Business

2024ના વર્ષના છેલ્લાં દિવસે શેરબજારમાં જોરદાર કડાકો, આ 10 શેર્સની કિંમત ખૂબ ઘટી

મુંબઈઃ વર્ષનો અંતિમ દિવસ એટલે કે 31મી ડિસેમ્બરે શેરબજાર માટે ખરાબ શરૂઆત રહી હતી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ ઈન્ડેક્સ (BSE SENSEX) ખુલતાની સાથે જ 450 પોઈન્ટથી વધુ ઘટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ (NSE નિફ્ટી) પણ 100 પોઈન્ટથી વધુ ઘટીને ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બજારમાં ઘટાડા વચ્ચે BSEના 30માંથી 26 શેર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે મંગળવારે વર્ષ 2024 ના છેલ્લા દિવસે, BSE સેન્સેક્સ તેના અગાઉના 78,248.13 ના બંધ સ્તરથી ઘટીને 77,982.57 ના સ્તરે ખુલ્યો. શરૂઆતના ટ્રેડિંગમાં જ તે 450 પોઈન્ટથી વધુ ઘટીને 77,779.99ના સ્તરે પહોંચી ગયો હતો. બીજી તરફ સેન્સેક્સની જેમ NSEના નિફ્ટી 50માં પણ ઘટાડો જોવા મળ્યો હતો અને આ ઇન્ડેક્સ તેના અગાઉના 23,644.90ના બંધ સ્તરને તોડીને 23,560 પર ખુલ્યો હતો. આ પછી આ ઘટાડો વધુ વધ્યો, જેના કારણે નિફ્ટી 100 પોઈન્ટથી વધુ ઘટીને 23,527.85 ના સ્તર પર આવી ગયો.

ઝોમેટોથી લઈને TCS સુધીના આ 10 શેરોમાં ઘટાડો
મંગળવારે શેરબજારમાં ટ્રેડિંગની શરૂઆત દરમિયાન ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સથી લઈને મુકેશ અંબાણીની રિલાયન્સ અને ટાટા ગ્રૂપની ટીસીએસ સુધીના શેરો તૂટી પડ્યા હતા. પરંતુ જો આપણે સૌથી વધુ અસ્થિર શેરો વિશે વાત કરીએ, તો ટેક મહિન્દ્રા શેર (2.27%), ઇન્ફાઇ શેર (1.94%), TCS શેર (1.83%) અને ઝોમેટો શેર (1.70%) ઘટાડા સાથે લાર્જ કેપ ટ્રેડમાં સામેલ હતા.

મિડકેપ કેટેગરીમાં સમાવિષ્ટ કંપનીઓમાં AWL શેર (7.28%), ગોદરેજ ઈન્ડિયા શેર (4.70%), AU બેંક શેર (4.46%), ભારતી હેક્સા શેર (2.78%) ડાઉન ટ્રેડ થઈ રહ્યા હતા. જ્યારે સ્મોલકેપ કેટેગરીમાં સૌથી વધુ ઘટતો સ્ટોક Ease My Trip હતો જે 9.44% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, આ સિવાય IXIGO શેર 3.74% ના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોમવારે પણ બજાર તૂટ્યું હતું
આ અગાઉ સોમવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જો કે લાંબા ઘટાડા બાદ છેલ્લા કેટલાક દિવસોથી શેરબજારમાં તેજીથી કારોબાર થઈ રહ્યો હતો. પરંતુ સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં ઘટાડાને કારણે જ્યારે બજાર બંધ થયું ત્યારે નિફ્ટી50 લગભગ 168 પોઈન્ટ ઘટીને 23644 પર બંધ થયો હતો, જ્યારે સેન્સેક્સ 450 પોઈન્ટના ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટી બેંકમાં પણ 335 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો.

Most Popular

To Top