બીલીમોરા : બીલીમોરોના (Billimora) સરદાર માર્કેટના ગેટ પાસે કેળાં (Banana) લેવા ઉભા રહેલા શાકભાજીના વેપારીની મોપેડની ડીકીમાં મુકેલા રૂપિયા 50 હજારની ચોરી (Stealing) અજાણ્યા યુવાને કરી જતા થયેલી ફરિયાદના (Complaint) આધારે પોલીસે (Police) ગુનો નોંધી તપાસ આરંભી છે.
દેવસર સરદાર માર્કેટમાં શાકભાજીનો હોલસેલ વેપાર કરતા અજયકુમાર શ્યામલાલ ગુપ્તા (43 રહે નવપથ નગર કોન્વેન્ટ સ્કૂલ રોડ ગોહરબાગ) પોતાના વ્યવસાયના રૂપિયા 49730 એક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી તેને પોતાની મોટરસાયકલ નંબર GJ 21 BA 7211 ની ડીકીમાં મૂકી ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન માર્કેટના ગેટ પાસે કેળાં લેવા માટે તેઓ ઉભા રહ્યા હતા. કેળા લીધા બાદ તેને મોપેડની ડીકીમાં મુકવા જતા મોપેડમાંની ચાવી મળી ન હતી.
ઘણી શોધખોળ કરવા છતાં પણ ચાવી નહીં મળતા તેમણે નજીકની એસબીઆઇ દેવસર બેંકના સીસીટીવી કેમેરાના ફૂટેજ મેનેજરને કરાયેલી વિનંતી પછી જોયા હતા. જેમાં 25 વર્ષનો અજાણ્યો યુવાન મોપેડમાંથી ચાવી કાઢી ડીકી ખોલીને તેમાં મુકેલી પ્લાસ્ટિકની થેલી લઈ જતા ફૂટેજમાં દેખાયો હતો. આમ કેળાં લેવા ઉભેલા અને મોપેડમાં જ ચાવી મૂકીને ઉતરેલા અજયકુમારની નજર ચૂકવી મોપેજની ડીકીમાં મુકેલ 49730 ની ચોરી થઇ જતા તેમણે આપેલી ફરિયાદના આધારે પોલીસે ફુટેજમાં દેખાતા ચોરની શોધખોળ કરી રહી છે.
ડાંગનાં કોટબા અને ગાયગોઠણનાં જંગલમાંથી ગેરકાયદે લાકડાની તસ્કરી કરનાર બે ઝડપાયા
સાપુતારા : ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગમાં સમાવિષ્ટ લવચાલી રેંજનાં વનકર્મીઓની ટીમે કોટબા અને ગાયગોઠણ વચ્ચેનાં જંગલ વિસ્તારમાંથી ગેરકાયદે લાકડાનાં જથ્થાની તસ્કરી કરનાર બે ઇસમોની ધરપકડ કરી હતી. ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.દિનેશ રબારીનાં માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ અર્ચના હીરાની ટીમને રેંજ કાર્ય વિસ્તારમાં લાકડા તસ્કરીની બાતમી મળી હતી. લવચાલી રેંજનાં આર.એફ.ઓ અર્ચના હીરાનીની ટીમે બાતમીનાં આધારે કોટબા અને ગાયગોઠણ વચ્ચે આવેલા રિઝર્વ ફોરેસ્ટ કંપાર્ટમેન્ટમાં વોચ ગોઠવી હતી.
જેમાં અહી વીરપન્નોએ રિઝર્વ કમ્પાર્ટમેન્ટમાંથી ગેરકાયદે રીતે કટીંગ કરેલા સાગી ઝાડ નંગ-06, 28 ઘનમીટર જેની અંદાજીત કિંમત 1,91860 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ મુદ્દામાલ નજીકથી બે ઇસમો કીશનભાઈ પવાર (રહે.ભવાનદગડ) અને મહેન્દ્રભાઈ પવાર (રહે.ઘોડીના)ની ધરપકડ કરી હતી. જ્યારે 10 થી 12 જેટલા વીરપન્નો નાસી છૂટ્યા હતા. ઉત્તર વન વિભાગનાં લવચાલી રેંજનાં આર.એફ.ઓની ટીમે લાકડાનો જથ્થો સહિત કુલ 211860 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.