એક શ્રીમંત શેઠ ..રોજ સવારે ઘરેથી નીકળીને બરાબર આઠના ટકોરે મંદિરપહોંચી ભગવાનના દર્શન અને આરતી કરવાનો નિયમ ….આ નિયમ તેઓ ક્યારેય તોડે નહિ અને મંદિરમાં ભગવાનની આરતી કર્યા બાદ જ તેઓ પેઢીએ જાય અમે દિવસનું કામ શરુ કરે.આ નિયમમાં એક મીનીટનું મોડું થાય તો શેઠનું મગજ ગરમ થઇ જાય અને શેઠાણી અને નોકરો બધાનું જ આવી બને.શેઠ પોતે મોડ પડે પણ ગુસ્સો બધા પર કાઢે.બધા તેમનાથી ડરે. હવેલીથી મંદિર પહોંચવામાં રસ્તામાં કોઈ મળે અને રામ રામ કરે પણ શેઠ જવાબ આપવો હોય તો આપે…કોઈ કઈ પૂછે તો પણ જવાબ આપવો હોય તો આપે.અને કોઈ કઈ મદદ માંગી લે તો તો શેઠનું દિમાગ સાતમે આસમાને પહોંચી જાય;
ગુસ્સે થઇ અપમાન કરી હાંકી કાઢે.મંદિરની બહાર પણ ભિખારીઓને એક રૂપિયો ન આપે.હડધૂત કરે.અને મંદીરની અંદર જઈ પોતાના પૈસાનો રૂઆબ મારી બધાથી આગળ ઉભા રહી જાય.એકદિવસ શેઠને મોડું થયું તો પુજારીએ આરતી શરુ કરી દીધી અને શેઠ આવ્યા ત્યારે આરતી પૂરી થવા આવી શેઠનો મગજનો પારો ચઢી ગયો.તેઓ પુજારી પર ગુસ્સે થઇ ગયા અને બોલ્યા, ‘પુજારી, હું રોજ મંદિરે આવું છું અને પહેલી આરતી હું જ કરું છું તો આજે તારી હિંમત કેવી રીતે થઇ મારા વિના આરતી શરુ કરી દેવાની ….હવે હું મંદીરમાં કોઈ દાન નહિ આપું અને તને પણ અહીંથી બહાર કઢાવીશ.’ આજુબાજુ હાજર રહેલા ભક્તજનો શેઠનો ગુસ્સો જોઇને આભા બની ગયા અને થોડા ડરી ગયા.પુજારી આ વર્તન અને અપમાનથી ભોઠા પડવાની બદલે હસવા લાગ્યા.બધાને થયું કે શેઠે આટલું અપમાન કર્યું છતાં પુજારી હસે છે શા માટે ?? પુજારીને હસતા જોઇને શેઠને વધુ અપમાન લાગ્યું તેઓ જોરથી બરાડ્યા કે, ‘પુજારી તું હસે છે શું કામ ??”
પુજારી બોલ્યા, ‘શેઠ હું તો જાણતો જ હતો કે આજ સુધી તમારા ચરણ જ ભગવાન સુધી પહોંચે છે અને આજે તમે સાબિત પણ કરી દીધું..’ શેઠને કઈ સમજાયું નહિ તેઓ થોડા ઓછપાયા અને પછી બોલ્યા, ‘એટલે તમે શું કહેવા માંગો છો ???’ પુજારીએ કહ્યું, ‘શેઠ તમે વર્ષોથી તમારા ચરણોની મદદથી મંદિર સુધી આવો તો છો પણ કયારે ઈશ્વર નજીક પહોંચ્યા નથી.ભલે તમારા ચરણ તમને મંદિર સુધી રોજ લઇ આવે છે પણ તમારું આચરણ તો એવું છે કે તમે ઈશ્વર સુધી ક્યારેય પહોંચી જ ન શકો.હંમણા જ થોડીવાર પહેલા તમે તેનો નમુનો રજુ કર્યો છે.ઈશ્વર સમીપ પહોંચવા માટે સારું ..સરળ …સ્નેહસભર આચરણ જોઈએ માત્ર ચરણ પર ચરીને અહીં આવવાથી કઈ નહિ થાય.’ શેઠની આંખો ખુલી ગઈ. જોજો ચેતતા રહેજો કે માત્ર ચરણ મંદિર સુધી ન લઇ જાય; આચરણ એવું રાખજો કે ભગવાન સમીપ પહોંચી શકાય.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.