Charchapatra

તોફાન

વિશ્વવ્યાપી પ્રાકૃતિક અને માનવસર્જીત દુર્ઘટનાઓ બનતી રહે છે, જેમાં ભૂકંપ, વિમાન-અકસ્માત, રેલ-દુર્ઘટના, વાવાઝોડું, દરિયામાં તોફાન, હિમપ્રપાત અને પર્વતો, ભેખડો ધસી પડવા જેવી આપત્તિઓ બનતી જોવા મળે છે. આવા સમયે મોટી તારાજી થાય છે. થોડા સમય પૂર્વે વંટોળિયા-તોફાન ‘ તાઉતે ‘ આવીને ગયું. ભરપૂર પવન વાયો. અંતે તબાહી, વિનાશ સાથે અનેક  ક્ષેત્રે તારાજી સર્જાઈ, નુકસાન થયું. અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયાં. અનેક વિસ્તારો પ્રભાવિત થયા, જેમાં કેટલાંય માનવો  મૃત્યુ પામ્યાં. કૃષિ ક્ષેત્રે અને સાગર સાથે જોડાયેલ સૌને માથે આભ ફાટ્યું. બાગાયતી પાક, ઢોરઢાંખરને નુકસાન થયું.નિર્દોષ પક્ષીઓ પણ અડફેટે આવી ગયાં. આભ ફાટ્યું ત્યાં થિંગડું ક્યાં દેવું?  આજે માનવનિર્મિત તોફાનની વાત કરવી છે: સત્ય કહેવામાં આવે છે કે, “વાવાઝોડું અને ગુસ્સો બંને સરખાં હોય છે, શાંત થયા પછી માહિતી મળે કે ક્યાં અને કેટલું નુકસાન થયું છે.” વાવાઝોડું આવે ત્યારે માન્ય ગાઈડલાઈનનું પાલન કરીએ તો કંઈક અંશે બચાવ શક્ય બને છે. ગુસ્સામાં વાણીવિલાસ કરતી વખતે સો વાર ધ્યાન આપવું જોઈએ, કારણ કે ગુસ્સો તો તરત શાંત પડે -ઊતરી જાય પણ જે ઘા- જખ્મો આપી જાય તે જીવનભર ભોગવવાં પડે છે. ચાલો ગુસ્સારૂપી વાવાઝોડું આવે ત્યારે પળવાર થોભી જઈએ અને પછી જ વર્તન કરીએ, પ્રતિભાવ આપીએ. આવા વર્તનથી તકલીફોથી બચી શકાય છે.  વિનાશ થવાનો હોય ત્યારે બુદ્ધિ બગડે છે. સંયમ રાખીએ તો ઘણું. નવસારી        – કિશોર આર. ટંડેલ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top