Comments

હજી તો એ દિશામાં પહેલું ડગ માંડ્યું. રાજમાર્ગ ક્યારે?

કોઈ પણ દિશામાં ભરાયેલા પ્રથમ પગલાનું મહત્ત્વ આગવું હોય છે. વણખેડાયેલી દિશા તરફનો એ આરંભ સૂચવે છે. આવી એક પહેલ સૂચવતી બે ઘટનાઓ સમાચારમાં ચમકી. એ પૈકીની એક એટલે ગયા સપ્તાહે મહારાષ્ટ્રના થાણેમાં ‘પિરીયડ રૂમ’નો આરંભ. મહિલાઓ માટે અનિવાર્ય એવા માસિક ધર્મને ધ્યાનમાં રાખીને થાણેના લોકમાન્ય તિલક નગરમાં તે શરૂ થયું.

એક માળના આ મકાનમાંનાં દસ શૌચાલયો પૈકી એકનો ઉપયોગ ‘પિરીયડ રૂમ’ તરીકે કરવામાં આવશે. તેમાં ટોઈલેટ રોલ હોલ્ડર, જેટ સ્પ્રે, સાબુ, પાણી અને કચરાપેટીની સુવિધા છે. માસિક ધર્મ દરમિયાન મહિલાઓ તેનો ઉપયોગ પોતાની જરૂરિયાત માટે કરી શકશે.

એકવીસમી સદીના ત્રીજા દાયકામાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ અને આપણા નેતાઓ દેશને વિશ્વગુરુ બનાવવાનાં સપનાં દેખાડી રહ્યાં છે ત્યારે આ નાનકડું કદમ અતિ મહત્ત્વનું કહી શકાય એવું છે. નારીઓ પૂજાય ત્યાં દેવતાઓનો વાસ હોય છે, એ બાબતનું ઠાલું ગૌરવ આપણે લેતા આવ્યા છીએ.

ઠાલું એટલા માટે કે આપણા દેશમાં કોઈ પણ જાહેર સ્થળે મહિલાઓ માટે શૌચાલયની સુવિધા શોધવા જાવ તો ખબર પડી જાય કે આપણે તેમની કેવી અને કેટલી દરકાર કરીએ છીએ. પહેલાં તો મહિલાઓ માટેનાં શૌચાલય ભાગ્યે જ મળશે. એ હશે તો તેની સંખ્યા પુરુષો માટેનાં શૌચાલયની સરખામણીએ સાવ ઓછી હશે. જ્યાં એ સુવિધા હશે ત્યાં મોટે ભાગે શૌચાલયને તાળું મારેલું હશે. સાંજ પછી તો ખાસ! નસીબજાગે તાળું નહીં મારેલું હોય તો એ સ્થળ એટલું ગંદું અને ઘણા કિસ્સામાં તો અસલામત હશે કે ત્યાં જવાનું કોઈ પણ મહિલા ટાળે.

ત્યાં પાણી અને વીજળીની સુવિધા જવલ્લે જ હશે. આનો અર્થ શું એમ કરવો કે મહિલાઓ ઘરની બહાર નીકળતી નથી? અથવા તો તેમણે નીકળવું ન જાઈએ? અને બહાર નીકળે તો ઉત્સર્ગક્રિયાઓ ઘેર જ પતાવીને નીકળવું? સાવ સામાન્ય કહી શકાય એવી, રોજબરોજની ઉત્સર્ગક્રિયાની સુવિધા માટે આવી સ્થિતિ હોય ત્યાં માસિક ધર્મ માટેની અલાયદી સુવિધાની અપેક્ષા વધુ પડતી લાગે.

ટી.વી. પર થતા સેનિટરી નેપકીનની જાહેરખબરોના મારામાં જે તે બ્રાન્ડના સેનિટરી નેપકીનના ઉપયોગને નારીની મુક્તિનું પ્રતીક ગણાવવામાં આવે છે. એ જોઈને એમ જ લાગે કે બસ, હવે મહિલાઓ આધુનિક બની ગઈ છે અને માસિક ધર્મ એ છુપાવવાની નહીં, બલ્કે સહજ બાબત છે એ હકીકત સ્વીકૃત થઈ ગઈ છે. પણ જાહેરખબરની દુનિયામાંથી વાસ્તવિક વિશ્વમાં આવીએ ત્યારે સમજાય છે કે હકીકત સાવ વિપરીત છે.

