Business

ધો. 12ની પરીક્ષા પહેલા જ નર્મદ યુનિવર્સિટીમાં કોલેજના ફર્સ્ટ યર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ, એડમિશન પ્રોસેસ વિશે જાણો

સુરત: (Surat) શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (Veer Narmad University) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં (Courses) પ્રવેશ (Admission) માટે નોંધણી પ્રક્રિયા (Registration process) ૧૨મી જાન્યુઆરી,૨૦૨૨થી શરૂ કરવાની જાહેરાત કરી છે. દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં કાર્યક્ષેત્ર ધરાવતી યુનિવર્સિટીએ તમામ ખાનગી કોલેજો (Private colleges) માટે આ પ્રવેશ પ્રોગ્રામ જાહેર કરી દીધો છે. જે વિદ્યાર્થીઓ હાલ ધોરણ-૧૨ માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીઓ નોંધણી કરાવી શકશે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૦૨૩માં પ્રવેશ માટે નોંધણી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૨માં અભ્યાસ કરી રહ્યા છે, તેવા વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ની પરીક્ષા પહેલા જ ધોરણ-૧૦ ના પરિણામને આધારે ઓનલાઇન (Online) નોંધણી કરાવી શકાશે. વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં નોંધણી કરાવી શકશે.

ધોરણ-૧૨ ની પરીક્ષા પહેલા નોંધણીથી વિદ્યાર્થીઓને આ લાભ મળશે

  • હાલ ફોર્મ ભરવા માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી.
  • ડોક્યુમેન્ટ જમા કે વેરિફાઇ કરાવવા જવાનું નથી
  • વિદ્યાર્થીને લોગ-ઈન આઈ.ડી., પાસવર્ડ આપવામાં આવશે
  • વિદ્યાર્થીને પોતાનું ડેશબોર્ડ મળશે. જેમાં પ્રવેશ અંગેની આગળની વિગતો મળતી રહેશે.
  • ધો.-૧૨નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીએ ડેશબોર્ડ પર Complete Registration લિંકથી પરિણામની વિગત આપવાની રહેશે
  • વિદ્યાર્થી પોતાની શાળા કે નજીકની શાળા, કૉલેજ ખાતે ફોર્મ ભરી શકશે
  • વિદ્યાર્થી કોમ્પ્યુટર, લેપટોપ અથવા મોબાઈલથી પણ ફોર્મ ભરી શકશે
  • અનામત કેટેગરીના વિદ્યાર્થીઓને કયા કયા દાખલા જોઈએ તે અંગેની માહિતી પણ યુનિવર્સિટી આપશે. જેથી છેલ્લી ઘડીએ દોડાદોડી નહીં થાય
  • માદરે વતન જતાં વિદ્યાર્થીઓની નોંધણી થઈ ગઈ હોય, પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી મળતી રહેશે અને વતનથી જ બાકીનું ફોર્મ ભરી શકશે

ધોરણ-૧૨ની પરીક્ષા પહેલાં પ્રવેશ માટે નોંધણી કરાવવાનો હેતુ વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા જાણીને મહત્તમ વિદ્યાર્થીઓને પોતાની પસંદગીના અભ્યાસક્રમમાં પ્રવેશ મળી શકે તે માટે આગોતરું આયોજન કરવાનો છે. સાથે જ આગામી વર્ષે કોલેજોમાં એકેડેમિક કેલન્ડર પ્રમાણે રાબેતા મુજબ શિક્ષણકાર્ય શરુ કરી શકાય તે માટે યુનિવર્સિટી પ્રયત્નશીલ હોવાનું સત્તાધીશોએ જણાવ્યું હતું. યુનિવર્સિટીની વેબસાઈટ www.vnsgu.ac.in પર ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ૧૨મી જાન્યુઆરી, ૨૦૨૨ થી શરૂ થશે. હેલ્પલાઇન નંબર ૦૨૬૧-૨૩૮૮૮૮૮ પણ કાર્યરત રહેશે.


ક્યાં ક્યાં અભ્યાસક્રમોમાં નોંધણી થઈ શકશે?

• બી.કોમ, બી.કોમ (ઓનર્સ)
• બીબીએ, બીસીએ
• બીઆરએસ, એમ.આર.એસ (ફાઇવ યર ઇન્ટિગ્રેડેટ)
• બી.એસસી, બી.એસસી કોમ્પ્યુટર સાયન્સ
• બી.કોમ એલ.એલ.બી (ફાઇવ યર ઇન્ટિગ્રેડેટ)
• એમ.એસસી આઈટી, બાયો. (ફાઇવ યર ઇન્ડિગ્રેટેડ)
• ફાઈન આર્ટસ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ
• બી.એ માસ કમ્યુનિકેશન
• બી.એ.ની પ્રવેશ માટે જે તે કોલેજનો સંપર્ક કરવો

ઝોન મુજબ પ્રવેશ પ્રક્રિયા
બી.કોમ, બી.એસસી, બીબીએ તથા બીસીએની પ્રવેશ પ્રક્રિયા સુરત, વલસાડ, નવસારી, બારડોલી અને ભરૂચ એમ પાંચ ઝોન વાઈઝ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ પોતાની પસંદગીની કોલેજો જે ઝોનમાં આવતી હોય, તે જોઈ, તે અનુસાર પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. જો કોઈ વિદ્યાર્થી એક કરતાં વધુ ઝોનની કોલેજો માટે પ્રવેશ ફોર્મ ભરવા માગતા હોય તો પ્રત્યેક ઝોન માટે અલગ અલગ ફોર્મ ભરવાનું રહેશે. ઝોન મુજબ કોલેજોની યાદી યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

ક્યાં બોર્ડના વિદ્યાર્થીઓની કેટલી બેઠકો?
નર્મદ યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પ્રક્રિયામાં કુલ બેઠકો પૈકીની ૮૦ ટકા બેઠકો ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ માટે તથા કુલ બેઠકો પૈકીની ૨૦ ટકા બેઠકો સીબીએસઈ તથા અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટે ફાળવવામાં આવશે.

Most Popular

To Top