રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે આગામી પહેલી જુલાઈથી ધોરણ 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે, ત્યારે આ વિદ્યાર્થીઓને રસી આપવા માટે આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પરીક્ષા શરૂ થાય તે પહેલા વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે તે માટે જુલાઈ માસમાં 18 વર્ષ પુરા થતા હોય તેવા વિદ્યાર્થીઓનો સ્કૂલ પાસેથી ડેટા મંગાવવામાં આવ્યો છે.
ધોરણ 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ પૈકી 3.5 લાખ વિદ્યાર્થીઓ જુલાઈ 2021માં 18 વર્ષ પુરા કરશે. આ તમામ વિદ્યાર્થીઓને રસી પૂરી પાડવા માટે આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે. આગામી પહેલી જુલાઈથી ધોરણ 12ની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. જેમાં 6.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ વિદ્યાર્થીઓને નજીકમાં જ પરીક્ષા સેન્ટર મળી રહે તે માટે બોર્ડ દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.
અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા ધોરણ 12ની પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર તમામ (18 વર્ષની ઉંમર હોય તેવા) વિદ્યાર્થીઓને રસી આપવામાં આવે તેવી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.