આજે સોમવારે તા. 27 જાન્યુઆરીનું ટ્રેડિંગ સેશન ભારતીય શેરબજાર માટે નુકસાનનું રહ્યું. બજારમાં ચારેતરફ વેચવાલી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 824 પોઈન્ટ અથવા 1.08 ટકા ઘટીને 75,366 પર અને નિફ્ટી 263 પોઈન્ટ અથવા 1.14 ટકા ઘટીને 22,829 પર હતો. બજારમાં ઘટાડો મિડકેપ અને સ્મોલકેપ શેરોના કારણે થયો હતો. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 1,467 પોઇન્ટ અથવા 2.75 ટકા ઘટીને 51,795 પર હતો અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 651 પોઇન્ટ અથવા 3.84 ટકા ઘટીને 16,304 પર હતો.
ભારે ઘટાડાને કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ રૂ. 9 લાખ કરોડ ઘટીને રૂ. 410 લાખ કરોડ થયું છે. લગભગ તમામ બજાર સૂચકાંકો લાલ નિશાનમાં બંધ થયા છે. સૌથી વધુ ઘટાડો ઓટો, ફાર્મા, મેટલ, રિયલ્ટી, મીડિયા અને એનર્જી ઇન્ડેક્સમાં જોવા મળ્યો હતો.
નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો
બજારનો ટ્રેન્ડ પણ નેગેટિવ રહ્યો હતો. 3,519 શેર રેડ ઝોનમાં, 597 શેર ગ્રીન ઝોનમાં જયારે 118 શેર કોઈપણ ફેરફાર વગર બંધ થયા હતા. ICICI બેન્ક, HUL, M&M, SBI, મારુતિ સુઝુકી અને L&T સેન્સેક્સ પેકમાં ટોપ ગેઇનર હતા. HCL ટેક, ઝોમેટો, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, ઇન્ફોસિસ, ટાઇટન, ભારતી એરટેલ અને બજાજ ફાઇનાન્સ ટોપ લુઝર રહ્યાં હતા.
માર્કેટમાં ઘટાડાનું કારણ શું?
માર્કેટમાં ઘટાડાનું કારણ ટ્રમ્પની અસ્પષ્ટ વ્યાપારી નીતિઓ ગણાવવામાં આવી રહી છે. તાજેતરમાં અમેરિકાએ દક્ષિણ અમેરિકન દેશ કોલંબિયા પર 25 ટકા ટેરિફ લાદ્યા બાદ અનિશ્ચિતતા વધી છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે અમેરિકામાં ગેરકાયદેસર રીતે કોલંબિયામાં વસતા ઈમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના જવાબમાં લાદવામાં આવેલ 25 ટકા ટેરિફ ચિંતાનો વિષય છે. ટ્રમ્પે 1 ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ટ્રમ્પ ચીન અને અન્ય દેશો પર પણ કડક ટેરિફ લાદશે. જેને લઈને બજારમાં ચિંતા જોવા મળી રહી છે.
ભારતીય બજારો ઘટવાનું એક કારણ વૈશ્વિક બજારમાં નબળાઈ છે. અમેરિકન બજારોમાં નબળાઈ જોવા મળી રહી છે. તેનું કારણ એ છે કે ચીનના ઓછા ખર્ચે AI મોડલ ડીપસીકના આગમનથી Nvidia, OpenAI અને Google જેવી અગ્રણી ટેક્નોલોજી કંપનીઓના બિઝનેસ મોડલને અસર થવાની શક્યતા છે.
રોકાણકારોમાં શેનો ડર છે?
ગયા વર્ષ એટલે કે 2024 ભારતીય શેરબજારો માટે ખાસ હતું. કારણ કે છૂટક રોકાણકારોએ તેમની ભાગીદારીમાં વધારો કર્યો હતો. સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા બજારમાં ઘણા પૈસા આવ્યા અને શેરના ભાવમાં ઘણો વધારો થયો હતો.
નિષ્ણાતો કહે છે, જ્યારે ફંડ મેનેજરોને આટલી મોટી રકમ મળી, ત્યારે તેઓ પોતાની પાસે રોકડ રાખી શક્યા નહીં. તેથી તેમણે શેર ખરીદ્યા અને એવું કહી શકાય કે શેરની કિંમત ઘણી મોંઘી થઈ ગઈ. હવે વિદેશી સંસ્થાકીય રોકાણકારો શેર્સ વેચી બજારમાંથી બહાર નીકળી રહ્યા છે. છૂટક રોકાણકારોની ભાગીદારી વધી છે પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા ચાર વર્ષમાં મોટાભાગના રોકાણકારો બજારનું આ સ્વરૂપ પહેલીવાર જોઈ રહ્યા છે. તેથી તેઓમાં ડર વધ્યો છે.
નાના રોકાણકારો નર્વસ છે. તેઓ પોતાનું રોકાણ હવે અટકાવી રહ્યા છે. સત્તાવાર રીતે જાન્યુઆરી મહિનાના ડેટા પરથી જાણી શકાશે પરંતુ જે રીતે છેલ્લા કેટલાક સમયથી નવા રોકાણકારો માર્કેટમાં આવ્યા છે તે જોઈને તેઓ નર્વસ થાય તે સ્વાભાવિક છે.
