અમદાવાદ: અમદાવાદમાં માણેકચોકમાં એક સોનાના વેપારી સાથે 1.30 કરોડની છેતરપિંડી થવા પામી છે. જેમાં જે પેમેન્ટ થયુ છે તે નકલી ચલણી નોટો હતી. ખાસ કરીને મહાત્મા ગાંધીજીના સ્થાને આ નકલી નોટો પર બોલીવૂડ સ્ટાર અનુપમ ખેરની તસ્વીરો છાપેલી હતી. મહત્વની વાત એ છે કે નકલી નોટો આપી કઠિયો આટલી મોટી રકમનું સોનું લઈ રફૂચક્કર થઈ ગયો હતો.
માણેકચોક વિસ્તારમાં મેહૂલ નામના બુલિયનના વેપારી સાથે લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે 1.60 કરોડમાં ડિલ થઈ હતી. સોનુ વેપારીએ સીજી રોડ પર એક આંગડિયા પેઢીની ઓફિસ પર મંગાવ્યુ હતું. જેની સામે રૂપિયા 500 ના દરની 1.30 કરોડની રકમ પણ આપી અને બાકીના 30 લાખ ઓફિસેથી લઈ જવાનું કહીને બે ગઠિયાઓ ફરાર થઇ ગયા હતા. વેપારીએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ 1.30 કરોડની જે રકમ તેમણે ચુકવી હતી એ તમામ 500 ના દરની ચલણી નોટો નકલી હતી. એટલું જ નહીં તેના પર ગાંધીજીના બદલે અનુપમ ખેરની તસ્વીર હોવાનું તપાસમાં બહાર આવ્યુ હતું.
નોટ પર રિઝર્વ બેંકના બદલે રિઝોલ બેંક લખેલી નોટો અને SBI લખેલા રેપરમાં આ નકલી નોટ લપેટાયેલી હતી. વેપારી સાથે 1.30 કરોડની નકલી નોટો આપી ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ તપાસમાં વિગતો બહાર આવી છે કે આરોપીઓએ સોનું પડાવવા માટે સીજી રોડ પર આંગડિયા પેઢીના નામે બનાવટી ઓફિસ પણ શરૂ કરી હતી. નવરંગપુરા પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.
અનુપમ ખેર પણ સ્તબ્ધ થઈ ગયા
આ વાયરલ વીડિયો જોઈને બોલિવૂડ એક્ટર અનુપમ ખેર પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તેમણે પોસ્ટમાં લખ્યું, “લોજી કરલો બાત! પાંચસો રૂપિએ કી નોટ પર ગાંધીજી કી ફોટા કી જગહ મેરી ફોટો? કુછ ભી હો સકતા હૈ!” નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે રિસોલ બેંક ઓફ ઈન્ડિયા લખેલું છે, નોટના બંડલ પર SBIનું નામ પણ છપાયેલું છે, Start Bank of Indiaનું નામ લખાયું છે. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ છેતરપિંડીનું આયોજન લાંબુ છે અને ઉંડાણપૂર્વક કરવામાં આવ્યું છે.