બિહાર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વહીવટીતંત્ર સતર્ક બની ગયું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પટના જિલ્લામાં પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે. હવે કોઈપણ રાજકીય પક્ષ કે વ્યક્તિ પરવાનગી વિના રેલી, સરઘસ, કે વિરોધ પ્રદર્શન કરી શકશે નહીં. સાથે જ શસ્ત્રો અને ભડકાઉ પ્રચાર સામગ્રીના પ્રદર્શન પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી-કમ-જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. ત્યાગરાજન એસ.એમ.એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 163 હેઠળ આ પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે. આ પગલાનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન મતદારોમાં ડર અને અસુરક્ષાની ભાવના ન ફેલાય તે સુનિશ્ચિત કરવો છે.
આ આદેશો અનુસાર કોઈપણ રાજકીય પક્ષ અથવા વ્યક્તિ પરવાનગી વિના રેલી, સભા કે પ્રદર્શન કરી શકશે નહીં. લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા માટે પણ સક્ષમ અધિકારી પાસેથી પૂર્વ પરવાનગી લેવી ફરજિયાત રહેશે. રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે.
વહીવટીતંત્રે ચેતવણી આપી છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની ભડકાઉ ભાષા, પોસ્ટર, પેમ્ફલેટ કે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા ખોટી માહિતી ફેલાવવી કાનૂની ગુનો ગણાશે. રાજકીય પક્ષો અથવા વ્યક્તિઓએ આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરવું ફરજિયાત રહેશે.
આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કોઈપણ ધાર્મિક સ્થળનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે નહીં કરવામાં આવે અને સાંપ્રદાયિક તણાવ ફેલાવવા માટેની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. જાહેર સ્થળોએ હથિયાર, લાકડી, ભાલા અથવા અન્ય કોઈ પણ જોખમી શસ્ત્રો પ્રદર્શિત કરવાના પણ પ્રતિબંધ છે.
પરવાનગી વગર ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ રહેશે. વાહન પર પ્રચાર સામગ્રી લગાડવી હોય તો તે માત્ર ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જ કરી શકાશે.
વહીવટીતંત્રે જણાવ્યું છે કે આ પ્રતિબંધો આગામી 60 દિવસ અથવા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી લાગુ રહેશે. જો કોઈ વ્યક્તિ કે સંગઠન આ નિયમોનો ભંગ કરશે તો તેના સામે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પ્રતિબંધોમાં લગ્ન, અંતિમયાત્રા, મેળા, શાળા-કોલેજ જતાં વિદ્યાર્થીઓ અને ફરજ પર તૈનાત સરકારી અધિકારીઓને છૂટ આપવામાં આવી છે.