મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાં જ શરૂ થયેલો ઘટાડો બજાર બંધ થાય ત્યાં સુધી વધતો રહ્યો અને અંતે બંને સૂચકાંકો ભારે ઘટાડા સાથે બંધ થયા. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 849 પોઈન્ટના ભારે ઘટાડા સાથે બંધ થયો, જ્યારે બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 255 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો.
આ દરમિયાન લાર્જ-કેપથી લઈને સ્મોલ-કેપ કંપનીઓના શેર ક્રેશ થયા. બજારમાં આ અચાનક મોટો ઘટાડો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા વધારાના 25% ટેરિફની ઔપચારિક સૂચના જારી કર્યા પછી આવ્યો.
સેન્સેક્સ 849પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી પણ તૂટયો
આજે મંગળવારે 81,377.39 પર ખુલ્યા બાદ BSE સેન્સેક્સ દિવસભર લાલ નિશાનમાં ટ્રેડિંગ કરતો જોવા મળ્યું અને 80,685.98 ના સ્તરે સરકી ગયો. શેરબજાર બંધ થયું ત્યાં સુધીમાં થોડી રિકવરી જોવા મળી હતી. છતાં સેન્સેક્સ આખરે 849.37 પોઈન્ટ એટલે કે 1.04% ના ઘટાડા સાથે 80,786.54 પર બંધ થયો.
આ ઉપરાંત નિફ્ટીએ પણ મોટા ઘટાડા સાથે ટ્રેડિંગનો અંત કર્યો. 24,899.50 પર ખુલ્યા પછી NSEનો આ ઇન્ડેક્સ ટ્રેડિંગ દરમિયાન 24,689.60 ના સ્તરે ગબડી ગયો અને અંતે 255.70 પોઈન્ટ અથવા 1.02% ઘટીને 24,713.05 પર બંધ થયો.
આ કંપનીઓના શેરમાં કડાકો
બજાર બંધ થવાના સમયે લાર્જ-કેપ કેટેગરીમાં સમાવિષ્ટ સનફાર્મા શેર (3.40%), ટાટા સ્ટીલ શેર (2.88%), બજાજ ફાઇનાન્સ શેર (2.67%), ટ્રેન્ટ શેર (2.45%), એમ એન્ડ એમ શેર (2.02%), બજાજ ફિનસર્વ શેર (2%), રિલાયન્સ સ્ટોક (2%) અને એક્સિસ બેંક શેર (1.86%) ઘટાડા સાથે બંધ થયા.
ટ્રમ્પ ટેરિફની મિડકેપ કેટેગરી પર અસરની વાત કરીએ તો તેમાં સમાવિષ્ટ PEL શેર (4.81%), જિલેટ શેર (3.49%), સોલર ઇન્ડ્સ શેર (3.44%), બંધન બેંક શેર (3.30%), MRF શેર (3.28%) ઘટાડા સાથે બંધ થયા હતા. જ્યારે સ્મોલકેપ કેટેગરીમાં સમાવિષ્ટ ઇન્ફોબીમ શેર (8.38%), JK પેપર શેર (7.38%) ઘટાડા સાથે બંધ થયા હતા.
ટ્રમ્પના ટેરિફ હુમલાથી બજાર ભયભીત
નોંધનીય છે કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% પારસ્પરિક ટેરિફ લાદ્યો હતો અને તે 1 ઓગસ્ટથી અમલમાં આવ્યો છે. ભારત દ્વારા રશિયન તેલ અને શસ્ત્રોની ખરીદીને મુદ્દો બનાવીને, તેમણે વધારાના 25% ટેરિફની જાહેરાત કરી અને આ વધારાનો ટેરિફ આવતીકાલથી એટલે કે 27 ઓગસ્ટ, 2025 થી લાગુ થવા જઈ રહ્યો છે.
ભારતમાંથી આયાત થતી ચીજવસ્તુઓ પર આ વધારાની ટેરિફ લાદવાની ઔપચારિક સૂચના અમેરિકા દ્વારા જારી કરવામાં આવી છે. આ પછી, ભારત બ્રાઝિલ સાથે સૌથી વધુ 50% ટ્રમ્પ ટેરિફ ધરાવતો દેશ બનશે. તેની અસર ઊર્જા, ફાઇનાન્સ સ્ટોક, બેંકિંગ અને સ્ટીલ સ્ટોકમાં ઘટાડાના સ્વરૂપમાં જોવા મળી.