Business

શેરબજાર ધબાય નમઃ, રોકાણકારોના 4 લાખ કરોડ સ્વાહા, જાણો બજાર કેમ તૂટ્યું…

નવી દિલ્હીઃ સ્થાનિક શેરબજાર ગુરુવારે નવી ઊંચાઈએ પહોંચી રેકોર્ડ બનાવ્યો હતો પરંતુ આજે શુક્રવારે આશ્ચર્યજનક રીતે બજાર તૂટ્યું હતું. અમેરિકન અર્થતંત્રની ચિંતા અને એશિયન બજારોમાં ઘટાડાને કારણે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. બેન્કિંગ, ઓટો, આઈટી અને એનર્જી શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે.

આજે દિવસની પ્રારંભે શરૂઆતના વેપારમાં BSE સેન્સેક્સ 814 પોઈન્ટ ઘટીને 81,026 પર જ્યારે નિફ્ટી50 પણ 282 પોઈન્ટ ઘટીને 24,728 પર પહોંચ્યું હતું. આ ઘટાડાને કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 4.26 લાખ કરોડ ઘટીને રૂ. 457.36 લાખ કરોડ થયું હતું. તમામ મુખ્ય ક્ષેત્રીય સૂચકાંકો ઘટ્યા હતા.

નિફ્ટી મેટલ અને પીએસયુ બેન્ક સૌથી વધુ 2% થી વધુ તૂટ્યા છે. નિફ્ટી સ્મોલકેપ 100 અને નિફ્ટી મિડકેપ 100 પણ 1% થી વધુ ઘટ્યા છે. દરમિયાન, ફૂડ એગ્રીગેટર ઝોમેટોના શેરમાં 10 ટકાનો ઉછાળો આવ્યો હતો. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો અનેક ગણો વધી ગયો છે. આ પછી CLSAએ આ શેરની લક્ષ્ય કિંમત વધારીને 350 રૂપિયા કરી દીધી છે.

સેન્સેક્સ લિસ્ટેડ કંપનીઓમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી ઈન્ડિયા, ટાટા સ્ટીલ, જેએસડબ્લ્યુ સ્ટીલ, લાર્સન એન્ડ ટુબ્રો, અદાણી પોર્ટ્સ, ટેક મહિન્દ્રા, એનટીપીસી અને ટેક મહિન્દ્રાના શેરને નુકસાન થયું હતું. જ્યારે HDFC બેન્ક, હિન્દુસ્તાન યુનિલિવર, એશિયન પેઇન્ટ્સ, નેસ્લે ઇન્ડિયા અને ITCના શેરમાં વધારો થયો હતો.

એશિયન બજારોમાં ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ, હોંગકોંગનો હેંગસેંગ, જાપાનનો નિક્કી અને દક્ષિણ કોરિયાનો કોસ્પી ખોટમાં રહ્યો હતો. ગુરુવારે અમેરિકન બજારો પણ નકારાત્મક વલણ સાથે બંધ થયા છે.

બજાર કેમ ઘટ્યું?
ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ 0.78 ટકા વધીને US$80.14 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યાં છે. શેરબજારના ડેટા અનુસાર વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ગુરુવારે મૂડીબજારમાં ખરીદદાર રહ્યા હતા અને તેમણે રૂ. 2,089.28 કરોડના શેરની ખરીદી કરી હતી.

અમેરિકી બજારોમાં ઘટાડાને પગલે ભારતીય ઈક્વિટી માર્કેટમાં પણ ઘટાડો નોંધાયો હતો. નબળા મેન્યુફેક્ચરિંગ ડેટાને કારણે યુએસ શેરોમાં ઘટાડો થયો હતો. આનાથી યુએસ અર્થતંત્રના ભાવિ અંગે શંકા ઊભી થઈ અને ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની શક્યતાઓ નબળી પડી.

Most Popular

To Top