Charchapatra

તનાવમુકત જીવન

દરેક વ્યકિત પોતાના જીવનમાં સુખ, શાંતિ, આનંદ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય ઇચ્છે છે. એનું આવું વિચારવું તથા ઇચ્છવું સ્વાભાવિક છે કારણકે આ સર્વ જીવાત્માઓનો ગુણ છે. આશ્ચર્યની વાત એ છે કે આ સર્વ ઇચ્છવા છતાં પણ મોટા ભાગના લોકો અશાંત અને તનાવગ્રસ્ત જીવન વ્યતીત કરે છે. શું વાસ્તવમાં આપણે સાચી રીતે જીવી રહ્યાં છીએ? જયારે પણ કોઇને પ્રશ્ન કરીએ છીએ, અને જેટલો સમય વીત્યો તેટલો સારો’ આનાથી એ વાત નકકી છે કે મનુષ્ય પોતાના જીવનથી સંતુષ્ટ નથી. તે જીવન જીવવાની કળાથી પણ વંચિત છે. તે પોતાના જીવનમાં અદૃશ્ય અભાવ તથા હીનતાનો અનુભવ કરી રહ્યો છે. પૂંજીવાદ, ભૌતિકવાદ, ભૌતિકસ્પર્ધા એ મનુષ્યનાં સુખ-શાંતિ અને સંતોષ છીનવી લીધા છે. સાધન સંપન્ન લોકો પણ માનસિકતાણથી પીડિત છે. સાધનો સગવડો આપે છે પણ તેનો અર્થ એ નહીં કે તેનાથી સુખ-શાંતિ પણ મળે.

જીવનમાં માનસિકતાણ કેમ વધે છે તે ચિંતનનો વિષય છે. તનાવનાં મુખ્ય કારણો નીચે મુજબ છે. 1. પ્રતિકુળ વાતાવરણ-જીવનમાં કેટલીક સમસ્યાઓ એવી જન્મે છે જે આપણા મનને પ્રભાવિત કરે છે. દા.ત.બેકારી,ગરીબી,પારિવારિક,વ્યાવસાયિક તથા સામાજીક સમસ્યાઓ મનુષ્ય માટે પડકાર બનીને આવે છે અને સરળતાથી સમાધાન ન થતાં ચિતાં, અશાંતિ અને તનાવનું કારણ બને છે. 2. અપ્રિય ઘટનાઓ-વ્યકિતના જીવનમાં આકસ્મિક દુર્ઘટનાઓ પેદા થવાથી મનુષ્યના સારી રીતે વ્યતીત થતા જીવનમાં મૂંઝવણો, અટકળો અને વિઘ્નોનો સામનો કરવો પડે છે. દા.ત. પ્રિયજનનું અકાળ મૃત્યુ, અણધાર્યા રોગો અને દુર્ઘટનાઓને કારણે વિકલાંગતા આવવાથી રોગી તથા પરિવારજનોમાં અશાંતિ, દુ:ખ અને તનાવનું વાતાવરણ સર્જાય છે. આનંદ કિલ્લોલ કરતા ઘરનું વાતાવરણ પણ બદલાઈ જાય છે.

3. હીન ભાવનાઓ અને નિષેધાત્મક વિચાર-આજે મનુષ્ય ઇર્ષ્યા, દ્વેષ,નફરત અને ખરાબ ભાવનાઓનાં વાદળોની છાયામાં જીવી રહ્યો છે. પરિવારજનોમાં પણ પરસ્પર સ્નેહ અને સંપ નથી. તેથી તે દુ:ખી અને અશાંત છે. જેમ ઊધઈ વસ્ત્રને કોરી ખાય તે રીતે હીન ભાવનાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ મનુષ્યને કોરી ખાય રહી છે. ઇર્ષ્યાળુ લોકો બીજાના સુખને જોઇને દુ:ખી થાય છે.  મોટા ભાગના લોકોને નકારાત્મક વિચારોએ દુ:ખી અને ભયભીત બનાવી દીધા છે. તેઓ ચિંતા કરે છે કે મારી ધનસંપત્તિનું શું થશે? કોઇ તેને લૂંટી તો નહીં જાય ને?

મારા મૃત્યુ પછી શું પરિવારજનો એને સુરક્ષિત રાખી શકશે? કાલે શું થશે? એ વાતનું દુ:ખ એને કોરી ખાય છે. આવા વ્યર્થ વિચારોને કારણે વર્તમાન જીવન પણ તેઓ સારી રીતે જીવી શકતા નથી. મનુષ્ય પૂંજીવાદ, લોભવૃત્તિ અને સ્વાર્થીપણાને લીધે સ્વયં માટે તથા સમાજમાં અશાંતિનું વાતાવરણ પેદા કરી રહ્યો છે. તે વિકારોને વશીભૂત થઇને સ્વયં તથા સમાજને દૂષિત  કરી રહ્યો છે. આવા લોકોમાં સંતોષ નથી અને તૃપ્તિ નથી. ભૌતિકવાદની સ્પર્ધામાં અને વધતી જતી તૃષ્ણાઓને લીધે માનવોને વ્યાકુળ, અશાંત તથા દુ:ખી બનાવી દીધાં છે. કેટલાક સાધનોના અભાવને કારણે અને કેટલાક સાધન સંપન્ન હોવા છતાં પણ ચિંતાગ્રસ્ત છે તે કુદરતની કરામત છે.

