છેલ્લા બે સપ્તાહથી ભારતીય શેરબજાર (INDIAN STOCK MARKET)માં ચાલી રહેલા સુધારા બાદ વિતેલા સપ્તાહ (LAST WEEK)માં બ્રેક વાગી હતી અને લાલ નિશાનમાં બંધ રહ્યા છે. કોરોનાના કેસો, વેકસીનની ધીમી ગતિના આર્થિક મોરચે અસર પડવાની ભીતિના પગલે ભારતીય શેરબજારમાં નફાવસુલીનું દબાણ જોવા મળ્યું હતું. ખાસ કરીને રોકાણકારોએ રોકડાના શેરોમાં જે ભારે ઉછળ્યા હતા, તેમાં નફો બુક કરતાં જોવા મળ્યા છે. જોકે, આગામી સપ્તાહમાં પણ બજારમાં કંપનીઓના પરિણામો અને વૈશ્વિક સંકેતો (WORLDS SIGN) બજારની ચાલ નક્કી કરશે.
હાલની સ્થિતિએ છેલ્લા કેટલાક દિવસોથી એફઆઇઆઇ (FII)ની સતત વેચવાલી જોવા મળી રહી છે. જે એક ચિંતાનો વિષય ગણી શકાય. અમેરિકાના યીલ્ડમાં આવી રહેલા ઉછાળાના પગલે વિદેશી રોકાણકારો ઉભરતા બજારોમાંથી એકઝીટ (INVESTORS EXIT) થઇ રહ્યાના અહેવાલો છે. જેની ભારતીય શેરબજારમાં નેગેટિવ અસર (NEGATIVE EFFECT) જોવા મળી રહી છે. આ ઉપરાંત, આગામી સપ્તાહમાં ભારતી એરટેલ, તાતા મોટર્સ, એચપીસીએલ, આઇઓસી, હિન્દાલ્કો તથા શ્રી સિમેન્ટ જેવા દિગ્ગજ કંપનીઓના ચોથા કવાર્ટરના પરિણામો જાહેર થનારા છે, જેની ઉપર પણ બજારની ચાલ જોવા મળશે. કોરોના સંક્રમણની સામે સરકાર વેકસીનેશન ડ્રાઇવના પ્રોગ્રેસ માટે શું પગલાં ભરશે તેની ઉપર પણ બજારની નજર મંડરાયેલી છે. વિશ્વભરમાં કોરોનાના કન્ફર્મ 16.11 કરોડ કેસો થયા છે. જે પૈકી 33.44 લાખ લોકોના મોત નિપજ્યાં છે. ભારતમાં 37.04 લાખ એકટીવ કેસો છે જ્યારે 2.62 લાખ લોકોના મોત થયા છે. જોકે, બે કરોડ લોકો ડિસ્ચાર્જ થયા છે.
મેક્રો ઇકોનોમી દ્રષ્ટિએ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ 17મી મેના રોજ જાહેર થનારા છે, જેની ઉપર બજારની નજર રહેશે. જ્યારે વૈશ્વિક સ્તરે ચીનનો લોન પ્રાઇમ રેટ એક વર્ષ અને પાંચ વર્ષ માટેના વ્યાજદર માટે 20મીએ નિર્ણય લેવાશે. જાપાનનો ફુગાવાનો દર પણ 20મીએ જાહેર થશે. અમેરિકાના ફેડરલ રિઝર્વની મીનીટસની બેઠક 19મી મેના રોજ જાહેર થશે. યુરોપમાં યુરોઝોનનો પ્રથમ કવાર્ટરનો જીડીપી દર (બીજો અંદાજ) 18મી મેના રોજ જાહેર થશે. વિતેલા સપ્તાહમાં સેન્સેક્સ 473.92 પોઇન્ટ એટલે કે 0.96 ટકા ઘટીને 49000 પોઇન્ટની સપાટી તોડીને 48732.55 પોઇન્ટ અને નિફ્ટી 145.35 પોઇન્ટ એટલે કે 0.98 ટકા તૂટીને 14700ની સપાટી તોડીને 14677.80 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 100.82 પોઇન્ટ એટલે કે 0.49 ટકા ઘટીને 20507.79 પોઇન્ટ અને સ્મોલકેપ ઇન્ડેક્સ 17.56 પોઇન્ટ એટલે કે 0.08 ટકા ઘટીને 22200.54 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આમ, લાર્જકેપ શેરોની સરખામણીએ બોર્ડર માર્કેટમાં સારૂં પ્રદર્શન જોવાયું હતું.
