સુરત: કોરોના અને ઓનલાઈન એજ્યુકેશને ઘણા વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન પહોંચાડ્યું છે, જે વિદ્યાર્થીઓને વાલી અને શિક્ષકોનો સાથ મળ્યો અને સમયસર પોતાની જાતને સાચવી લીધી તેઓ સારા પરિણામ લાવી શક્યા છે, પરંતુ જેઓને ઓનલાઈન એજ્યુકેશનની આડમાં મોબાઈલનું વળગણ લાગી ગયું તેઓના રિઝલ્ટ બગડ્યા છે. આવું જ કંઈક બન્યું છે સુરતના મોટા વરાછાના ઉત્રાણ ખાતે આવેલી આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલમાં ભણતા ધામેલીયા ગૌરવ દિલીપભાઈ સાથે. ઉત્રાણની આશાદીપ સ્કૂલમાં ભણતા ગૌરવ દિલીપ ધામેલિયા 91.67 ટકા ધો. 10 એસએસસી બોર્ડમાં પરિણામ આવ્યું છે.
ધો. 9માં માત્ર 56 ટકા જયારે બોર્ડમાં 91.67 ટકા મેળવ્યા
સુખદ આશ્ચર્યની વાત એ છે કે ધો. 9માં ગૌરવનું પરિણામ માત્ર 56 ટકા જ હતું. ગૌરવના પિતા દિલીપભાઈ કન્સટ્રક્શન ક્ષેત્રે લેબર કોન્ટ્રાક્ટ છે. તેઓએ કહ્યું કે, ધો. 7-8માં ગૌરવનું રિઝલ્ટ 80 ટકા આસપાસ રહેતું હતું, પરંતુ ધો.9માં તેનું રિઝલ્ટ ખૂબ જ બગડ્યું હતું. માત્ર 56 ટકા આવ્યા હતા. તે વર્ષે કોરોનાના લીધે સ્કૂલો બંધ હતી. ઓનલાઈન સ્ટડી ચાલતી હતી, તેના લીધે ભણતર બગડ્યું હતું, જેની અસર પરિણામ પર દેખાય હતી. ધો. 9ના ઓછા રિઝલ્ટથી ગૌરવ આઘાત પામ્યો હતો અને વધુ મહેનત કરવાનો સંકલ્પ કર્યો હતો. આશાદીપ સ્કૂલમાં ફૂલ ડે ભણતો હતો. ભણતર માટે તેઓએ મોબાઈલ અને ટીવીનો ત્યાગ કરી દીધો. જો કોઈક વાર બીમાર પડે તો જ આરામ કરતા હતા. આ ઉપરાંત જો તેઓ કોઈક વખત માનસિક રીતે થાકી જાય તો ઘરની બહાર જઈને ફ્રેશ થઇ જતા હતા. આટલું કર્યા બાદ તેનું સારું પરિણામ આવ્યું છે.
નાકમાં મસા, શ્વાસ લેવામાં તફલીફ છતાં A-2 ગ્રેડ મેળવ્યો
સુરતના ઘણા બાળકો એવા છે કે જેઓને નાનપણથી જ એવી બીમારી જકડી લે છે જેના પગલે તેઓનું ભવિષ્ય ખતરામાં મૂકી જાય છે. સુરતની વેલંજા વિસ્તારમાં રહેતી અને આશાદીપ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની યશવી ગજેરાને પણ નાનપણથી આવી બીમારી લાગું થઇ ગઈ કે જેના કારણે તેઓ તકલીફમાં મુકાઈ ગઈ હતી. યશવીને નાકમાં મસાની તકલીફ હતી તેમજ નાકનું હાડકું ક્રોસ હતું. જેના પગલે તેઓને શ્વાસ લેવાની પણ તકલીફ પડતી હતી. સુરતનાં મોટા ડોકટરો પાસે ઈલાજ માટે તેઓ ગયા હતા. પરંતુ તમામ ડોકટરોએ ઓપરેશનની સલાહ તો આપી પરંતુ કરવા માટે કોઈ રાજી નહિ હતું. કારણ કે આ ઓપરેશનમાં તેઓના જીવને જોખમ વધુ હતું. અંતે સુરતના એક મહિલા ડોક્ટર ઓપરેશન કરવા માટે રાજી થઇ ગયા.
