આણંદ : ઉમરેઠ તાલુકાના શીલી ગામે મંગળવારની મોડી રાત્રે શિવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન શંકરની શોભાયાત્રા નીકળી હતી. આ દરમિયાન ગીત વગાડવાને લઇ બે જુથ બાખડી પડ્યાં અને વાત પથ્થરમારા સુધી પહોંચી ગઈ હતી. પરંતુ ટોળાએ પોલીસને નિશાન બનાવી ગાડીના કાચ તોડી નાંખ્યાં હતાં અને પોલીસ પર પથ્થરમારો કરતાં બે જવાનો પણ ઘવાયાં હતાં. આ અંગે પોલીસે 52 જેટલી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો હતો. શીલી ગામે મંગળવારના રોજ શીવરાત્રીના તહેવાર નિમિત્તે ભગવાન શંકરની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં લગભગ 300 જેટલા માણસો જોડાયાં હતાં. આ શોભાયાત્રા ગામના આશાપુરા માતાના મંદિર પાસેથી પસાર થઇ રહી હતી.
તે સમયે ડીજેવાળા બહાદુરસિંહ પરમારે સંવેદનશીલ અને અશ્લીલ ગીત વગાડતાં ચૌહાણ પરિવારના સભ્યો ઉશ્કેરાઇ ગયાં હતાં અને પરમાર પરિવાર, ચાવડા પરિવાર પણ મેદાનમાં આવી ગયાં હતાં. જોકે, મામલો પામી ગયેલા ફરજ પરના પોલીસે આ ધાર્મિક શોભાયાત્રા હોઇ શાંતિથી પસાર કરવા સમજાવ્યાં હતાં. પરંતુ બન્ને જુથના માણસો વધુને વધુ ઉગ્ર થઇ ગયાં હતાં. મામલો ગંભીર જણાતાં તુરંત પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરીને જાણ કરવામાં આવી હતી. બીજી તરફ બન્ને જુથના માણસો સામસામે પથ્થરમારો ચાલુ કરી દીધો હતો. થોડી જ વારમાં કેટલાક માણસો લાકડીઓ સાથે આવી ગયા હતા અને ફિલ્મી ઢબે મારમારી પર ઉતરી આવ્યાં હતાં. આ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરી સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી.
તે વખતે સિદ્ધનાથ મંદિરના મહારાજ બાલકગીરી મહારાજે ટોળાને પોલીસ વિરૂદ્ધ ઉશ્કેરતાં બન્ને જુથના ટોળા હિંસક બની તિક્ષ્ણ ધારવાળા પથ્થરોથી પોલીસને નિશાન બનાવી હતી. ટોળામાંથી કેટલાંક વ્યક્તિ લાકડીઓ સાથે જવાનો પર તુટી પડ્યાં હતાં. જેમાં સલીમજાવેદ ફરીદમીયાંને પાંચેક માણસોએ લાકડીથી આડેધડ મારવા લાગ્યાં હતાં. જેમાં સલીમજાવેદને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. જેમને 108માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ટોળાએ પોલીસ વાહન પર પથ્થર ફેંકતા નુકશાન થયું હતું. જોકે, જિલ્લાકક્ષાએ જાણ કરતાં ઉમરેઠ, ભાલેજ, એલસીબી, એસઓજી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને પાંચ ટીયર ગેસના સેલ છોડી ટોળાંને વિખેરી નાંખ્યું હતું. આ અંગે પોલીસે કુલ 52 શખસ સામે ગુનો નોંધી 41ની ધરપકડ કરી હતી.