પલસાણા: સુરત (Surat) જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે તસ્કરો સોના-ચાંદીના દાગીના કે રોકડ જેવી કીમતી ચીજવસ્તુઓની ચોરી (Stealing) કરતા હોય છે. પરંતુ કડોદરામાંથી તસ્કરો વોચમેનને બંધક બનાવી ગોડાઉનમાંથી 10.45 લાખ રૂપિયાના ગુટખાની ચોરી કરી જતાં ચકચાર મચી ગઈ હતી. લૂંટની ઘટના CCTVમાં કેદ થઈ છે. પોલીસે (Police) અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સુરત જિલ્લાના બારડોલી, કડોદરા અને ચલથાણ વિસ્તારમાં રોજેરોજ ચોરીની ઘટના બની રહી છે. ત્યારે કડોદરામાં વધુ એક લૂંટની ઘટના બનતાં પોલીસ દોડતી થઈ ગઈ છે. કડોદરા ચાર રસ્તા નજીક નીતિનકુમાર ગમનલાલ મોદીની જય અંબે ટ્રેડર્સ નામની દુકાન આવેલી છે. જે દુકાનની નજીક જ તેનું ગોડાઉન આવેલું છે. શુક્રવારે મળસકે 4 વાગ્યાની આસપાસ આ ગોડાઉનની બહાર વોચમેન દલ બહાદુર સિંઘ ફરજ બજાવતો હતો. એ સમયે એક ગાડી આવીને ઊભી રહેતાં વોચમેને તેને અહીં ગાડી કેમ ઊભી રાખી તેમ પૂછતાં તસ્કરોએ વોચમેનને બંધક બનાવી તેને માર મારી કોથળામાં ભરીને ટેમ્પોમાં લઈ ગયા હતા અને ઉંભેળ ગામની સીમમાં ધક્કો મારી ફેંકી દીધો હતો.
ત્યારબાદ ગોડાઉનમાં પ્રવેશી 42 બોરી અને 25 છૂટક પેકેટ વિમલ ગુટખાની લૂંટ કરી બે ટેમ્પોમાં ભરી નાસી છૂટ્યા હતા. આ બનાવ અંગે નીતિનકુમાર મગનલાલ મોદીએ ફરિયાદ આપતાં વધુ તપાસ કડોદરા પોલીસ કરી રહી છે. જય અંબે ટ્રેડર્સના માલિકે સવારે આવીને જોતાં ગોડાઉનમાંથી 10.45 લાખના વિમલ ગુટખાની ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે સ્થળ પર પહોંચી CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નજર CCTV કેમેરા પર પડતાં લાકડી વડે કેમેરા ઊંચો કર્યો
ગોડાઉનમાં વિમલ ગુટખાની ચોરી કરવા આવેલા ત્રણ તસ્કર ગોડાઉનમાં મૂકેલા બોરીઓને ઉઠાવી બહાર મૂકેલા ટેમ્પોમાં ભરવા લાગ્યા હતા. 42 બોરીઓ પૈકી 5થી 6 બોરી તસ્કર ગોડાઉનની બહાર લઈ ગયા બાદ એક તસ્કરની નજર ગોડાઉનમાં લાગેલા CCTV કેમેરા પર પડી હતી. એ તસ્કરે બહારથી લાકડી લાવી કેમેરાને ઊંચો કર્યા બાદ ચોરીની ઘટનાને બિનધાસ્તપણે અંજામ આપ્યો હતો.