સુરત: રવિવારે સાંજે સુરતથી (Surat) અયોધ્યા (Ayodhya) જવા ઉપડેલી સ્પેશિયલ ટ્રેન આસ્થા (AashthaTrain) પર નંદુરબાર (Nandurbar) નજીક રાત્રિના સમયે પત્થરમારો (StoneHeat) થયો હોવાની ઘટના બની છે. ટ્રેનના ત્રણ કોચ પર બહારથી કોઈક ટીખળખોરોએ પત્થરમારો કર્યાની ઘટનાને પગલે રામભક્તોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, આ હુમલામાં કોઈને ઈજા થઈ નથી.
- નંદુરબાર સ્ટેશન પહોંચે તે પહેલાં હુમલો થયો
- ટ્રેનના ત્રણ કોચ પર પત્થરમારો થયો
વિશ્વ હિન્દુ પરિષદના નિલેશ અક્બરીએ સમગ્ર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે ટ્રેન નંદુરબાર નજીક પહોંચી હતી ત્યારે આ ઘટના બની હતી. સ્ટેશનથી અડધો કિલોમીટર દૂર પત્થરમારો થયો હતો. ટ્રેનના ત્રણ કોચ એસ7, 11 અને 12 પર બહારથી પત્થરમારો થયો હતો. એસ 7માં એક પત્થર અંદર પણ આવ્યો હતો.
બહારથી પત્થરમારો થતાં મુસાફરોએ તાત્કાલિક ટ્રેનના બારી, દરવાજા બંધ કરી દીધા હતા, છતાં પત્થર અંદર આવી ગયા હતા. એકાએક રાત્રિના સમયે પત્થરમારો થતાં ભાગદોડ મચી ગઈ હતી. નંદુરબાર સ્ટેશન પર આ અંગે રેલવે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
સદ્દનસીબે કોઈને ઈજા થઈ નથી. જોકે, આ હુમલાના પગલે રામભક્તોમાં ડર વ્યાપી ગયો હતો. જોકે, ત્યાર બાદ વાત આગળ ન વધતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જણાવી દઈએ કે વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાતના મોટા ભાગના કાર્યકરો આ આસ્થાન ટ્રેનમાં સવાર થઈ પ્રભુ શ્રી રામલ્લાના દર્શન કરવા અયોધ્યા રવાના થયા છે.
સુરતથી અયોધ્યા સ્પેશ્યલ ‘આસ્થા’ ટ્રેનને રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું
રવિવારે સાંજે કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજ્યમંત્રી (Textile Minister) દર્શનાબેન જરદોશે સુરતથી અયોધ્યા ધામ- સ્પેશિયલ ટુરિસ્ટ ‘આસ્થા’ ટ્રેનને સુરત રેલ્વે સ્ટેશનથી ફ્લેગ ઓફ આપી અયોધ્યા જવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. રેલ્વે મંત્રીએ અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરમાં ભગવાન શ્રીરામના દર્શન માટે જઈ રહેલા શ્રીરામભક્તોને સુખદ યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મેયર દક્ષેશભાઈ માવાણી, અગ્રણી દિનેશભાઈ નાવડિયા, રેલ્વે અધિકારીઓ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આવતીકાલે મંગળવારે પણ એક ટ્રેન અયોધ્યા જવા રવાના થશે.