો લોહિયાળ પણ બને છે. એક યા અન્ય કારણો દર્શાવી જનતા તેમ જ ભારત દર્શને આવતા લોકોને દારૂ માટેની પરમીટ આપવામાં આવે છે.
આથી સરકાર રેવન્યૂ પણ મેળવે છે. આમ અન્ય સાગરીતો તેનો ફાયદો ઉઠાવી તેમાં સામેલ થાય છે. છેવટે યુવકોમાં પેસી ગયેલા કેફી પદાર્થોના બંધાણિયાનો આર્થિક રીતે સસ્તો અને દેશી બનાવટનો દારૂ અપનાવતા કુદરતે બક્ષેલી અમૂલ્ય જીંદગી અને મગજની તંદુરસ્તી જોખમાતા અસ્તવ્યસ્તાને લીધે મોટે ભાગે જોખમી વાહનચાલકથી એક્સિડન્ટો થતાં રાહદારીઓ પણ જોખમાતા તેમનું પરિવાર આર્થિક રીતે વિરાન બને છે. આ બાબત પર તો ડ્રગ કંટ્રોલે કાયદાના પંજામાં સખ્ત અમલથી સજા આપવી જોઈએ.
અડાજણ, સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
પ્રખ્યાત –કુખ્યાત કેવા બનવું છે?
દરેક વ્યક્તિને કોઇને કોઇ ક્ષેત્રમાં નામના મેળવીને પ્રખ્યાત બનવાની તમન્ના હોય છે અને પ્રખ્યાત કાંઇ એમ જ નથી થવાતું, તેના માટે પુરી લગન, ધગશ અને ખંતપૂર્વક કામ કરવાની દિલચશ્પી હોવી જોઈએ. આ બાબતે સદ્દગુરુ પૂ. બાલુરામ બાપુ સત્સંગ-સભામાં કહે છે. વ્યક્તિને નામના મળે એટલે મનોકામના વધતી જાય છે. નામના શોહરત મળવાથી પ્રખ્યાત તો બની જવાય છે. પરંતુ ખ્યાતિને જાળવી રાખવા માટે સદાચાર, ધંધામાં પ્રમાણિકતા-નેકી જેવા ભાવ કેળવવા જોઈએ. સ્વામી વિવેકાનંદ, મધર ટેરેસા, મહાત્મા ગાંધીજી કર્મોના કારણે વિશ્વ વિખ્યાત બની ગયા છે. જ્યારે અંધારી આલમના ડોન અને બે નંબર ધંધાવાળા પાસે અઢળક ધન સંપત્તિ, વૈભવ, જાહોજલાલી હોય પરંતુ તેઓ કાયદાની નજરમાં ગુનેગાર હોવાથી કુખ્યાતમાં ગણના થાય છે. અંજામ પણ ખરાબ આવે છે. આ છે પ્રખ્યાત અને કુખ્યાતની વ્યાખ્યા હવે તમારે જ પસંદ કરવાનું જિંદગીને કયા માર્ગે લઇ જવી છે?
તરસાડા, માંડવી – પ્રવિણસિંહ મહિડા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.