Columns

વાતે વાતે નસીબને દોષ દેવાનું બંધ કરો

જિંદગીમાં તમે કોઈ એવો માણસ જોયો છે જેને ખેતર ખેડ્યા વગર, વાવણી અને પાણીથી સિંચ્યા વગર ધાર્યો પાક મળ્યો હોય? જેઓ જીવનમાં વાવવાને બદલે સીધું લણવાની આશા રાખે છે તેઓ ‘પાક’ જ નહીં, ક્યારેક સમૂળગું ‘દાતરડું’ પણ ગુમાવી બેસે છે. કામ માણસની જહેમત માંગે છે, પરસેવો માંગે છે અને અથાગ ઉત્સાહ માગે છે. ઘણા લોકોની એક જ વાત હોય છે – અમારા તો નસીબ જ ફૂટેલા હોય છે. નસીબ, કિસ્મત, લક, મુકદર, ડેસ્ટિની જેવું ખરેખર કંઈ હોય છે ખરું? તમને કોઈ આવો સવાલ પૂછે તો તમારો જવાબ શું હોય?

કંઈક તો હોતું હશે. બાકી કંઈ જિંદગીમાં ઘણું બધું અચાનક થોડું બનતું હોય છે. ક્યારેક ચારે તરફ અંધારું લાગતું હોય, ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યાં જ અચાનક કોઈ ઝબકારો થાય છે અને બધું સાફ નજર આવે છે. જેની કલ્પના ન હોય એ સાકાર અને સાક્ષાત થઈ જાય, ત્યારે એવું લાગે કે નસીબ જેવું તો હોય જ છે. સફળતા – નિષ્ફળતા, સુખ – દુ:ખ, પ્રેમ – નફરત, દોસ્તી – દુશ્મનીને આપણે નસીબી કે કમનસીબી સાથે જોડીએ છીએ. નસીબ આપણને મોટાભાગે ત્યારે જ યાદ આવે છે, જ્યારે કંઈક ખોટું કે ખરાબ થતું હોય છે.

ક્યારેક આપણું ધાર્યું ન થાય કે તરત જ આપણે બોલવા લાગીએ છીએ કે મારું નસીબ જ ફૂટેલું છે. કોઈ કાર્યમાં મને સફળતા મળતી જ નથી. પણ એ વાત ખોટી. તમારી ‘આજ’ પર તમારું રાજ ચાલતું હોય છે. હકીકત તો એ છે કે ભાગ્યનું સામ્રાજ્ય નિર્માલ્ય લોકોને ક્યારેય સાથ આપતું નથી. ભાગ્યને ભાગેડુઓ નહીં પણ સામી છાતીએ લડીને મુસીબતનો સામનો કરનાર લોકો ગમે છે. નસીબ હોય તો પણ એ હીરા જેવું છે. હીરાને તમારે શોધવો પડે છે અને ઘસવા પડે છે. એને ચમક આપવી પડે છે. જમીનમાં દટાયેલા હીરાનું કોઈ મૂલ્ય નથી.

હીરો બજારમાં આવે એ પહેલાં એણે ઘણી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. નસીબનું પણ એવું જ છે. નસીબને ચમકાવતા પહેલાં તમારે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તમે કેવી રીતે પડકારોનો સામનો કરો છો તેના પરથી જ તમારું નસીબ ખીલે અથવા તો મુરઝાય છે. નસીબને દોષ દેવો વ્યર્થ છે. એક યુવાનને સતત નિષ્ફળતા મળતી હતી. તેનો મિત્ર એને એવું કહેતો કે તારા નસીબ જ ખરાબ છે. તે યુવાન નિષ્ફળતાથી હતાશ થયા વિના મહેનત કરતો જ રહ્યો. તેના મિત્રે કહ્યું ક્યાં સુધી તું આમ મહેનત કરશે? યુવાને હસીને જવાબ આપ્યો, ‘જ્યાં સુધી મારા નસીબ સારા ન થાય ત્યાં સુધી.’ નસીબ ખરાબ નથી હોતું. હા, જિંદગીનો અમુક સમય ખરાબ હોય શકે છે.

