નવી દિલ્હી: આજે 1લી એપ્રિલ 2024 થી નવું નાણાકીય વર્ષ (New financial year) શરૂ થયું છે અને પહેલા જ દિવસે શેરબજાર (Stock market) પણ પૂરા ઉત્સાહ સાથે આવકારતું જોવા મળી રહ્યું છે. સોમવારે સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં (Trading session) શેરબજારે મજબૂત શરૂઆત કરી હતી. બંને ઇન્ડેક્સ મજબૂત ઉછાળા સાથે ખુલ્યા હતા.
ઓપનિંગ સમયે એટલે કે સવારે 9.15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક સેન્સેક્સ 422.89 પોઈન્ટના તીવ્ર ઉછાળા સાથે 74,074.24 ના સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. આ સાથે જ નેશનલ સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ નિફ્ટી પણ 146.7 પોઈન્ટના ઉછાળા સાથે 22,473.60 ના સ્તર પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. લાર્જકેપ અને મિડકેપ શેરોના સૂચકાંકો પણ સકારાત્મક ખુલ્યા હતા. બેન્ક નિફ્ટી ઈન્ડેક્સ 266.45 પોઈન્ટ વધીને 47,391.05 પર ખુલ્યો હતો.
આ શેરોમાં હલચલ
માર્કેટ ઓપનિંગ વખતે હિન્દાલ્કો, JSW સ્ટીલ, ઇન્ફોસિસ, બજાજ ફિનસર્વ અને HDFC બૅન્ક નિફ્ટી પર મોટા લાભમાં હતા. જ્યારે ઇન્ડસઇન્ડ બૅન્ક, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ, SBI લાઇફ ઇન્સ્યોરન્સને નુકસાન થતુ જોવા મળ્યું હતું. તેમજ ભારતી એરટેલ, ઇન્ડસઇન્ડ બેંક અને એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સ પણ મંદ ગતિએ જોવા મળ્યા હતા.
નિફ્ટી બેંક ઇન્ડેક્સમાં બંધન બેંક, કોટક મહિન્દ્રા બેંક, IDFC ફર્સ્ટ બેંકના શેરોમાં 1 ટકાનો વધારો જોવા મળ્યો છે. આ સાથે જ NSE એ 1 એપ્રિલ, 2024 ના રોજ F&O માં Zee Entertainment નો સમાવેશ કર્યો છે.
1લી એપ્રીલે આંતરરાષ્ટ્રીય શેરબજાર:
સોમવારે એપ્રિલ 1, 2024ની સવારે એશિયા-પેસિફિક ક્ષેત્રના શેરો સામાન્ય રીતે હકારાત્મક રીતે વેપાર કરી રહ્યા હતા. એશિયાના ડાઉમાં 0.81% નો થોડો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે જાપાનનો નિક્કેઇ 225 1.17% ના ઘટાડા સાથે નકારાત્મક ક્ષેત્રમાં છે.
તેનાથી વિપરીત હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ 0.91% વધ્યો હતો અને બેન્ચમાર્ક ચાઇનીઝ ઇન્ડેક્સ, શાંઘાઈ કમ્પોઝિટ, 0.60% વધ્યો હતો. સોમવારે સવારે WTI ક્રૂડના ભાવ હાલમાં બેરલ દીઠ $83.14 પર હતો. જે 0.02% નો નજીવો વધારો દર્શાવે છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલ દીઠ $86.82 પર હતો, જે 0.18% નો નજીવો ઘટાડો દર્શાવે છે.
રોકાણકારોએ ખરીદી કરી હતી
નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર ઉપલબ્ધ ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)એ 28 માર્ચ, 2024ના રોજ રૂ. 188.31 કરોડના શેર ખરીદ્યા હતા. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 2,691.52 કરોડના શેર ખરીદ્યા હતા.