Business

સુરતમાં શેરમાર્કેટ ટ્રેડિંગ અને ગેરકાયદે ગેમિંગ ગેંગનો પર્દાફાશ, 8 આરોપી પકડાયા

સુરત શહેરમાં એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)એ ગેરકાયદે શેરમાર્કેટ ટ્રેડિંગ અને પ્રતિબંધિત ઓનલાઈન ગેમિંગ-બેટિંગની પ્રવૃત્તિઓ ચલાવતી ગેંગનો પર્દાફાશ કરી 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ગેંગે ‘Castilo 9’ અને ‘Stock Grow’ જેવા વેબ સોફ્ટવેર તેમજ ‘Betfair.com’, ‘Nexon Exch.com’, ‘Pavanexch’, ‘English999’ જેવી પ્રતિબંધિત વેબસાઈટ્સ દ્વારા ગેરકાયદે શેર ટ્રેડિંગ અને ક્રિકેટ, ટેનિસ, ફૂટબોલ જેવી રમતો તેમજ કેસિનો ગેમિંગની પ્રવૃત્તિઓ ચલાવીને કરોડો રૂપિયાનું નાણાકીય ગેરરીતિ આચરી હતી.

પોલીસની ટીમે ગુપ્ત માહિતીના આધારે મોટા વરાછા વિસ્તારમાં મેરીડીયન બિઝનેસ સેન્ટર દુકાન નં. 604-605, ‘સનરાઈઝ ડેવલોપર્સ’ ખાતે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 29 જૂન, 2025ના રોજ સાંજે 6:45 વાગ્યે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગના વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે, અને પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ કાર્યવાહીથી સુરતમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે મોટી સફળતા મળી છે.

આરોપીઓએ સોશિયલ મીડિયાનો દુરુપયોગ કર્યો
આ ગેંગે ગેરકાયદે સોફ્ટવેર ડેવલોપ કરાવી સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકોને લોભામણી યોજનાઓ બતાવી રોકાણ કરાવ્યું હતું. આ ઉપરાંત પ્રતિબંધિત વેબસાઈટ્સ દ્વારા ગેમિંગ અને બેટિંગની પ્રવૃત્તિઓ ચલાવી કરોડો રૂપિયા એકઠા કર્યા હતા. તેમના નાણાંકીય વ્યવહારોની કુલ રકમ 948,00,09,206 નોંધાઈ છે, જેમાં શેર ટ્રેડિંગ દ્વારા 943,37,35,807 અને બેંક ખાતાઓ દ્વારા 4,62,73,398નો સમાવેશ થાય છે.

પકડાયેલા આરોપીઓઃ નંદલાલ ઉર્ફે નંદો વિઠ્લભાઈ ગેવરીયા (ઉ.વ. 44, વેપાર-ટ્રેડિંગ, મોટા વરાછા, સુરત), વિશાલ ઉર્ફે વિક્કી મનસુખભાઈ ગેવરીયા (ઉ.વ. 34, વેપાર-ટ્રેડિંગ, મોટા વરાછા, સુરત), જયદીપ કાનજીભાઈ પીપળીયા (ઉ.વ. 30, નોકરી-એકાઉન્ટન્ટ, વાવગામ, સુરત), ભાવિન અરવિંદભાઈ હિરપરા (ઉ.વ. 23, નોકરી, સરથાણા, સુરત), નવનીત ચતુરભાઈ ગેવરીયા (ઉ.વ. 34, નોકરી-એકાઉન્ટન્ટ, સરથાણા, સુરત), સાહીલ મુકેશભાઈ સુવાગીયા (ઉ.વ. 21, નોકરી-કોલર્સ, સરથાણા, સુરત), ભાવેશ જીણાભાઈ કિહલા (ઉ.વ. 31, સોફ્ટવેર ડેવલોપર, કતારગામ, સુરત), બકુલ મગનભાઈ તરસરીયા (ઉ.વ. 30, સોફ્ટવેર ડેવલોપર, કતારગામ, સુરત)

વોન્ટેડ આરોપીઓઃ જાવેદ ઉર્ફે જેડી, પરીમલ કાપડીયા.

Most Popular

To Top