કોઈને પણ પૂછી જુઓ. એણે જિંદગીમાં ક્યારેક તો માઠા સમયનો સામનો કર્યો જ હશે. ખરાબ સમય માટે નસીબને દોષ આપવો વાજબી નથી. એક રાજા હતો. તે પોતાના પુત્રને રાજ સંભાળવા માટે તૈયાર કરતો હતો. પુત્રે યુધ્ધની તાલીમ લીધી. બાપ – દીકરાને એવી ખબર પડી કે પાડોશી રાજા આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે. રાજાએ કહ્યું કે નસીબ કરતાં તારા બાવડા પર વધુ ભરોસો રાખ. બીજી એક વાત સારા નસીબ માટે આપણી પાસે તલવાર છે અને ખરાબ નસીબ માટે આપણી પાસે ઢાલ છે.

જેટલો ભરોસો તલવાર ઉપર હોવો જોઈએ, એટલી જ શ્રધ્ધા ઢાલ પર રાખવી જોઈએ. હું મારા પર થતાં તમામ ઘા ઝીલી લઈશ. ઘા તો પડવાના જ છે. દુશ્મન કંઈ તમને જિતાડવા નથી આવવાનો. એ તો તમને હરાવવા જ આવવાનો છે. જીતવાનું તો આપણે છે. જિંદગી પણ યુધ્ધ જ છે, એમાં પણ તલવાર અને ઢાલ બંને તૈયાર રાખવાના હોય છે. કારણ કે ઘા તો થવાના જ છે!

નસીબને એ લોકો જ દોષ દે છે જેને પોતાના નસીબ ઉપર ભરોસો નથી હોતો. જેને પોતાની મહેનત પર શ્રધ્ધા નથી હોતી અને કંઈક કરી છૂટવાની જેની દાનત નથી હોતી. ક્યાંય પહોંચવું હોય તો નસીબને ભરોસે બેસી રહેવાથી મેળ પડતો નથી. એમના માટે ચાલવું પડે છે. મહેનતથી જ નસીબના દ્વાર ખૂલે છે. આપણા આજના યુવાનો – વિદ્યાર્થીઓમાં મહેનત અને ધીરજ ક્યાં છે? કોલેજના છેલ્લા વર્ષમાંથી નીકળતા વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું કે તમે ગ્રેજ્યુએટ થઈ શું કરવા માંગો છો? એ માટે કઈ મહત્ત્વાકાંક્ષા ધરાવો છો? લગભગ બધાનો જવાબ આ જ હતો –

‘ખૂબ પૈસા કમાવા છે. આલીશાન મકાન ફ્લેટમાં રહેવું છે. ગાડીમાં ખૂબ ફરવું છે. શેરબજારમાં પૈસા રોકીને રાતોરાત કરોડપતિ બનવું છે’ પણ કેવી રીતે? એનો કોઈ નકશો મગજમાં સ્પષ્ટ નથી. બસ ફક્ત પૈસાદાર બનવું છે. દોમદોમ સાહ્યબી ભોગવવી છે. ધીરૂભાઈ અંબાણી કે મફતલાલ કે ટાટા જેવા બનવું છે, પરંતુ એમણે સિધ્ધિ મેળવવા કેટલો સંઘર્ષ વેઠ્યો હતો તે ખબર છે? એના રાહ પર ચાલવાની તૈયારી છે? બસ પસીનો પાડ્યા વિના, પરિશ્રમ વેઠ્યા વિના નસીબના જોરે પૈસાદાર થઈ જવું છે. એ સ્થાને પહોંચવા પ્રાપ્તિ કરીને જ જંપ્યા.

