વડોદરા: સ્ટીલ અને સિમેન્ટ કંપની દ્વારા ભાવ વધારો ઝીંકાતા વડોદરાના બિલ્ડર ગ્રુપ ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ક્રેડાઈ ગ્રુપે સિમેન્ટ અને સ્ટીલના ભાવ વધારાથી ફક્ત મકાન મોંઘા નહીં થાય પરંતુ મોંઘવારી વધશે તેમ જણાવી આ આંદોલનની શુક્રવારથી શરૂઆત કરી એક દિવસના બંધની જાહેરાત કરી છે.
હાલમાં સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદક કંપનીઓ ગેરકાયદેસર રીતે કાર્ટેલ કરીને કોઈપણ કારણ વગર તદ્દન ગેરવ્યાજબી રીતે અસહ્ય ભાવવધારો કર્યો છે. સ્ટીલ, સિમેન્ટ બ્લોકસ,પેવર્સ ઈંટો, સેનેટરી આઈટમ્સના ભાવો પણ વધી ગયા છે.
જેનાથી બાંધકામની પડતર કિંમત વધી હોવાથી સમગ્ર દેશમાં બાંધકામ વ્યવસાય કારો દ્વારા તેનો સખત વિરોધ થયો છે. અને આ ભાવ વધારાને કારણે ના છૂટકે બિલ્ડરોએ મકાન વેચાણ કિંમતમાં 15 ટકાથી 20 ટકાનો ભાવ વધારો અમલમાં લાવવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. સરકારે આહવાન કર્યું હતું કે દરેકનું ઘરનું સ્વપન સાકાર થશે.આ ભાવ વધારાથી મકાનની કિંમતમાં આશરે 20 ટકા વધારો આવવાને કારણે લોકોના સ્વપ્નનું ઘર લેવાનું સ્વપ્ન રોળાશે એમ લાગી રહ્યું છે