ઇલેકશનની લ્હાયમાં ક્યાંક સુરત શહેર ફરી પાછું કોરોનાના ખપ્પરમાં હોમાઇ નહીં જાય તે માટે ધ્યાન રાખવાનો સમય આવ્યો છે. આફ્રિકાના નવા કોરોના સ્ટ્રેઇનના શંકાસ્પદ લક્ષણો સાથે એક વ્યક્તિએ પોતાના પરિવારના જ બે સભ્યોને ચેપ લગાડ્યો છે અને ત્રણેયને સુરતની નવી સિવિલ હોસ્પિ.માં દાખલ કરવામાં આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોરોનાનાનો આ નવો સ્ટ્રેઈન ખૂબજ ઝડપથી ફેલાતો હોવાથી આરોગ્ય વિભાગની ચિંતા વધી ગઈ છે.
કોરોનાને હવે એક વર્ષ પુરું થવા આવ્યું છે પરંતુ તેનો ભય હજુ પણ ગયો નથી. પહેલો કોરોના ઓછો થયો, ત્યાં બીજો કોરોનાના લક્ષણો સામે આવ્યા અને હવે ત્રીજા કોરોનાના લક્ષણોવાળા દર્દીઓ પણ સામે આવવા લાગ્યા છે. કામરેજમાં રહેતા અને વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક યુવક 10 દિવસ પહેલા આફ્રિકાથી અમદાવાદ અને ત્યારબાદ સુરતના કામરેજમાં આવ્યો હતો.
આ યુવકે પોતાની પત્ની અને માતાને પણ કોરોનાનો ચેપ લગાવ્યો હતો. કામરેજનો 41 વર્ષિય યુવક સાઉથ આફ્રિકાના બેટ્સવાનમાં ધંધાર્થે ગયો હતો. ત્યાંથી ગત તા. 10મી ફેબ્રુઆરીએ અમદાવાદ આવ્યા બાદ તે સુરતના કામરેજમાં રહેવા આવ્યો હતો. અહીં તેની તબિયત ખરાબ થઇ હતી, ડોક્ટરોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવતા તે પોઝિટિવ આવ્યો હતો.
આ યુવકે તેની પત્ની અને માતાને પણ સંક્રમિત કર્યા હતા. તેઓનો પણ આરટીપીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવતા ત્રણેયને સુરતની નવી સિવિલ હોસ્પિ.માં કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્રણેય દર્દીઓને અલગ અલગ રૂમમાં રાખવામાં આવ્યા હતા. ત્રણેયને નવા કોરોના સ્ટ્રેઇનના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા અને તેઓના બ્લડ સેમ્પલ લઇને પૂણેની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ ચોક્કસ માહિતી બહાર આવશે.
નવા કોરોનાના સ્ટ્રેઈનના લક્ષણો સામાન્ય કોરોના જેવા જ છે: ડો. અશ્વિન વસાવા
ડો. અશ્વિન વસાવાના જણાવ્યા પ્રમાણે નવા કોરોના સ્ટ્રેઇનના લક્ષણો સામાન્ય જ છે. હાલમાં જે દર્દીઓ દાખલ થયા છે તેઓને તાવ અને ખાંસી આવી રહી છે અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગંભીર બાબત એ છે કે, જે લોકોને કોરોના થયો હોય તેઓને પણ કોરોના થવાની શક્યતા છે. હાલમાં ત્રણેયને દાખલ કરીને સારવાર શરૂ કરાઇ છે.
સાઉથ આફ્રિકામાં રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ સુરતમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ડો. અશ્વિન વસાવાના જણાવ્યા પ્રમાણે કામરેજમાં રહેતો યુવક આફ્રિકામાં ગયો હતો અને ત્યાં ગત તા. 5 ફેબ્રુઆરીએ તેનો આરટીપીસીઆર ટેસ્ટ થયો હતો. આ ટેસ્ટ નેગેટિવ આવતા તે ઇન્ટનેશનલ ફ્લાઇટ મારફતે સુરત આવવા નીકળ્યો હતો. અમદાવાદ એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ તે કામરેજ આવ્યો હતો. પરંતુ અહીં તેની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરીને આરટીપીસીઆર ટેસ્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. ઇન્ટનેશનલ ફ્લાઇટમાં યુવકને કોરોનાનો નવો સ્ટ્રેઇનના નવા લક્ષણો સાથે સંક્રમિત થયા હોવાની શક્યતા છે. ત્યારબાદ તેમની પત્ની અને માતાનો ટેસ્ટ કરાવવામાં આવતા તે પણ પોઝિટિવ આવ્યો હોય ત્રણેયને હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.
જે વ્યક્તિને કોરોના થઇ ગયો છે તેઓને પણ નવા સ્ટ્રેઈનથી કોરોના થવાની શક્યતા
ડોક્ટરોના મત પ્રમાણે નવા કોરોનાના સ્ટ્રેઇન 10 ગણી વધુ સ્પીડમાં લોકોને સંક્રમિત કરે છે. આ ઉપરાંત જે વ્યક્તિને કોરોના થઇ ગયો હોય તેઓને પણ નવા કોરોના સ્ટ્રેઇન થવાની શક્યતા છે. એટલે કે હવે શહેર માટે વધારે જોખમ ઊભું થયું છે. નવા કોરોના સ્ટ્રેઇનની સંક્રમિત કરવાની ગતિ પણ વધુ હોય આરોગ્ય વિભાગ માટે મોટી મુશ્કેલી ઊભી થઇ છે.
ચૂંટણીને કારણે કોરોના વધુ ફેલાય તેવી શક્યતા
આવતીકાલે સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થવાનું છે. અત્યાર સુધી છેલ્લા 10 દિવસમાં વિવિધ રાજકીય પાર્ટીઓએ પ્રચાર અને પ્રસાર કરવા માટે રેલીઓ તેમજ જાહેર સભાઓ કરી છે જેના કારણે લોકોનુ ટોળુ પણ ભેગુ થયુ છે. પોતાની સરકાર બનાવવા માટે લોકો કોરોનાને નેવે મૂકીને મનફાવે તેમ સભા અને રેલીઓમાં જઇ રહ્યા છે. ત્યારે કોરોનાના કેસો પણ વધવા માંડ્યા છે ત્યાં જ હવે નવા કોરોના સ્ટ્રેઇન આવી ગયા છે અને નવા કોરોના સ્ટ્રેઇનના કેસો વધ્યા તો સુરત માટે ફરી લોકડાઉનની સ્થિતિ ઊભી થાય તેવી પણ શક્યતા છે.