ભારતીય શેર બજારમાં મંદી યથાવત છે. આજે તા. 24 ફેબ્રુઆરીને સોમવારના રોજ ફરી એકવાર બજાર તૂટ્યું હતું. બજારની મંદી હવે ચિંતામાં મુકી રહી છે. આજે BSE સેન્સેક્સ 856.65 પોઈન્ટ ઘટીને 74,454.41 અને NSE નિફ્ટી 242.55 પોઈન્ટ ઘટીને 22,553.35 પોઈન્ટ પર બંધ થયો હતો.
નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં નિફ્ટી 50 અને સેન્સેક્સ લગભગ 4 ટકા ઘટ્યા છે. 27 સપ્ટેમ્બર 2024 ના સર્વોચ્ચ સ્તરથી, નિફ્ટી 13.8 ટકા અને સેન્સેક્સ 12.98 ટકા ઘટ્યો છે.
રોકાણકારોએ 4.38 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
આજે 24 ફેબ્રુઆરીના રોજ BSE સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 397.81 લાખ કરોડ થયું. પાછલા ટ્રેડિંગ દિવસે એટલે કે 21 ફેબ્રુઆરીએ તે 402.20 લાખ કરોડ રૂપિયા હતું. આ રીતે, BSE પર લિસ્ટેડ કંપનીઓના માર્કેટ કેપમાં 4.38 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ લગભગ 4.38 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
બજારમાં ઘટાડાના પહેલાંથી જ હતા સંકેત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત પર ટેરિફ લાદવાની વાત કરી છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ અમારા પર ટેરિફ લાદે છે, અમે તેમના પર ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે અમેરિકા પણ ભારત પર એ જ ટેરિફ લાદશે જેવો ભારત અમેરિકન માલ પર લાદે છે.
ગયા અઠવાડિયે એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, અમે ખૂબ જ ટૂંક સમયમાં પારસ્પરિક ટેરિફ લાદવાના છીએ – તેઓ અમારી પાસેથી ચાર્જ વસૂલ કરે છે, અમે તેમની પાસેથી ચાર્જ વસૂલીએ છીએ. પછી ભલે તે કંપની હોય કે દેશ જેમ કે ચીન અને ભારત. શેરબજારમાં ઘટાડાના સંકેતો પહેલાથી જ હતા.
હકીકતમાં સોમવારે ગિફ્ટ નિફ્ટી ખુલતાની સાથે જ તેમાં 150 પોઈન્ટના ઘટાડા (ગિફ્ટ નિફ્ટી ફોલ) સાથે ટ્રેડિંગ જોવા મળ્યું. આ ઉપરાંત ગયા શુક્રવારે યુએસ બજારો પણ મોટા ઘટાડા સાથે બંધ થયા હતા, જેની ભારતીય બજાર પર અસર થવાની ધારણા હતી. તમને જણાવી દઈએ કે ડાઉ જોન્સ 700 થી વધુ પોઈન્ટ ઘટીને બંધ થયો હતો, જ્યારે S&P 500 માં પણ 2 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.