મુંબઇ: મુંબઈમાં (Mumbai) પોલીસ અને BMC અધિકારીઓ (BMC officials) પર ગુરુવારે 6 જૂનના રોજ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા. અસલમાં મુંબઈ પોલીસ અને BMCના અધિકારીઓ મુંબઈના પવઈ વિસ્તારમાં અતિક્રમણ (Encroachment) હટાવવા ગયા હતા. વહીવટીતંત્ર દ્વારા અહીં અતિક્રમણ સામે ઝુંબેશ ચાલાવવામાં આવી હતી. તેમજ પથ્થરમારા બાદ આ વિસ્તારમાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું હતું.
અતિક્રમણ હટાવતી વખતે અતિક્રમણકારોએ મુંબઈ પોલીસ અને BMC અધિકારીઓ પર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં 5 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તેમજ આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં અતિક્રમણ કરનારાઓ પોલીસ પર પથ્થરમારો કરતા લોકોને જોઈ શકાય છે. ભીડમાં મોટાભાગના લોકોએ હાથમાં ઝંડા અને પોસ્ટર પકડ્યા હતા. ત્યારે આ અતિક્રમણ હટાવો અભિયાન આગળ પણ ચાલુ રાખવામાં આવશે કે કેમ તે હજુ સ્પષ્ટ થયું નથી.
મહારાષ્ટ્રમાં ચોમાસું બેસી ગયું છે અને મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ કારણોસર વહીવટીતંત્ર અતિક્રમણ દૂર કરીને ડ્રેનેજ વ્યવસ્થા સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે મુંબઈમાં પાણીનો ભરાવો એક મોટી સમસ્યા છે. જેથી દર વર્ષે વરસાદની સિઝનમાં મુંબઈના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પવઈમાં મોટી સંખ્યામાં પોલીસ દળ હાજર
પોલીસકર્મીઓ અને BMC અધિકારીઓ પર પથ્થરમારાની ઘટના બાદ પવઈમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા. પવઇમાં મોટી સંખ્યામાં ઝૂંપડપટ્ટીઓ આવેલી છે. જેથી ગેરકાયદેસર અતિક્રમણ સામેની કાર્યવાહી દરમિયાન આ ઝુપડપટ્ટીઓમાં રહેતા લોકોનો રોષ ફાટી નીકળ્યો હતો. આ પછી લોકોએ પોલીસ અને BMCની ટીમ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો. ત્યાર બાદ પથ્થરમારાની આ ઘટનામાં ઘાયલ થયેલા પોલીસકર્મીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અગાઉ થાણેમાં પણ કર્મચારીઓ પર હુમલા થયા હતા
થોડા સમય પહેલા મહારાષ્ટ્રના થાણેમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. થાણેમાં અતિક્રમણ હટાવવા માટે ગયેલા MBMC કર્મચારીઓ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો, જેના કારણે તેઓને ગંભીર ઈજાઓ થઈ હતી. હુમલામાં ઘાયલ થયેલા તમામ કર્મચારીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે એક અધિકારીએ જણાવ્યું હતું કે પોલીસે થાણે જિલ્લામાં અતિક્રમણ વિરોધી ઝુંબેશ દરમિયાન મીરા ભાયંદર મ્યુનિસિપલ કોર્પોરેશન (MBMC)ના કર્મચારીઓ પર હુમલો કરવા બદલ 17 હોકર્સ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. 4 જાન્યુઆરીના રોજ MBMC સીમા હેઠળના શાંતિ નગર વિસ્તારમાં હોકર્સ દ્વારા કરાયેલા અતિક્રમણને દૂર કરવા સ્થાનિક પોલીસ સાથે MBMC સ્ટાફ કામ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન હોકર્સે કથિત રૂપે સરકારી કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક કરી અને તેમની પર હુમલો કર્યો.