જે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આરએસએસના સહારે ભાજપ સત્તાના સિંહાસન સુધી પહોંચ્યો તે જ આરએસએસ અને ભાજપ વચ્ચે ધીરેધીરે મતભેદોની ખાઈ વધુને વધુ પહોળી થઈ રહી છે. હાલમાં મસ્જિદોમાં સરવેની વાતો થઈ રહી છે ત્યારે ગુરૂવારે પૂણે ખાતે એક કાર્યક્રમમાં સંઘના વડા મોહન ભાગવતે કોઈનું નામ લીધા વિના એવી ટકોર કરી હતી કે દરેક મસ્જિદમાં શિવલિંગ શોધવાનું બંધ કરો, દરેક મસ્જિદ મંદિર હતું તે સાબિત કરવું યોગ્ય નથી.
અયોધ્યામાં રામ મંદિર બની ગયા પછી પણ કેટલાક લોકો આવા મુદ્દાને ઉછાળીને પોતાને ‘હિન્દુઓના નેતા’ સાબિત કરવાની કોશિશ કરે છે. મોહન ભાગવત અગાઉ પણ બે વખત આ મુદ્દે ટકોર કરી ચૂક્યા છે છતાં પણ મોહન ભાગવતની વાતની અવગણના કરવામાં આવી રહી છે. જે બતાવી રહ્યું છે કે ભાજપની ટોચની નેતાગીરી અને આરએસએસની ટોચની નેતાગીરી વચ્ચે મનમેળ નથી.
પૂણેના ‘વિશ્વગુરૂ ભારત’ વિષય પરના કાર્યક્રમમાં મોહન ભાગવતે ચોખ્ખું એવું કહ્યું હતું કે, રામ મંદિરના નિર્માણ પછી કેટલાક લોકોને લાગે છે કે અન્ય સ્થળોએ પણ આ જ મુદ્દા ઉઠાવવાથી તેઓ ‘હિન્દુઓના નેતા’ બની જશે. રામ મંદિર આસ્થાનો વિષય હતો અને હિન્દુઓને લાગ્યું કે એનું નિર્માણ થવું જોઈએ પરંતુ નફરત અને દુશ્મનીને કારણે કેટલાંક નવાં સ્થળો વિશે મુદ્દા ઉઠાવવાનો ક્યારેય સ્વીકાર થઈ શકે નહીં. ભારતે તમામ ધર્મો અને વિચારધારાઓના સુમેળભર્યા સહઅસ્તિત્વનું ઉદાહરણ સ્થાપિત કરવાનું છે.
ઉગ્રવાદ, આક્રમકતા, બળપ્રયોગ અને બીજાના દેવતાઓનું અપમાન કરવું એ આપણી સંસ્કૃતિ નથી… અહીં બહુમતી કે લઘુમતી નથી; આપણે બધા એક છીએ. આ દેશમાં દરેકે પોતાની પૂજા પદ્ધતિનું પાલન કરવું જોઈએ, કરવા દેવું જોઈએ. ભાગવતે એવું પણ કહ્યું હતું કે, રામ મંદિર વિવાદ અંગ્રેજો દ્વારા ઊભો કરવામાં આવ્યો હતો. અંગ્રેજોએ જ રામમંદિર હિન્દુઓને આપવા મામલે બે કોમ વચ્ચે ખાઈ ઊભી કરી અને એને કારણે બંને કોમ વચ્ચે અલગતાવાદની લાગણી સર્જાઈ અને તેને કારણે પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું.
મોહન ભાગવત અગાઉ પણ બે વખત આ જ વિષય પર બોલી ચૂક્યા છે. ભાગવે અગાઉ છઠ્ઠી ઓકટોબરના રોજ પશ્ચિમ બંગાળના બારામાં સંઘના કાર્યકર્તાઓને સંબોધન કરતી વખતે કહ્યું હતું કે, ભારત એક ‘હિન્દુ રાષ્ટ્ર’ છે અને હિન્દુ શબ્દ દેશમાં રહેતા ‘તમામ સંપ્રદાયો’ માટે વપરાય છે. આપણે અહીં પ્રાચીન સમયથી રહીએ છીએ, જોકે હિન્દુ શબ્દ પછી આવ્યો. અહીં રહેતા ભારતના તમામ સંપ્રદાયો માટે હિન્દુ શબ્દનો ઉપયોગ થતો હતો. હવે આપણે હિન્દુ શબ્દને સીમિત કરીને માત્ર પૂજા પૂરતો રાખ્યો છે, પણ હિન્દુ શબ્દનો અર્થ બહુ વ્યાપક અને વિશાળ છે.
આ ઉપરાંત નાગપુર ખાતે પણ છઠ્ઠી જૂનના રોજના કાર્યક્રમમાં ભાગવતે કહ્યું હતું કે, જ્ઞાનવાપીનો એક ઈતિહાસ છે. આપણે એને બદલી નહીં શકીએ. આજના હિન્દુ અને મુસલમાનોએ એને નથી બનાવ્યો. રોજ સવાર પડે ને એક મસ્જિદમાં શિવલિંગ કેમ દેખાય છે? ઝઘડો કેમ વધારવાનો? એ પણ મુસલમાન છે. એ પણ તેમની રીતે પૂજા કરે છે. તેમની પૂજા કરવાની પદ્ધતિ અલગ છે. ભારત કોઈ એક પૂજા, એક ભાષાને નથી માનતો, કારણ કે આપણે સમાન પૂર્વજના વંશજ છીએ. મુસલમાનોએ એ બિલકુલ ન વિચારવું જોઈએ કે આપણે તેમના વિરુદ્ધમાં છીએ. અમુક બાબતોમાં સાથે બેસીને ચર્ચા કરીને ઉકેલ કાઢવો જોઈએ.
ભાગવતે આ ત્રીજી વખત કહ્યું છે. જે બતાવી રહ્યું છે કે ભાજપની વિચારસરણી સાથે ભાગવત સંમત નથી. ભાજપની ટોચની નેતાગીરીના વલણથી વિરૂદ્ધનું વલણ ભાગવત દ્વારા અપનાવવામાં આવી રહ્યું છે. ભાગવતની વાણી એ બતાવી રહી છે કે ભાજપ અને આરએસએસ માટે હિન્દુત્વ મુખ્ય વિષય છે પરંતુ તેના માટેના રસ્તાઓ અલગ અલગ થઈ રહ્યા છે. હાલમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે જે પરિણામો આવ્યા તે પણ સંઘની નારાજગીને કારણે આવ્યા હોવાની વ્યાપક ચર્ચા થઈ હતી.
સંઘ દ્વારા રાજ્યની ચૂંટણીઓમાં ભાજપની મદદ કરવામાં આવી રહી છે પરંતુ લોકસભાની ચૂંટણીમાં એટલો ઉત્સાહ બતાવવામાં આવ્યો નથી. આજ કારણે લોકસભા બાદની રાજ્યોની ચૂંટણીમાં હરિયાણા હોય કે મહારાષ્ટ્ર, ભાજપે મેદાન માર્યું છે. ભાગવત દ્વારા હાલમાં જે સૂર કાઢવામાં આવી રહ્યા છે તે ભાજપ માટે ચેતવણી સમાન છે. સંઘે લોકસભામાં ભાજપને સિમીત કરીને પોતાની તાકાત બતાવી દીધી છે ત્યારે જો ભાજપની ટોચની નેતાગીરી સંઘ સાથે સમાધાન નહીં કરે તો તેની માઠી અસર ઊભી થશે તે નક્કી છે. જે સત્તા છીનવી પણ શકે છે.