નવા મહિનાના પહેલાં દિવસે આજે મંગળવારે તા. 1 એપ્રિલે ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી. સવારે ખુલતાની સાથે જ બજાર તૂટ્યું હતું. એક કલાકના વેપાર દરમિયાન બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેર્સ વાળું સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તુટી ગયું હતું. ત્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુ ઘટ્યું હતું. પ્રારંભિક વેપારમાં જ ઈન્ફોસીસ અને એચસીએલ ટેક્સ જેવી મોટી કંપનીના શેર ભોંયભેગા થઈ ગયા હતા. બજારમાં આ મોટો ઘટાડો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રેસિપ્રોકલ ટૈરિફ (પારસ્પરિક ટેરિફ) લાગુ કરવાના એક દિવસ પહેલાં જોવા મળ્યો છે.
સેન્સેક્સ-નિફ્ટીની ખરાબ શરૂઆત
મંગળવારે શેરબજારમાં કારોબાર રેડ ઝોનમાં શરૂ થયો. બીએસઈ સેન્સેક્સ 76,882.58 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 77,414.92 થી ઘટીને 76,882.58 પર ખુલ્યો. આ પછી, તેમાં ઘટાડો થયો અને ટ્રેડિંગના એક કલાકમાં તે 1000 પોઈન્ટથી વધુ ઘટ્યો.
સવારે 11વાગ્યાની આસપાસ BSE સેન્સેક્સ 1112.74 પોઈન્ટ અથવા 1.43 % ઘટીને 76,310 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. સેન્સેક્સની જેમ નિફ્ટી પણ 23,341.10 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 23,519.35 થી તીવ્ર ઘટાડો થયો. થોડા જ સમયમાં તે 281.15 પોઈન્ટનો તીવ્ર ઘટાડો થયો અને 23,238.20 ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો.
આ 10 શેર સૌથી ખરાબ સ્થિતિમાં છે
શેરબજારમાં ભારે ઘટાડા વચ્ચે જો આપણે સૌથી વધુ ઘટેલા 10 શેર વિશે વાત કરીએ તો બજાજ ફિનસર્વ શેર (3.04%), ઇન્ફોસિસ શેર (3.03%), HDFC બેંક શેર (2.71%), બજાજ ફાઇનાન્સ શેર (2.52%), HCL ટેક શેર (2.30%), એક્સિસ બેંક શેર (2.10%) સહિતની લાર્જ કેપ કંપનીઓ નીચા સ્તરે ટ્રેડ થઈ રહી હતી. બીજી તરફ TCS શેર (2%), સનફાર્મા શેર (1.80%), ટેક મહિન્દ્રા શેર (1.65%) અને ટાઇટન શેર (1.60%) ઘટ્યા હતા.
મિડકેપ અને સ્મોલકેપ પર એક નજર
હવે મિડકેપ અને સ્મોલકેપ શેરો વિશે વાત કરીએ, તો મિડકેપમાં સમાવિષ્ટ PSB શેર (18.73%), UCO બેંક શેર (7.67%), વોલ્ટાસ શેર (5.98%), ગોદરેજ ઇન્ડિયા શેર (5.57%), M&M ફાઇનાન્સ (4.15%) ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. આ ઉપરાંત, સ્મોલ કેપ શેર્સમાં, હેટસન શેર (5.83%), ડોમ્સ શેર (5.52%), બ્લુ જેટ શેર (5%) પણ ઘટ્યા હતા.
ટ્રમ્પનો પારસ્પરિક ટેરિફ આવતીકાલથી
યુએસ રાષ્ટ્રપતિએ પારસ્પરિક ટેરિફની જાહેરાત કરી છે અને તે ભારત સહિત અન્ય દેશો પર આવતીકાલથી એટલે કે 2 એપ્રિલથી લાગુ થઈ શકે છે. આ ટ્રમ્પ ટેરિફે બજારમાં તણાવ વધાર્યો છે. સોમવારે જ્યારે ભારતીય શેરબજાર ઈદના અવસર પર બંધ હતું, ત્યારે એશિયન બજારોમાં ટેરિફનો ભય સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો. જાપાનના નિક્કીથી લઈને હોંગકોંગના હેંગસેંગ સુધી બધા જ શેરબજારો તૂટ્યા છે.
રેસિપ્રોકલ ટેરિફ શું છે?
પારસ્પરિક ટેરિફ એટલે જ્યારે એક દેશ બીજા દેશમાંથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ (આયાત ડ્યુટી) લાદે છે, ત્યારે બીજો દેશ પણ તે જ પ્રમાણમાં તે દેશના ઉત્પાદનો પર ટેરિફ લાદે છે. સરળ શબ્દોમાં કહીએ તો આને ‘ટીટ ફોર ટેટ’ નીતિ કહી શકાય. ઉદાહરણ તરીકે જો કોઈ દેશ અમેરિકન ઉત્પાદનો પર 10 ટકા આયાત ડ્યુટી લાદે છે, તો અમેરિકા પણ તે દેશમાંથી આવતા માલ પર 10 ટકા ટેરિફ લાદશે.