વિતેલા સપ્તાહમાં પ્રથમ દિવસે એશિયન બજારોમાં તેજીની ચાલના લીધે સતત ચોથા દિવસે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને સેન્સેક્સ 295.94 પોઇન્ટ એટલે કે 0.60 ટકા વધીને 49502.41 પોઇન્ટ અને નિફ્ટી 119.20 પોઇન્ટ એટલે કે 0.80 ટકા વધીને 14900 પોઇન્ટની સપાટી કૂદાવીને 14942.35 પોઇન્ટના મજબૂત બંધ રહ્યા હતા. બીજા દિવસે શેરબજારમાં ચાર દિવસથી ચાલી રહેલી તેજીને બ્રેક વાગી હતી અને વૈશ્વિક નકારાત્મક સંકેતોના પગલે સેન્સેક્સ 340.60 પોઇન્ટ એટલે કે 0.69 ટકા ઘટીને 49161.81 પોઇન્ટ અને નિફ્ટી 91.60 પોઇન્ટ એટલે કે 0.61 ટકા ઘટીને 14850.75 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. ગુરૂવારે રમઝાન ઇદના પગલે બુધવારે વીકલી એકસપાયરીના લીધે બેઉતરફી વધઘટે બજાર નરમ રહ્યું હતું. સેન્સેક્સ 471.01 પોઇન્ટ એટલે કે 0.96 ટકા ઘટીને 48690.80 પોઇન્ટ અને નિફ્ટી 154.25 પોઇન્ટ એટલે કે 1.04 ટકા ઘટીને 14696.50 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આમ, વીકલી એકસપાયરી લાલ નિશાનમાં બંધ રહી હતી. ગુરૂવારે રમઝાન ઇદના પગલે બજાર બંધ રહ્યા હતા.
શુક્રવારે સપ્તાહનો અંતિમ દિવસ હોવાથી અને બે દિવસની રજા હોવાના કારણે બજારમાં તોફાની વધઘટ જોવા મળી હતી અને ખાસ કરીને રોકડાના શેરોમાં નફાવસુલી જોવા મળી હતી. કોરોનાના કેસો તથા વેકસીનેશન ડ્રાઇવમાં સ્પીડના અભાવની અસર જોવા મળી હતી, તેની સાથે વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ પણ બજારને લાલ નિશાનમાં લઇ ગયું હતું. જોકે, બેઉતરફી તોફાની વધઘટના કારણે સેન્સેક્સ-નિફ્ટીમાં સામસામી રાહ સાથે સપાટ બંધ રહ્યા હતા. શુક્રવારે સેન્સેક્સ 41.75 પોઇન્ટ સુધરીને 48732.55 પોઇન્ટ સુધારા સાથે બંધ રહ્યો હતો, જ્યારે નિફટી 18.70 પોઇન્ટ ઘટીને 14677.80 પોઇન્ટનો નરમ બંધ રહ્યો હતો. વિતેલા સપ્તાહમાં પસંદગીના શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં યુપીએલ 18.24 ટકા, ડો. રેડ્ડીઝ 0.43 ટકા વધ્યા હતા, જ્યારે એચડીએફસી 2.98 ટકા ઘટયો હતો. સપ્તાહના અંતિમ દિવસે રિલાયન્સમાં પણ સુધારો જોવાયો હતો. લાર્જકેપ શેરોમાં મેટલ શેરોમા ભારે ઘટાડો નોંધાયો છે. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસીમ, બંધન બેન્ક, હિન્દાલ્કો, અદાણી પોર્ટે બજારમાં દબાણ લાવવાનું કામ કર્યુ હતુ. જ્યારે ગોદરેજ કન્ઝયુમર, તાતા મોટર્સ ડીવીઆર, એશિયન પેઇન્ટસ, સીમેન્સ અને કોલ ઇન્ડિયામાં ઉછાળો જોવાયો હતો.
સ્મોલકેપ શેરોમાં ન્યુલેન્ડ લેબ, વૈભવ ગ્લોબલ, તાતા મેટાલીક, હેપીએસ્ટ માઇન્ડ, સ્ટર્લીગ વીલસન, ટીનપ્લેટ, સીકવન્ટ સાયન્ટીફીક, સનફલેગ, કલ્યાણી સ્ટીલ અને ઇન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશનમાં 10થી 12 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જ્યારે વેન્કીઝ, ગુફીક, જેપી પાવર, બજાજ હિન્દુસ્તાન અને નાથ બાયોમાં 25થી 33 ટકાનો ઉછાળો નોંધાયો હતો. વિતેલા સપ્તાહમાં સેન્સેકસમાં સૌથી વધુ માર્કેટ કેપમાં ટીસીએસમાં ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ એચડીએફસી બેન્ક અને કોટક બેન્કનો સમાવેશ થાય છે. બીજી તરફષ એશિયન પેઇન્ટસના માર્કેટ કેપમાં વૃદ્ધિ જોવા મળી છે. વિતેલા સપ્તાહમાં તમામ સેકટરોમાં મેટલ ઇન્ડેકસમાં સૌથી વધુ કડાકો બોલાયો છે. જેનું સૌથી ખરાબ પ્રદર્શન જોવાયું હતું, જેમાં 4.5 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યારબાદ આઇટી અને રિયલ્ટી ઇન્ડેક્સ ક્રમશઃ 2.6 ટકા અને 2.3 ટકા ઘયા છે. જ્યારે નિફ્ટી પીએસયુ બેન્ક ઇન્ડેક્સ 3.6 ટકા અને નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ 2.3 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
વિતેલા સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાંથી રૂ. 3620.75 કરોડની વેચવાલી કરી છે. જ્યારે લોકલ ફંડોની રૂ. 1244.03 કરોડની વેચવાલી જોવા મળી છે. જ્યારે મે મહિનામેં વિદેશી રોકાણકારોએ રૂ. 8713.25 કરોડની વેચવાલી કરી છે. જ્યારે ડીઆઇઆઇએ રૂ. 891.20 કરોડની ખરીદી કરી છે.