તેઓએ સાબિત કરી આપ્યું કે ‘પ્રારબ્ધના સિતારા આસમાનમાં ચમકતા હોય છે અને પુરુષાર્થના સિતારા હાથમાં ચમકતા હોય છે.’ પુરુષાર્થથી તેઓએ પ્રારબ્ધની કેડી કંડારી સફળતા શિખરે પહોંચ્યા. ઘણા માણસો જિંદગી પાસેથી ઘણી અપેક્ષાઓ રાખતા હોય છે. જેવી કે હોદ્દો, સંપત્તિ, ચીજવસ્તુઓ અને સુખ – સગવડના સાધનોને સારા નસીબનું નામ આપી દેતા હોઈએ છીએ. એક મધ્યમ વર્ગના માણસને પૂછ્યું – ‘મજામાં છો? તું તારી જાતને કેવો માને છે?’ તેણે કહ્યું, ‘હું ખૂબ નસીબદાર છું. મારા ઘરે મારી પત્ની બહુ પ્રેમાળ છે. સુંદર મજાનાં 2 બાળકો છે. અમારા બધાનું સરસ રીતે પૂરું થઈ જાય, એટલી આવકવાળી મારી નોકરી છે. મહેનત કરવા માટે ભગવાને મજબૂત હાથ – પગ અને સ્વસ્થ શરીર આપ્યું છે.’ ઔર જિનેકો ક્યા ચાહિએ? સરસ રીતે જિવાય એટલું તો મારી પાસે છે જ! બાકી ઈચ્છાઓનો તો કોઈ અંત જ નથી.

તો વાચકમિત્રો, તમારી પાસે જેટલું છે એને તમે જો સારી રીતે માણી શકતા હોય તો તમે નસીબદાર છો. તમને પ્રેમ કરવાવાળું હોય તો તમે નસીબદાર છો. તમારી રાહ જોવાવાળું કોઈ હોય તો તમે નસીબદાર છો. જિંદગીની દરેક ક્ષણને માણી શકતા હો તો તમે નસીબદાર છો. તમને ખુશ રહેતાં આવડતું હોય તો તમે નસીબદાર છો. કુંડળીના ગ્રહો કે હાથની રેખાઓ કરતાં પોતાની જાત પર જેને વધુ ભરોસો છે એ જ પોતાનો રસ્તો બનાવી શકે છે. એના પર ચાલી શકે છે ને મંઝિલે પહોંચી શકે છે.

જરૂર છે આત્મવિશ્વાસ, આત્મશ્રધ્ધાની, નેપોલિયન જેવી નિર્ણયશક્તિની, ભીષ્મ જેવી પ્રતિજ્ઞા શક્તિની, પુરુષાર્થ જ પરમદેવ. શેક્સપિયર પુરુષાર્થ કારણે સર્વશ્રેષ્ઠ કવિ અને નાટ્યકાર બની ગયો. સોક્રેટીસ પુરુષાર્થથી જ ગ્રીક તત્ત્વચિંતનના જનક તરીકે ગૌરવાન્વિત થયા. આઈન્સ્ટાઈન પુરુષાર્થના બળે પરમાણુ શક્તિનો વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિક બન્યો. તો મારા ખાસ યુવા મિત્રો, પુરુષાર્થના સહારે આગળ વધો. સફળતા માટે ભાગ્ય પર નહીં પણ મહેનત – તમારા હાથની – મનની શક્તિ કામે લગાડો. પડકારોને ઝીલીને જિંદગી જીવી બતાવો અને પોતાની જાત પર ગર્વ કરો. તમે જે છો, જેવા છો, જ્યાં છો અને તમારી પાસે જેટલું પણ છે, એને તમે જો એન્જોય કરી શકતાં હોય તો તમારા જેવું નસીબદાર બીજું કોઈ જ નથી.
સુવર્ણરજ :
લેખને માથે મેખ મારનારને ભાગ્ય
સ્વયં સલામ કરે છે.

Most Popular

To Top