પરિવારની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી હતી. પરંતુ તેમ છતાં યશવીનાં માતા – પિતાએ પોતાની દીકરીના ઈલાજ માટે નોકરી કરી અને ઓપરેશન કરાવ્યું. ઓપરેશન ધો.10ની પરીક્ષાના બે અઠવાડીયા પહેલા જ કરાવ્યું હતું અને સફળ થયું. ઓપરેશન બાદ પરીક્ષાની યશવી પરીક્ષાની તૈયારીમાં જોડાઈ ગઈ અને અથાક મહેનતનાં પગલે તેને ધો.10માં 89.66 ટકા સાથે A-2 ગ્રેડ મેળવ્યો છે.
પિતાને પેરાલિસીસનો એટેક આવ્યા છતાં હિંમત ન હારી A1 ગ્રેડ મેળવ્યો
સંસ્કાર દીપ શાળાની વિદ્યાર્થીની કચ્છી તૃષા રાજેશભાઈએ ધો, 10 બોર્ડમાં A1 ગ્રેડ મેળવ્યો છે. તૃષાનાં પિતા હીરા કારીગર છે. તેમજ માતા ઘરમાં સાડીઓમાં સ્ટોન લગાવવાનું કામ કરે છે. તૃષાનાં પિતાને આ વર્ષે જ પેરાલિસીસનો એટેક આવતા તેઓ પથારીવશ થઇ ગયા હતા. તેમ છતાં આ દીકરીએ હિંમત ન હારી અને મહેનત કરીને ધો.10માં 98.86% અને 91.50%
PR મેળવ્યા અને માતા-પિતાનું નામ રોશન કર્યું છે.
નોર્મલ બાળકો સાથે ભણી દિવ્યાંગ બાળકોએ ધો.10માં સારું પરિણામ મેળવ્યું
સંસ્કારકુંજ એક પરિવારમાં દિવ્યાંગ બાળકોએ નોર્મલ બાળકો સાથે બેસી બોર્ડ પરીક્ષામાં ઉત્તમ પરિણામ આપ્યું છે. સાથે સાથે આ A1 ગ્રેડમાં 5 બાળકો આવ્યા છે. શાળામાં નોર્મલ બાળકો સાથે 29 દિવ્યાંગ બાળકો અભ્યાસ કરે છે..તે પૈકી 2 દિવ્યાંગ બાળકોનું આજે ધો.10 બોર્ડની પરીક્ષા પ્રથમ પરિણામ આવ્યું હતું. જેમાં બે બાળકો પટેલ રોનીતભાઈ વિશાલભાઈ 60.66% અને 63.45PR તેમજ મહેતા ક્રિષ્નાબેન અરવિંદભાઈ 58.33% અને 59.08PR મેળવી પાસ થયા છે.
સુરતની કાવ્યા કોલડિયા 99.99 પર્સન્ટાઈલ આવ્યા
આજ રોજ તા. 6 જૂનના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર થયું હતું. જેમાં ગજેરા વિદ્યાભવન ઉત્રાણમાં અભ્યાસ કરતી કોલડિયા કાવ્યા રાજેશકુમાર 99.99 PR સાથે A1 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શહેરનું ગૌરવ વધાર્યું છે. કોલડિયા કાવ્યાનાં પિતા રાજેશભાઈ સર્વિસ અને સેલીંગ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે. કોલડિયા કાવ્યા કહે છે કે ધોરણ 10માં સ્કૂલનાં 5 કલાક સિવાય રોજની હું 4 થી 5 કલાકની નિયમિત મહેનત કરતી હતી. હું મારા આ પરિણામનો તમામ શ્રેય મારા માતા-પિતા અને મારા ગુરૂજનોને તથા ગજેરા વિદ્યાભવન શાળાને આપું છું.