માનસિક તનાવ તથા સ્વાસ્થ્ય-આપણી જરૂરિયાતોને સંતોષવા અમુક હદ સુધીનો તનાવ જરૂરી છે. ચિંતન વગર તો આપણે જીવનને સુચારૂ રીતે ચલાવી શકીશું નહીં. જીવનમાં ચિંતા નહીં પણ ચિંતન જરૂરી છે. માનસિક તનાવ જ્યારે ચરમસીમાએ પહોંચે છે ત્યારે સ્વાસ્થ્યને નુકશાન થાય છે. મન શરીરના દરેક અંગને પ્રભાવિત કરે છે. માનસિક પરિતાપ, શારીરિક પદ્ધતિઓની આંતરિક રચના અને કાર્યપદ્ધતિને પ્રભાવિત કરીને ભિન્ન ભિન્ન પ્રકારના માનસિક તથા મનોદૈહિક રોગોને જન્મ આપે છે. માનસિક રોગોથી પિડીત વ્યક્તિ માદક દ્રવ્યો, ધુમ્રપાન તથા મધ્યપાનનો સહારો લઈને પતનની તરફ આગળ વધે છે. એની આવી વૃત્તિ સ્વયં, પરિવાર, સમાજ અને દેશમાં અશાંતિ તથા કુરિવાજો માટે નિમિત્ત બને છે.

માનસિક તનાવથી મુક્તિ મેળવવાની યુક્તિ એટલે સમાધાન :- તનાવથી મુક્તિ કઈ રીતે મેળવવી તે જટિલ પ્રશ્ન છે. તનાવથી મુક્તિ મેળવવી અતિ આવશ્યક છે. કારણ કે તે ચિંતા તો વ્યક્તિને હરપળ બાળે છે. આ એક વ્યક્તિગત સમસ્યા છે. તેનું સમાધાન પણ વ્યક્તિએ પોતાના કારણોના નિરાકરણથી જ લાવવાનું છે. એકાંતમાં બેસીને અંતર્મુખી બનીને પોતાની સમસ્યાઓ ઉપર વિચાર કરીને અને પોતાના હિતેચ્છુઓની સલાહ લઈએ. કેટલીક સમસ્યાઓ અને ઘટનાઓ એવી છે જેનો પ્રયાસ કરવાથી, પુરૂષાર્થ કરવાથી અને પરસ્પરની વાતચીત તથા બીજાઓના સહયોગથી હલ આવી શકે છે. જ્યારે કેટલીક વિપરીત ઘટનાઓ એવી હોય છે કે જેનો ઘણો પ્રયાસ કરવાથી પણ હલ થઈ શકતી નથી. આવી પરિસ્થિતિમાંથી ભાગવાનું નથી, શરણાગતિ પણ સ્વીકારવાની નથી કે ગભરાવાનું નથી. આવી વખતે પરિસ્થિતિઓ સાથે સમાધાન શોધીએ અને પરિસ્થિતિ અનુસાર પોતાનામાં પરિવર્તન લાવીને સારી રીતે જીવતા શીખીએ. સાચો દૃષ્ટિકોણ અપનાવીને પરિસ્થિતિઓ સામે લડતાં શીખો.

જાગો ઉઠો અને પુરૂષાર્થી બનીને કર્તવ્યનું પાલન કરો. મોટા ભાગના લોકો કારણ વગર જ પોતાની ભાવનાઓ અને વિચારોને કારણે દુ:ખી છે. માનસિક પરેશાનીથી ઘેરાયેલા છે. આવું સૌની આંતરિક નબળાઈઓને કારણે બને છે. આપણાં નકારાત્મક વિચારો અને હીન ભાવનાઓમાં પરિવર્તન લાવી શકે તેવી કોઈ કેપ્સુલો યા ઈન્જેક્શન પણ નથી. શુદ્ધ વિચાર, સાચા દૃષ્ટિકોણ દ્વારા જ આપણે આપણામાં પરિવર્તન લાવી શકીએ. આ પરિવર્તન માટે આયુર્વિજ્ઞાનની સાથે સાથે મનોવિજ્ઞાનને પણ જાણવાની જરૂર છે.  રાજયોગ જ એક માત્ર સ્થાયી સાધન છે જે આપણને જીવન જીવવાની કળા શીખવાડે છે, નબળાઈઓમાંથી મુક્તિ અપાવે છે અને આપણા જીવનમાં રમણિકતા લાવે છે. જ્ઞાન અને રાજયોગના અભ્યાસ દ્વારા જ તનાવમુક્ત, સફળ અને આદર્શ જીવન જીવી શકીએ છીએ. આ રાજયોગનું શિક્ષણ બ્રહ્માકુમારીઝના નજીકના કોઈપણ સેવા કેન્દ્ર પર જઈ લઈ શકો છો અને તનાવમુક્ત જીવન અવશ્ય જીવી શકો છો.
ઓમ શાંતિ…

Most Popular

To Top