સુરત: રેલવે વિભાગ મુસાફરોની સુવિધા અને સલામતી માટે કટિબદ્ધ હોવાના અનેક દાવા કરે છે પરંતુ વાસ્તવમાં ચિત્ર કંઈક અલગ છે. ટ્રેનોમાં મુસાફરો અને તેમના કિંમતી સામાનની કોઈ જ સુરક્ષા કરવામાં આવતી નથી. સવારી અપને સામાન કી ખુદ જિમ્મેદાર હૈ જેવી સ્થિતિ ભારતીય રેલવેને છે. તેનો પુરાવો આપતી ઘટના અરવલ્લી એક્સપ્રેસમાં બની છે.
સુરત યાત્રાળુઓ અરવલ્લી એકસપ્રેસમાં રાજસ્થાનથી પરત સુરત આવી રહ્યા હતા ત્યારે રાજસ્થાન વિસ્તારમાં આવેલ રીંગસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં 6 યુવતી સહિત 7 યાત્રીઓનો સામાન ચોરાયો હતો. ચોરી ઘટના બનવાને કારણે યાત્રાળુઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. આ બનાવનો એક વીડિયો સામે આવ્યો છે. જો કે આરપીએફ જવાનો સાથે એક કલાકની માથાકૂટ બાદ આ પેસેન્જરોની ફરીયાદ નોંધવામાં આવી હતી.
સુરતના રિશીવિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરી રહેલ રાજેન્દ્રભાઈ ચૌધરીએ કહ્યું કે, હું રાજસ્થાન થી સુરત આવી રહ્યો હતો. 2 કોચમાં બેસેલી યુવતીઓએ અચાનક હલ્લો મચાવવાનું શરૂ કર્યું હતું. બાદમાં ખબર પડી કે, કોચમાં બેસેલી છ યુવતીઓનો સામાન ચોરી થઈ ગયો હતો. મેં ચેક કરતાં ખબર પડી કે મારો પણ સામાન ચોરી થયેલો છે. યાત્રીઓ દ્વારા ત્યારબાદ ચેન પૂલિંગ કરી હતી. આરપીએફના જવાનોએ અમારી ફરિયાદ લેવાના બદલે અમારી સાથે જીભા જોડી પર કરી હતી.
જીઆરપીના જવાન દોડી આવ્યા હતા તેમણે એકને પકડયો હતો. જેની પાસે 3 બેગ મળ્યા છે. ત્યારબાદ બે-ત્રણ વ્યક્તિના સામાન મળ્યા હતા. અમે ત્યાં એફઆઇઆર કરી હતી. જેથી અન્ય લોકોના પણ સામાન મળી શકે. પરંતુ આ તમામ ઘટનામાં આરપીએફની કામગીરી ખૂબ જ નબળી જોવા મળી હતી. કલાક સુધી માત્ર બબાલ ચાલી હતી.