Entertainment

હજુ પણ અજય?

દિવાળીએ પોતાની ફિલ્મ રિલીઝ થાય તે માટે દરેક મોટા સ્ટાર્સ યોજના બનાવતા હોય છે. પણ આ વખતે દિવાળીએ એવું કોઇ ટેનશન નથી. ખાન ત્રિપુટીઓની એકેય ફિલ્મ નથી અને તેના પછી ઋતિક રોશન ગણો તો તેની ય ફિલ્મ નથી. અજયકુમારની ફિલ્મ ગયા અઠવાડિયે જ રજૂ થઇ એટલે અજય દેવગણની ફિલ્મ રજૂ થશે – ‘થેન્ક ગોડ!’ હકીકતે સુરજ બડજાત્યાની ‘ઊંચાઇ’ને દિવાળી માટે વધુ યોગ્ય ગણી શકાય હોત પણ તે ૧૧ નવેમ્બરે રજૂ થઇ રહી છે. તેની સાથે જ કરણ જોહરની ‘યોધા’ રજૂ થવાની છે જેમાં સિધ્ધાર્થ મલ્હોત્રા, દિશા પટની છે. અજય દેવગણની ‘થેન્ક ગોડ’ આ ફિલ્મો માટે અને દિવાળી માટેનું વાતાવરણ બનાવી શકશે?

પોપ્યુલર સ્ટાર તરીકેનો અક્ષયકુમાર પરના વિશ્વાસમાં હમણાંની નિષ્ફળ ફિલ્મોએ ચિંતા ઉમેરી છે એવું અજય વિશે હજુ નથી બન્યું. હા, આ વર્ષમાં રજૂ થયેલી તેની જે ફિલ્મો સફળ ગણો તેમાં તે મુખ્ય સ્ટાર નહોતો. ‘ગંગુબાઇ કાઠિયાવાડી’ આલિયાની તો ‘આરઆરઆર’ ને જૂનિયર એન.ટી.આર. અને રામચરણ તેની લીડ કરતા હતા. ‘રનવે ૩૪’ માં અજય જ મુખ્ય હતો પણ ફિલ્મ ચાલી નહોતી. હવે ‘થેન્ક ગોડ’ અને ‘દૃશ્યમ-2’ માં તે સ્કોર કરે એવી અપેક્ષા છે. ‘થેન્ક ગોડ’નું દિગ્દર્શન ઇન્દ્રકુમારે કર્યું છે.

હમણાં હમણાં તે કોમેડી ફિલ્મ બનાવતો હતો પણ ‘થેન્ક ગોડ’ એક સામાજીક આદર્શ ધરાવતી ફિલ્મ છે. અને સાથે સિધ્ધાર્થ મલ્હોત્રા પણ છે. અજયે આ ફિલ્મમાં સાઉથના સ્ટાર્સની જેમ દાઢી પણ રાખી છે અને તે પણ કાળી-સફેદ. પોતાના ચાહકો સાથે તે પોતાની ઉંમર જાહેર કરી રહ્યો છે જેથી હવે પછીની ફિલ્મમાં તે પૌઢ દેખાય તો પ્રેક્ષકો વાંધો ન લે.

અજયથી પ્રેક્ષકોની દિવાળી સુધરી કે અજયની? જરૂર તો બંનેની છે. હવે તેની ‘ભોલા’ તો માર્ચ મહિનામાં રજૂ થશે. ‘મૈદાન’ તો કયારની અટકી પડેલી છે. પણ તે ‘ગોબર’ અને તેલુગુ ફિલ્મ ‘નાન્ધી’ની રિમેક પણ બનાવી રહ્યો છે. ‘થેન્ક ગોડ’નો નિર્માતા પણ તે જ છે અને તે પોતાના પ્રોડકશનની ફિલ્મોની વધારે કાળજી રાખે તે સ્વાભાવિક છે. જોકે લોકો તેને ફરી સિંઘમ રૂપે જોવા ઇચ્છે છે. એમ સમજો કે તેને હવે સિંઘમની નજરકેદમાં છે. પણ તે અજય સાલગાંવકરના પાત્રને, એટલે કે દૃશ્યમના પાત્રને પણ સિંઘમના સ્તરે લઇ જવા માંગતો હોય એમ લાગે છે.

અજય હવે સમજી ગયો છે કે અમુક પાત્રો ફેમસ થાય તો તેને આગળ વધારી શકાય છે. ‘દૃશ્યમ-2’ની સફળતા વિશે તો અત્યારથી દાવા થાય છે કે તે ૫૦૦ કરોડથી વધારે કમાશે. જો એમ થાય તો મુંબઇનો ફિલ્મોદ્યોગ તેની ઇર્ષા નહીં કરશે બલ્કે આનંદ વ્યકત કરશે. હમણાં ૫૦૦ કરોડનો આંકડો પાર થતો જ નથી. તો ભલે થતો. અજય વિશે એટલું જ કહી શકાય કે તે પોતાની સાથે વિશ્વસનીય લાગે એવી ફિલ્મોમાં જ કામ કરે છે અને તે બીજા નિર્માતાને નુકશાન કરતો નથી. અત્યારની બે ફિલ્મ જો ચાલી તો તે ફરીવાર બોકસ ઓફિસનો રાહુલ દ્રવિડ પૂરવાર થશે. •

Most Popular

To Top