Gujarat

બોર્ડની પરીક્ષાઓ માટે કડક એક્શન પ્લાન જાહેર

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા–2026 માટે વ્યાપક “એક્શન પ્લાન” જાહેર કરવામાં આવ્યો છે. ધો.10 અને ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ તા.26-02-2026થી શરૂ થનાર છે. આ પરીક્ષામાં રાજ્યભરમાં કુલ 15.27 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા છે.

ધો.10 માટે 9,07,175 ઉમેદવારો નોંધાયેલા છે, જેમાં 7,69,994 નિયમિત, 19,825 ખાનગી, 70,702 રિપીટર, 5,368 ખાનગી રિપીટર અને 41,286 પ્રાઈવેટ (આઈસોલેટેડ) વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. 4,877 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ નોંધાયેલા છે.

ધો.12 સામાન્ય પ્રવાહમાં 5,01,286 ઉમેદવારો નોંધાયા છે, જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 ઉમેદવારો પરીક્ષા આપશે. સામાન્ય પ્રવાહમાં 2,293 અને વિજ્ઞાન પ્રવાહમાં 193 દિવ્યાંગ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે રાજ્યમાં ધો.10 માટે 87 ઝોન અને 1006 કેન્દ્ર, જ્યારે ધો.12 માટે 59 ઝોન અને 695 કેન્દ્રો ગોઠવાયા છે. પ્રશ્નપત્રોને સુરક્ષિત પહોંચાડવા અને સમયસર વિતરણ માટે ઝોનલ કચેરીઓ તથા કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રહેશે. ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન સુવિધા ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત જિલ્લાકક્ષાએ પણ કંટ્રોલ રૂમ સવારના 7થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્ય કરશે.

આ એક્શન પ્લાનમાં જિલ્લા પરીક્ષા સમિતિ કલેક્ટરની અધ્યક્ષતામાં કાર્ય કરશે, જેમાં પોલીસ, શિક્ષણ વિભાગ તથા અન્ય અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી દ્વારા દેખરેખ, ઓળખપત્ર ફરજિયાત, મોબાઇલ ફોન પર પ્રતિબંધ, ગેરરીતિ સામે કડક કાર્યવાહી અને “કોપી કેસ” માટે નિર્ધારિત પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવશે.

ધો.10ના પ્રશ્નપત્ર 80 ગુણના રહેશે અને 15 મિનિટ વાંચન સમય આપવામાં આવશે. ધો.12માં પણ 15 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે. વિજ્ઞાન પ્રવાહ માટે પાર્ટ-એ અને પાર્ટ-બી મુજબ સમયપત્રક અમલમાં રહેશે. વધુમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠક, અલગ બ્લોક, લેખન સહાયક (લિખિત)ની વ્યવસ્થા તથા રેમ્પ જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.

પરીક્ષા માટે બોર્ડનો એક્શન પ્લાન એક નજરે

કુલ 15.27 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધોરણ 10 માટે 9,07,175 ઉમેદવારો નોંધાયેલા
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,01,286 અને વિજ્ઞાન પ્રવાહમાં 1,19,263 ઉમેદવારો
રાજ્યમાં ધો.10ના 87 ઝોન અને ધો.12ના 59 ઝોન ગોઠવાયા
ધો.10ના કુલ 1006 અને ધો.12ના 695 પરીક્ષા કેન્દ્રો
ગાંધીનગર ખાતે 24 કલાક સ્ટેટ કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન
તમામ કેન્દ્રો પર સીસીટીવી દેખરેખ ફરજિયાત
મોબાઇલ ફોન અને ઇલેક્ટ્રોનિક સાધનો પર પ્રતિબંધ
ગેરરીતિ માટે કડક “કોપી કેસ” કાર્યવાહી
દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અલગ બ્લોક અને લિખિતની સુવિધા
કેન્દ્રોની આસપાસ 100 મીટરમાં ઝેરોક્સ દુકાનો બંધ
પ્રશ્નપત્ર વિતરણ માટે સુરક્ષિત ઝોનલ વ્યવસ્થા

Most Popular

To Top