Charchapatra

ભારતમાં અલગ અલગ ધર્મોની વસતીની વાતો અને જમીની હકીકત

ભારત દેશની કુલ વસ્તીમાં અલગ અલગ ધર્મોની વસતી બાબતે અવારનવાર ચર્ચા થતી રહે છે જેમાં ઘણી વખત રજૂ થતી માહિતી, ખાસ કરીને મુસ્લિમો અને અન્ય ધર્મો  અંગેની લોકવાતોમાં થતી ચર્ચામાં  અલગ અલગ જ્ઞાતિઓની વસતીની વિગતો રજૂ થતી હોય છે એ વિગતો જાણ્યે અજાણ્યે લોકોને ગેરમાર્ગે દોરવાની શક્યતા નકારી ન શકાય. ૨૦૧૧ની વસતી ગણતરીના આંકડા બતાવે છે કે આપણા દેશની કુલ વસતીમાં મુખ્યત્વે હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બુધ્ધ અને જૈનીઝમમાં માનનારાં લોકોની વસતી સંખ્યા અનુક્રમે  હિન્દુ ૯૬.૬૩ કરોડ (૭૯.૮૫%), મુસ્લિમ  17.22 કરોડ (૧૪.૨%), ખ્રિસ્તી ૨.૭૮કરોડ(૨.૩%), શીખ ૨.૦૮કરોડ(૧.૭%) બૌધ્ધધર્મી ૦.૮૪કરોડ(૦.૭%) જૈન ૦.૪૫ કરોડ(૦.૪%) નોંધાયેલ છે.

સામાન્યત: થતી લોકવાતોમાં મુખ્યત્વે હિંદુઓમાં એવું કહેવા અને માનવામાં કે મનાવવામાં આવે છે કે મુસ્લિમોની વસતી દર કૂદકે ને ભૂસકે વધતો રહે છે, જે સમય જતાં હિંદુઓની કુલ વસતીને સમકક્ષ બની શકે કે વટાવી જશે. પરંતુ સરકારી આંકડા બતાવે છે કે  આ વાતો અને વાસ્તવિકતામાં ઘણો ફરક છે. મુસ્લિમોમાં પણ શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે એ કારણે એ કોમનો જન્મદર હિંદુઓ કરતાં પણ ઓછો થયો છે.  ૧૯૯૨–૯૩ અને ૨૦૧૯–૨૧ વચ્ચેના ગાળામાં મુસ્લિમોનો જન્મદર બે પોઇન્ટ ઘટીને ૨.૪ થયો જ્યારે આ જ ગાળામાં હિન્દુઓનો ફર્ટીલીટી દર ૧.૩ પોઇન્ટ ઘટીને  ૨.૦૦ થયો.

અલબત્ત કર્ણાટક કે જેમાં , બિહાર કરતાં શિક્ષિત વર્ગનું પ્રમાણ વધારે છે ત્યાં બિહાર કરતાં જન્મદર ઓછો છે જે બતાવે છે કે શિક્ષિત લોકોનું પ્રમાણ જ્યાં વધુ હોય ત્યાં જન્મદર પ્રમાણમાં ઓછો રહે છે. હકીકતે જરૂર છે રાજકારણીઓ કે વેસ્ટેડ ઇન્ટરેસ્ટ  ધરાવતાં લોકોની વાતોમાં આવ્યા વિના,  હિંદુ–મુસ્લિમ સહિત અન્ય કોમોની ગણતરીમાં પડ્યા વિના ભાઇચારાની ભાવના વિકસાવવાના સઘન પ્રયત્નો જો થતા રહે તો એ પ્રયત્નો અંતે દેશ હિતમાં પરિણમી શકે.

દરેક કોમમાં સારા–નરસા માણસો તો રહેવાના જે બદલી શકાતું નથી, જરૂર છે ધર્મોને બાજુએ  રાખી સારા માણસોને સાથે લઇને ચાલવાની જે સમયના વહેણ સાથે દેશના વિકાસમાં એમનું યોગદાન આપી શકે. આજની તારીખમાં ભારત દુનિયાનો સૌથી વધુ યુવાનોની સંખ્યા ધરાવતો દેશ છે જેમાંથી ઘણાં યુવાનો નોકરી ધંધાની શોધમાં ભટકતાં રહે છે એમને માટે જરૂર છે યોગ્ય તકો ઊભી કરી માથાદીઠ આવક વધારવાની જે સમય જતાં દેશના સમતોલ વિકાસમાં પરિણમી શકે.   
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top