Business

શેરબજારે રચ્યો નવો ઈતિહાસ, પહેલીવાર સેન્સેક્સ 85000ને પાર

નવી દિલ્હીઃ બે દિવસથી શેરબજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે. આજે મંગળવારે સવારે સેન્સેક્સ-નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા હતા. જો કે, આ ડાઉનફોલ લાંબો સમય ટકી શક્યો નહીં અને માત્ર 15 મિનિટના ટ્રેડિંગ પછી બીએસઈ અને નિફ્ટી બંને ગ્રીન ઝોનમાં આવી ગયા હતા. દરમિયાન ધીમી ગતિ છતાં શેરબજારમાં નવો ઈતિહાસ સર્જાયો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેરના સેન્સેક્સે વેગ પકડ્યો કે તરત જ તે 85,041.34ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. આ પહેલીવાર છે જ્યારે સેન્સેક્સ 85,000ના આંકને વટાવી ગયો છે. નિફ્ટી પણ 26000 ની નજીક ટ્રેડ કરી રહ્યો છે.

સકારાત્મક વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેર બજારની શરૂઆત ઘટાડા સાથે રેડ ઝોનમાં થઈ હતી. એક તરફ સેન્સેક્સ 130.92 પોઈન્ટ ઘટીને 84,860.73ના સ્તરે ખૂલ્યો હતો અને થોડા સમય બાદ આ ઘટાડો ઉછાળામાં ફેરવાઈ ગયો હતો અને સેન્સેક્સ 115 પોઈન્ટથી વધુ ઉછળીને 85,052.42ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.

બીજી તરફ જો નિફ્ટીની વાત કરીએ તો આ ઈન્ડેક્સ 22.80 પોઈન્ટના ઘટાડા સાથે 25,916.20 પર ખુલ્યો હતો અને સેન્સેક્સની જેમ ગ્રીન ઝોનમાં આવ્યા બાદ તે 25,978.90 સુધી કૂદકો લગાવ્યો હતો, જે તેની નવી ઓલ ટાઈમ હાઈ લેવલ છે.

આ અગાઉ ગઈકાલે પણ જૂના રેકોર્ડ તૂટ્યા હતા. દિવસના કારોબાર દરમિયાન BSE સેન્સેક્સ 84,651.15 ના સ્તર પર ખુલ્યો અને 84,980.53 ના સ્તરે પહોંચ્યો. આ પછી તે 384.30 પોઈન્ટના ઉછાળા સાથે 84,928.61ના સ્તરે બંધ રહ્યો હતો. NSE ના નિફ્ટીમાં પણ જોરદાર રન નોંધાયો હતો અને 25,872.55 ના સ્તર પર ખુલ્યા બાદ તે ટ્રેડિંગ દરમિયાન 25,956 ના સ્તર પર પહોંચી ગયો હતો. જોકે, બજાર બંધ થયું ત્યારે નિફ્ટી 148 પોઈન્ટના વધારા સાથે 25,939.05 ના સ્તર પર બંધ થયો હતો.

આ 10 શેરોએ ટેકો પૂરો પાડ્યો
આજે તા. 24 સપ્ટેમ્બરને મંગળવારના રોજ બજારની શરૂઆત દરમિયાન, લગભગ 1564 શેરોમાં વધારો થયો હતો, જ્યારે 787 શેર હતા જે લાલ રંગમાં ઘટાડા સાથે શરૂ થયા હતા, આ સિવાય, 159 કંપનીઓના શેરમાં કોઈ વધારો થયો ન હતો.

દરમિયાન સુસ્ત બજારને ટેકો આપનાર 10 શેરોમાં, ટાટા સ્ટીલનો શેર, જેમાં લાર્જ કેપ કંપનીઓનો સમાવેશ થાય છે, 3.41% વધીને રૂ. 159.20, JSW સ્ટીલનો શેર 2.36% વધીને રૂ. 1005, જ્યારે પાવરગ્રીડ શેર 1.69% વધીને રૂ. 347.25નો વેપાર કરતો હતો. આ સિવાય HDFC બેન્કનો શેર 1.02% વધીને રૂ. 1777.20 પર ટ્રેડ થઈ રહ્યો હતો અને ટાટા મોટર્સનો શેર 1%થી વધુ વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

Most Popular

To Top