SURAT

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલની સુરત ખાતેની AMNS કંપનીના આ પ્લાન્ટને ક્લોઝર નોટિસ અપાઈ, હવે શું?

સુરત: હજીરામાં વિવાદનું કેન્દ્ર બનેલી એએમએનએસ (AMNS) કંપનીમાં આગકાંડ બાદ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થ ડિપાર્ટમેન્ટએ તાત્કાલિક અસરથી ક્લોઝર ફટકારી દીધી છે.

– હજીરાની AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટને ક્લોઝર નોટિસ ફટકારાઈ
– કંપનીમાં ટેકનિકલ તપાસ શરૂ કરાશે, સલામતીના તમામ પગલા નહીં લેવાય ત્યાં સુધી પ્લાન્ટ બંધ રહેશે: ઈન્ડસ્ટ્રિયલ સેફ્ટીના જો. ડાયરેકટર

સુરત શહેરને અડીને આવેલી હજીરાની એએમએનએસ કંપનીમાં 31 ડિસેમ્બર 2024ના રોજ કોરેક્સ-2 પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ધડાકાભેર લાગેલી આગને પગલે ચાર કર્મચારીઓ ઉપર ધગધગતો ધાતુના પ્રવાહીનો લાવા પડ્યો હતો. જેને પગલે 4 કર્મચારી સ્થળ ઉપર જ મોતને ભેટ્યા હતા. આ ઘટનામાં ગુજરાત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી એન્ડ હેલ્થે તપાસ ચાલુ કરી છે.

આ અંગે પૂછપરછ કરતાં આ વિભાગના જોઇન્ટ ડાયરેક્ટર આર.એ.પટેલે કહ્યું હતું કે, કંપનીમાં ટેક્નિકલ તપાસ ચાલુ કરાશે. હાલ આ પ્લાન્ટ જ્યાં સુધી સલામતીનાં તમામ પગલાં ભરી પૂર્તતા ન થાય ત્યાં સુધી બંધ રાખવા સૂચના આપી દેવાઇ છે. આ કંપનીને ફેક્ટરી હેલ્થ એક્ટ-1948 હેઠળ ક્લોઝર ફટકારી દેવાઈ છે.

AMNS કંપનીના કોરેકસ-ટુ પ્લાન્ટની કરૂણાંતિકામાં કલેકટરે તપાસના આદેશ આપ્યા
સુરત: શહેરને અડીને આવેલા હજીરા બેલ્ટની એએમએનએસ કંપનીના સ્ટીલ પ્લાન્ટમાં 31 ડિસેમ્બર 2024ના રોજ બનેલી આગની દુર્ઘટનામાં જિલ્લા કલેકટર તંત્રએ તપાસના આદેશ આપ્યા છે.

  • નાયબ કલેકટર ઓલપાડ પ્રાંત તલસાણીયાને બે દિવસમાં રિપોર્ટ સબમીટ કરવા ફરમાન
  • રિપોર્ટ બાદ કંપની સામે વધુ તપાસની જરૂર પડશે તો કમિટીની રચના કરાશે

હજીરા ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં ગઇકાલે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીમાં આગની કરૂણ હોનારત બની હતી. આ ઘટનામાં કંપનીના કોરેકસ-2 પ્લાન્ટમાં કામ કરી રહેલા ચાર કર્મચારીનાં મોત થયા હતા. પ્લાન્ટના અંદરના ભાગે લિફટની મરામત માટે કોન્ટ્રાકટથી કામ કરતી યુ.ડી. એલીવેટરની ટીમ કામ કરી હતી, તે અરસામાં ટ્યુબ ધડાકાભેર ફાટતાં પ્રવાહી ધાતુનો ધગધગતો લાવા કર્મચારીઓ ઉપર પડ્યો હતો. જેને પગલે ચારેય જણાનાં કરૂણ મોત થયા હતા.

આ ઘટના લાંબા સમય સુધી છુપાવી રાખવા કંપનીએ ભારે ધમપછાડા કર્યા હતા. પરંતુ પરિવારજનોએ ઘરે નહિ પહોંચેલા કર્મચારીઓની ભાળ કાઢતા આખી ઘટના બહાર આવી હતી. કંપનીએ સરકારી તંત્રને પણ આ ઘટનાથી અજાણ રાખ્યું હતું. આ અંગે રાતે લોકોના ટોળેટોળા કંપની બહાર ધસી જતા આખરે વાત બહાર આવી હતી.

આ ઘટનામાં જિલ્લા કલેકટર તંત્રએ તપાસના આદેશ આપ્યા છે. પ્રશાસને નાયબ કલેકટર ઓલપાડ પ્રાંત પાર્થ તલસાણીયને તપાસ સોંપી છે. બે દિવસમાં તપાસ બાદ જે રિપોર્ટ આવશે તે મુજબ કંપની સામે વધુ તપાસની જરૂર પડશે તો કમિટિની રચના કરાશે.

Most Popular

To Top