માસિક ધર્મની વાત દૂર રહી, હજી ધર્મસ્થાનોમાં મહિલાઓએ અમુકતમુક પ્રકારનાં વસ્ત્રો પહેરીને પ્રવેશ ન કરવાની સૂચનાઓ જોવા મળે છે.બે એક વર્ષ પહેલાંના એક અંદાજ અનુસાર દેશની કેવળ અઢાર ટકા મહિલાઓ માસિક ધર્મ દરમિયાન જરૂરી સામગ્રીનો ઉપયોગ કરે છે. આનો ઉપયોગ ન કરવા માટેનાં કારણો અનેક છે, જેમાં જાગૃતિ કે જાણકારીનો અભાવ તો ગૌણ બાબત છે. ગરીબી, ગેરમાન્યતાઓ, શિક્ષણનો અભાવ ઉપરાંત પરંપરા તેમ જ સંસ્કૃતિનું ગૌરવ પણ એક પરિબળ છે.

હવે જાગૃતિ વધતી જણાય એમ લાગે, સરકારી રાહે તેમ જ સ્વૈચ્છિક સંગઠનો ઉપરાંત વ્યક્તિગત સ્તરે પણ આ અંગે જાગૃતિ લાવવાનું કામ થઈ રહ્યું હોવાનું જણાય, છતાં આ આંકડો સૂચવે છે કે કેટલા મોટા પાયે કામ કરવાનું હજી બાકી છે. આ ક્રિયા સાથે સંકળાયેલી ગેરમાન્યતાઓ અને તેને પગલે આચરવામાં આવતા ભેદભાવ વ્યક્તિગતથી લઈને જાહેર સ્થળો સુધી જોવા મળે છે- જા આંખ ખુલ્લી રાખીએ તો.

આવા માહોલમાં ગયા નવેમ્બર મહિનામાં સ્કોટલેન્ડે એક અભૂતપૂર્વ પગલું ભર્યું. એ દેશની સંસદે સર્વાનુમતે ખરડો પસાર કર્યો કે માસિક ધર્મને લગતાં તમામ ઉત્પાદનો તદ્દન નિઃશુલ્ક પૂરાં પાડવામાં આવશે. આની જવાબદારી સ્થાનિક સત્તાતંત્રને શિરે રહેશે. આ અગાઉ આશરે બે હજાર સ્કોટ યુવતીઓના એક સર્વેક્ષણમાં જણાયું હતું કે દર ચાર યુવતીએ એકને આ ઉત્પાદનો મેળવવામાં મુશ્કેલી પડે છે, જે માટે ગરીબીથી લઈને ગેરમાન્યતા સુધીનાં પરિબળો જવાબદાર હોય છે.

બે વર્ષના સમયગાળામાં આ સમગ્ર વ્યવસ્થા પૂર્ણરૂપે ઊભી કરવાની રહેશે. આ જાણીને, બેશક આનંદ થાય એવું છે, છતાં એ ભૂલવું ન જોઈએ કે આમ કરનાર સ્કોટલેન્ડ  વિશ્વનો સૌ પ્રથમ અને હજી સુધી એક માત્ર દેશ છે.

આનો અર્થ એમ કરી શકાય કે માસિક ધર્મ બાબતે ઓછીવત્તી ગેરસમજ અને તેની સુવિધા યોગ્ય રીતે પૂરી પાડવા બાબતે વિશ્વભરના દેશો ખાસ અલગ નથી. જે દેશોનું ચાલકબળ નાગરિકધર્મ નહીં, પણ કેવળ ધર્મ છે ત્યાં આ પરિસ્થિતિ ઓર વિકટ હોવાની અને તે બદલાય એવી શક્યતા ઓછી રહેવાની. કેમ કે, ખુદ મહિલાઓએ પણ એ સ્થિતિ સ્વીકારી લીધેલી હોય છે. સાવ પાયાની ગણાતી, અનિવાર્ય હોવી જોઈએ એવી આ સુવિધાને જો આધુનિકતાની નિશાની ગણવામાં આવે તો ખરેખરી આધુનિકતા હજી સેંકડો કિલોમીટર દૂર છે એમ માનવું.

થાણે ખાતે ખુલ્લા મૂકાયેલા ‘પિરીયડ રૂમ’નું એ દૃષ્ટિએ મહત્ત્વ જરૂર છે. જોવાનું એ રહે છે કે પહેલું પગલું એ દિશામાં ભર્યા પછી એ દિશામાં કેડી અને આગળ જતાં માર્ગ બને છે કે પછી માત્ર પહેલા પગલાથી જ ઈતિશ્રી માની લેવામાં આવે છે. દરમિયાન આ બાબતે માનસિકતા બદલતા જવાની કવાયત વ્યક્તિગત અને પારિવારિક સ્તરે કરતાં જવી જરૂરી છે. કેમ કે, એ કામ સરકારના હાથમાં નથી.    

  • આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top